________________
94
શ્રી પ્રભાવક ચરિત્ર
એવામાં આકુળતા લાવ્યા વિના આર્યરક્ષિતે માતાનું કથન સંભળાવ્યું. જે સાંભળતાં તેના ચરિત્રથી. ચમત્કાર પામેલ ગુરુમહારાજ ચિંતવવા લાગ્યા કે – “આ વિપ્ર કુલીન અને આસ્તિક છે, પણ એનો માર્દવગુણ કુળને અનુચિત છે, વળી એમાં સુકતાચાર સંભવિત હોવાથી એ જૈન ધર્મને ઉચિત છે.” પછી શ્રતમાં ઉપયોગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વજસૂરિ પછી તેને ભાવી પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે – “હે ભદ્ર ! જૈન દીક્ષા વિના દૃષ્ટિવાદ અપાય નહિ, કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે.'
ત્યારે આર્યરક્ષિત કહેવા લાગ્યો કે – “હે ભગવન્! પૂર્વે મારા સંસ્કાર થઈ ગયા છે, પરંતુ વાળ સંબંધી સંસ્કાર થયા નથી તેથી જૈનેંદ્ર સંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કરો; પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે, તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળો, મિથ્યા મોહથી લોકો બધા મારા અનુરાગી છે, તેમજ એ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મૂકાવે; કારણકે અજ્ઞ સ્વજનોની મમતા દુર્યજ છે. માટે પોતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દીક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે; કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.”
એ વાક્યનો સ્વીકાર કરતાં ગુરુ મહારાજે સાર્વજ્ઞમંત્રથી મંત્રીને તેના મસ્તકપર વાસક્ષેપ નાખ્યો, અને પૂર્વના અભિલાષી આર્યરક્ષિતના કલેશની જેમ કેશનો સામાયિકવ્રતના ઉચ્ચારપૂર્વક લોન્ચ કર્યો. તેણે ગૃહસ્થવેષ ઇશાન ખૂણે તજી દીધો એટલે ગુરુએ તેને શ્વેતવસ્ત્ર પહેરાવીને યતિવેષથી યોજિત કર્યો. પછી નવદીક્ષિત આર્યરક્ષિતને આગળ કરીને તેમણે તરત જ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરુમહારાજે તેને મૂલ સહિત અંગોપાંગાદિક ગ્રંથો ભણાવ્યા અને તેવા તેવા તપો વિધાનથી તેમને કેટલાક પૂર્વો પણ ભણાવ્યા. તેમણે પૂર્વો સહિત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હિતાહિત જાણવામાં કુશળ થયા. વિનય પૂર્વક પોતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ તેઓ બરાબર સમજી શકયા.
પછી શેષ પૂર્વોનો અભ્યાસ કરવા માટે ગુરુ મહારાજે તેમને ઉજ્જયિની નગરીમાં શ્રી વજસ્વામી પાસે મોકલ્યા એટલે ગીતાર્થ મુનિઓની સાથે આર્યરક્ષિત ત્યાં ગયા અને તે વખતે તેમણે શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે તેમને બરાબર ઓળખી તેમણે આલિંગન પૂર્વક ભેટીને કહ્યું કે – “હે પૂર્વાભિલાષી આર્યરક્ષિત ! તને કુશળ છે? આ મારી અંતિમ અવસ્થામાં તું મારો સહાયક થઈને મને મદદ કર; કારણકે કુલીન પુરુષોની એવી સ્થિતિ હોય છે.'
એટલે આર્યરક્ષિત મુનિએ તે કબૂલ કર્યું. અને તે ભદ્રગુપ્તસૂરિની એવી ઉપાસના સેવા કરવા લાગ્યા કે જેથી તે સૂર્યના ઉદયાસ્તને પણ જાણતા નથી.
એકવાર પરમ સમાધિમાં લીન થયેલા ભદ્રગુપ્ત સૂરિએ હર્ષપૂર્વક આર્યરક્ષિત મુનિને કહ્યું કે – “હે વત્સ’ તારા વૈયાવચ્ચથી હું ક્ષુધા તૃષાનો ખેદ પણ જાણતો નથી, તેથી જાણે આ લોકમાં જ મને દેવલોક પ્રાપ્ત થયેલ હોય તેમ સમજું છું. હવે તને મારે કંઈક ગુપ્ત કહેવાનું છે. તો સાવધાન થઈને સાંભળ– શ્રી વજસ્વામીની પાસે તારે અભ્યાસ તો કરવો; પરંતુ હંમેશાં તું અલગ ઉપાશ્રયમાં આહાર પાણી અને શયન કરજે; કારણ કે તેમની મંડળીમાં એકવાર પણ જે આહાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે, તેનો તેમની સાથે નાશ થાય. તું પ્રભાવક અને આહત શાસનરૂપ મહાસાગરનો કૌસ્તુભમણિ સમાન છે. વળી સંઘનો તું આધાર થવાનો છે, માટે મારું આ વચન માન્ય કરજે. એમ હું ઇચ્છું છું.”