________________
56
શ્રી પ્રભાવકચરિત્ર
૧૬. શ્રી શાન્તિસૂરિ
વાદિવેતાલ શાન્તિસૂરિનો જન્મ રાધનપુર પાસેના ઉણ નામના ગામમાં થયો હતો. એમના પિતા શેઠ ધનદેવ અને માતા ધનશ્રી નામે હતાં. શાન્તિસૂરિનું ગૃહસ્થાવાસનું નામ ભીમ હતું. આ અવસરે પાટણમાં ‘સંપક વિહાર’ નામનું થારાપદ્રગચ્છાશ્રિત એક પ્રસિદ્ધ જિનમંદિર હતું, અને તેની પાસે જ થારાપદ્રગચ્છનો ઉપાશ્રય હતો. જ્યાં થારાપદ્રગચ્છીય વિજયસિંહસૂરિ નામના આચાર્ય બિરાજમાન હતા.
વિજયસિંહસૂરિએ કાલાન્તરે ઉણની તરફ વિહાર કર્યો, અને ધનશેઠને સમજાવી ભીમને દીક્ષા આપી અને ‘શાન્તિ’ નામે પોતાનો શિષ્ય કર્યો. શાન્તિ આચાર્યપદ પામી વિજયસિંહના પટ્ટધર શિષ્ય શાન્તિસૂરિ થયા.
શાન્તિસૂરિ પાટણમાં ભીમરાજાની સભામાં ‘કવીન્દ્ર’ તથા ‘વાદિચક્રવર્તિ' આવા પદોથી પ્રસિદ્ધ થયા. કવિ ધનપાલની પ્રાર્થનાથી શાન્તિસૂરિએ માલવામાં વિહાર કર્યો અને ભોજરાજાની સભાના ૮૪ વાદિઓને વાદમાં જીતીને રાજાભોજના તરફથી શરત પ્રમાણે ૮૪ લાખ માલવી રૂપિયા મેળવ્યા હતા, માલાના ૧ લાખના ગુજરાત દેશના ૧૫ હજાર થતા હોવાથી ભોજે તે હિસાબે ૧૨૬૦૦૦૦ ગૂર્જરદેશના રૂપિયા શાન્તિસૂરિને અર્પણ કર્યા હતા, જેમાંથી ૧૨ લાખ તો તેમણે ત્યાં જ જૈન દેહરાસરો કરાવવામાં ખર્ચાવ્યા અને બાકીના ૬૦ હજા૨ થરાદનગરે મોકલાવ્યા અને તે રૂપિયાથી થરાદના આદિનાથના મંદિરનાં મૂલનાયકની ડાબીબાજુમાં દેહરી અને રથ વિગેરે કરાવ્યા. પોતાની સભાના પંડિતો માટે શાન્તિસૂરિ વેતાલ જેવા નીવડવાથી રાજા ભોજે તેમને ‘વાદિવેતાલ' એવું બિરૂદ આપ્યું. ધારાનગરીમાં કેટલોક સમય રહીને શાન્તિસૂરિએ મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાનું સંશોધન કર્યું અને તે પછી ધનપાલની સાથે તેઓ પણ પાટણ આવ્યા. આ વખતે ત્યાંના રહેવાસી જિનદેવ શેઠના પુત્ર પદ્મદેવને સર્પદંશ થયો હતો. જેથી તેને મૃત સમજી ભૂમિમાં દાટી દીધો હતો જેને શાન્તિસૂરિએ નિર્વિષ કરી સજીવન કર્યો હતો.
શાન્તિસૂરિને ૩૨ શિષ્યો હતા તે બધાને તેઓ ચૈત્યમાં પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા તે વખતે નાડોલથી વિહાર કરીને આવેલા મુનિચન્દ્રસૂરિ પાટણની ચૈત્યપરિપાટી યાત્રામાં ફરતા ત્યાં આવ્યા અને દર્શન કરીને ઉભા ઉભા જ પાઠ સાંભળી ગયા, એ રીતે પંદર દિવસ પર્યન્ત દર્શનાર્થે ત્યાં આવીને તેમણે પાઠ સાંભળ્યો, સોલમે દિવસે શિષ્ય મંડલીની પરીક્ષા કરતાં મુનિચન્દ્રની બુદ્ધિનો ચમત્કાર જોવામાં આવ્યો. આ ઉપરથી શાન્તિસૂરિએ મુનિચન્દ્રને પ્રીતિપૂર્વક પોતાની પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ ક૨વાનો આગ્રહ કર્યો, જે ઉ૫૨થી મુનિચન્દ્ર પોતાને માટે સ્થાનકની અગવડ બતાવી, શાન્તિસૂરિએ ટંકશાલની પછવાડે એક શ્રાવકની પાસે નકાન અપાવ્યું જ્યાં રહીને મુનિચન્દ્રસૂરિએ પદર્શનશાસ્ત્રોનું અધ્યયન કર્યું, એ પછી પાટણમાં સર્વ ગચ્છના સુવિહિત સાધુઓને ઉતરવા લાયક ઉપાશ્રય થયા.
શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર એક વિસ્તૃત અને તર્ક પૂર્ણ ટીકા બનાવી કે જેના આધારે પૂર્વોક્ત મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિએ દિગમ્બર વાદિ કુમુદચન્દ્રને પાટણમાં સિદ્ધરાજ જયસિંહની સભામાં જીત્યો હતો.