________________
54
શ્રી પ્રભાવકચરિત્ર
વિમલગણિ નામના મુનિ મળ્યા વીરે તેમને વન્દન કર્યું અને તેમણે ધર્મલાભ આપીને કહ્યું–‘મહાનુભાવ ! હું તને “અંગવિદ્યાનો ઉપદેશ કરવા આવ્યો છું.' વીર તેમને પોતાના ઉપાશ્રયે લઈ ગયો. અને આખી રાત સેવા અને ધર્મચર્ચામાં વ્યતીત કરી. મુનિરાજે વીરને અંગવિદ્યા ભણવાનો આગ્રહ કરતાં કહ્યું–‘મહાનુભાવ! આ અંગવિદ્યાને તું ભણીને પ્રભાવક થા. હું પરલોકનું સાધન કરવા તત્પર થયો છું, માટે મારી પાસેથી આ અંગવિદ્યાના અર્થ સાંભળી લે અને આનું પુસ્તક થરાદના જિનમંદિરના શુકનાશમાં છે માટે ત્યાં જઈને તે વાંચી લેજે.” એમ કહીને વિમલગણિએ વીરને દીક્ષા આપીને ત્રણ દિન ત્યાં રહી અંગવિદ્યાનો આમ્નાય શીખવી શત્રુંજય તરફ પ્રયાણ કર્યું, અને ત્યાં જઈ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. વીરે પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે થરાદ જઈને કહેલા સ્થાનમાંથી શ્રાવકો દ્વારા પુસ્તક પ્રાપ્ત કર્યું અને અંગવિદ્યા ભણીને મહા શક્તિશાલી તપસ્વી થયા.
થરાદથી વિહાર કરીને વીર મુનિ અણહિલપુર પાટણ તરફ જતા હતા ત્યાં વચમાં સ્થિરા ગામ (રાધનપુર પાસેનું થરા ગામ) આવ્યું. જ્યાં વલભીનાથ અથવા વિરૂપાનાથ નામના વ્યન્તરનું સ્થાન હતું, વીર તેના સ્થાનમાં જ રાત્રિવાસો રહ્યા અને તે ક્રૂર વ્યન્તરને શાન્ત કરીને હિંસાનો ત્યાગ કરાવ્યો એટલું જ નહિ પણ ત્યાં કોઈ પણ રીતે હિંસા ન થાય એ માટે પાટણના રાજા ચામુણ્યરાજની મહોરછાપવાળું આજ્ઞાપત્ર પણ કઢાવ્યું વીરની આવી અપૂર્વ શક્તિથી પ્રસન્ન થઈને વલભીનાથે પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“પૂર્વ દિશામાં ડક્કરીપુરી (ડાકોર)માં ભીમેશ્વર મહાદેવનું લિંગ મારા પ્રયોગથી ફાટયું તે હજી પણ ફાટેલું જ પૂજાય છે, મહાબોધમાં બૌદ્ધોના પાંચસો વિહારોનો ભંગ કર્યો, મહાકાલ તો મારા ભયથી ખૂણે જઈને બેઠો છે, જ્યારે સોમેશ્વરને જીતવા હું નિકળ્યો તો તેણે બ્રાહ્મણના રૂપમાં આવીને મને વચનબદ્ધ કરીને અહીં સ્થિર રાખ્યો છે કે જે ઉપરથી આ ગામનું નામ સ્થિરા (થરા) પડ્યું છે. મારી આવી શક્તિનો આજ પહેલાં કોઈએ પરાભવ નથી કર્યો, પણ આજે તમે તમારી શક્તિથી મને હરાવ્યો છે.” આમ વલભીનાથને પ્રતિબોધીને વીર ગણિ પાટણ ગયા જયાં તેમને વદ્ધમાનસૂરિએ આચાર્ય પદ આપ્યું. પ્રબન્ધકાર લખે છે કે વીર ગણિએ આ વલભીનાથની સહાયથી અષ્ટાપદની યાત્રા કરી હતી અને તેની યાદી તરીકે તેઓ ત્યાંથી દિવ્ય અક્ષત લઈને આવ્યા હતા કે જે અક્ષત તુરકોએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી તેમના ઉપાશ્રયમાં અષ્ટાપદની સ્થાપનારૂપે પૂજાતા હતા.
રાજા ચામુને પુત્ર ન હતો એથી તેણે પોતાની એ ચિન્તા પોતાના મંત્રી વીર (પ્રસિદ્ધ મંત્રી વિમલશાહના પિતા)ને જણાવી, વીરે આ વાત વીરસૂરિને જણાવી જે ઉપરથી તેમણે પોતાનો વાસક્ષેપ આપીને કહ્યું કે રાણીઓને આ વાસયુક્ત જલનો અભિષેક કરાવવાથી તેમનો ગર્ભસ્ત્રાવનો રોગ દૂર થશે, અને તેમજ થયું. ચામુડુરાજને વલ્લભરાજ વિગેરે પુત્રો થયા.
એક વાર વીરસૂરિ વિહાર કરતા અષ્ટાદશ શતી દેશ (આબુની આસપાસનો પ્રદેશ)માં ઉંબરણી ગામમાં (ખરાડી પાસે) આવ્યા હતા. સાંજે તેઓ કાયોત્સર્ગ ધ્યાન માટે ગામની બહાર જતા હતા ત્યાં તેમને પરમાર વંશ્ય રૂદ્ર નામક પુરૂષ મળ્યો તેણે વંદન કરીને કહ્યું-મહારાજ ! રાત્રે આ ભયંકર સ્મશાનમાં ન રહો, અહીં વ્યાપદોનો ઘણો જ ભય છે. રાજપુત્રની આ વાત સાંભળીને આચાર્યના શિષ્ય કહ્યું રાજપુત્ર ! તમો આ વિષે કશી ચિન્તા ન કરો, ગુરૂ મહારાજ સદાય આવા સ્થાનોમાં જ ધ્યાન કરે છે. એ સાંભળી તે રાજપુત્ર પોતાને સ્થાનકે ગયો, તે દિવસે તેને જંબૂફલ ભેટમાં આવ્યાં હતાં તે ખાતાં તેમાં તેને કીડા દેખવામાં આવ્યા, આ