________________
શ્રી પ્રભાવકચરિત્ર
સાત વર્ષ સુધી આમ તેમ ભ્રમણ કરીને અવધૂતવેષધારી સિદ્ધસેન ઉજ્જયિનીમાં ગયા અને કવિતાથી વિક્રમનું મનોરંજન કરી તેની સભાના પણ્ડિત થઈને ત્યાં રહ્યા.
એકવાર વિક્રમાદિત્ય સિદ્ધસેનની સાથે કોંગેશ્વર નામના શિવાલયમાં ગયા. પણ શિવને નમસ્કાર કર્યો નહિ, રાજાએ તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે –“મારો પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા, આ દેવથી મારો પ્રણામ ખમાય નહિ.” રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું અને આગ્રહપૂર્વક પ્રણામ કરવા કહ્યું, તે ઉપરથી સિદ્ધસેને “કલ્યાણમંદિર' ઇત્યાદિ પદોથી શરૂ થતી અભિનવ સ્તોત્રની રચના કરીને સ્તુતિ કરવા માંડી, અને આ સ્તોત્રનું તેરમું પદ્ય બોલતાં ધરણ નામનો નાગેન્દ્ર આવ્યો અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને નીચેથી પાર્શ્વનાથ તીર્થકરની પ્રતિમા પ્રકટ થઈ, તે જોઈને સિદ્ધસેને વિશેષ ભક્તિથી સ્તુતિ કરીને રાજાને કહ્યું “અમારો પ્રણામ સહન કરે તે દેવ આ છે.” આ આશ્ચર્યથી રાજા સિદ્ધસેનનો પરમ ભક્ત બન્યો અને જૈનધર્મનો સહાયક થયો. સંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને સિદ્ધસેનને સંઘમાં લઈ લીધા. - કાલાન્તરે સિદ્ધસેન દિવાકરે વિક્રમને પૂછીને ઉજ્જયિનીથી પ્રતિષ્ઠાનપુરની તરફ વિહાર કર્યો. તેઓ જયારે ભરૂચના સીમાડામાં પહોંચ્યા તો ત્યાં ગોવાલિયા લોકો એકઠા થઈને તેમની પાસે આવ્યા અને ધર્મઉપદેશ કરવાની આચાર્યને પ્રાર્થના કરી. જે ઉપરથી તેમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ઉપદેશ કર્યો. જે સાંભળીને ગોવાલિયાઓ પ્રતિબોધ પામ્યા અને તે સ્થળે પાછળથી તે લોકોએ “તાલારાસક' નામથી ગામ વસાવ્યું જે હજી પણ જિનમંદિરથી શોભી રહ્યું છે.
પછી સિદ્ધસેન ભરૂચમાં ગયા, આ વખતે ભરૂચમાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા રાજય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યો. એ જ અવસરે ભરૂચ ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો પણ સિદ્ધસેને આને પણ સર્ષપપ્રયોગથી અસંખ્ય સૈનિકો આપીને બચાવી લીધો, આ ઉપરથી જ એમનું નામ “સિદ્ધસેન' ખરું પડ્યું.
આખરે સિદ્ધસેન દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા.
સિદ્ધસેનના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને એમની બહેન “સિદ્ધશ્રી” જે જૈન સાધ્વી હતી તેણીએ પણ ઉજ્જયિનીમાં અનશનપૂર્વક દેહત્યાગ કર્યો હતો.
પાદલિપ્તસૂરિ અને તેમની જ શિષ્ય પરમ્પરામાં થયેલ વૃદ્ધવાદી ‘વિદ્યાધર' વંશના હતા. એમાં પ્રમાણ બતાવતા પ્રબન્ધકાર કહે છે કે “વિક્રમ સંવત ૧૫૦માં જાકુટિ (જાવડ) શ્રાવકે શ્રી નેમિનાથ ચૈત્યનો ઉદ્ધાર કર્યો, તે પછી વરસાદથી પડેલ મઠમાંથી નિકળેલ એક પ્રશસ્તિ ઉપરથી એ હકીકત (પાદલિપ્ત અને વૃદ્ધવાદી વિદ્યાધરવંશીય હોવાની હકીકત) ઉતારી છે.
આ પ્રબન્ધમાં જો કે વૃદ્ધવાદી કે સિદ્ધસેનના અસ્તિત્વ સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ થયો નથી, છતાં આમાં આપેલ વિક્રમાદિત્ય અને સિદ્ધસેનના વૃત્તાન્ત ઉપરથી એ પ્રબન્ધના નાયક વૃદ્ધવાદી અને સિદ્ધસેન દિવાકરને વિક્રમાદિત્યના સમકાલીન માનવાનું સહેજે પ્રાપ્ત થાય છે. બીજી તરફ આમાં પૂર્વદેશાન્ત (બંગાલ)ના રાજા દેવપાલનું અને કામરૂપ (આસામ)ના રાજા વિજયવર્માનું વૃત્તાન્ત પણ આવે છે અને આ બંને રાજાઓને સિદ્ધસેનના સમકાલીન હોવાનું જણાવ્યું છે, પણ આ બંને રાજાઓનો સમય સિદ્ધસેનના સમય સાથે મળતો નથી.