________________
શ્રી વૃદ્ધવાદીસૂરિ
તે સમયમાં વિક્રમાદિત્ય પૃથ્વીનું પાલન કરતો હતો. અન્ય દિવસે કાત્યાયન ગોત્રીય દેવર્ષિ-બ્રાહ્મણ અને દેવશ્રીનો પુત્ર ‘સિદ્ધસેન’ નામનો વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યો. નગરની બહાર જ વૃદ્ધવાદી તેને મલ્યા અને ત્યાંજ તેમની સાથે વાદ કરીને તેમનો કુમુદચન્દ્ર નામે શિષ્ય થયો.
27
વર્તમાન કાલીન જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગીતાર્થ થતાં વૃદ્ધવાદીએ કુમુદચન્દ્રને આચાર્યપદ આપ્યું અને ‘સિદ્ધસેન' એ પ્રથમનું જ નામ આપીને પોતાના ગચ્છના ઉત્તરાધિકારી બનાવ્યા.
એકવાર સિદ્ધસેને પોતાની કવિત્વ શક્તિથી વિક્રમાદિત્યને ખુશી કર્યો હતો, જે ઉપરથી રાજાએ તેમને ક્રોડ સોનૈયા આપવા માંડ્યા પણ તેમણે તે દ્રવ્ય સાધારણ ખાતાના ફંડમાં અપાવ્યું અને તેથી ગરીબ શ્રાવકોનો અને જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો.
એકવાર એ ચિત્તોડગઢ ગયા હતા. ત્યાં એમની નજરે વિચિત્ર સ્તંભ પડ્યો, જે ન પત્થરનો હતો, ન માટીનો અને ન લાકડાનો. આચાર્યે આથી તેની બારીક તપાસ કરી તો તે લેપમય લાગ્યો, આથી તેમણે વિરુદ્ધ દ્રવ્યોથી ધસીને તેમાં એક છિદ્ર પાડ્યું તો તે પુસ્તકોથી ભરેલો જણાયો. આચાર્યે તેમાંથી એક પુસ્તક કાઢીને તેનું એક પત્ર લઈને વાંચ્યું એટલામાં તે પુસ્તક તેમના હાથમાંથી અદૃષ્ટ દેવતાએ ઝુંટવી લીધું, પણ તેમાંથી તેમને સુવર્ણસિદ્ધિયોગ અને સરસવોથી સુભટ નિપજાવવાની વિધિ-આ બે ચીજો યાદ રહી ગઈ. એકવાર સિદ્ધસેન છેક પૂર્વ દેશમાં ગયા, ત્યાં તેઓ કર્માર ગામમાં ગયા જ્યાં દેવપાલરાજાની તેમને મુલાકાત થઈ. ધર્મકથાથી આચાર્યે દેવપાલને જૈનધર્મ તરફ ખેંચ્યો અને પોતાનો મિત્ર બનાવ્યો. આચાર્ય દેવપાલના આગ્રહથી ત્યાંજ રહ્યા હતા. તેવામાં કામરુ દેશનો રાજા વિજયવર્મા મોટી સેનાની સાથે દેવપાલ ઉપર ચઢી આવ્યો. શત્રુની ચઢાઈ અને તેના અધિક બલની વાત દેવપાલે સિદ્ધસેનને કહીને જણાવ્યું કે આ પ્રબલ શત્રુ સામે ટકી રહેવા જેટલું મારી પાસે દ્રવ્ય અને સેનાબલ નથી, આ ઉપરથી સિદ્ધસેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્પપયોગથી ઘણા સુભટો ઉપજાવીને તેને સહાયતા કરી અને દેવપાલે આ મદદથી વિજયવર્મા ઉપર જીત મેળવી પોતાને મુંઝવણરૂપ અંધકારમાં પ્રકાશ આપ્યો એથી દેવપાલે સિદ્ધસેનને ‘દિવાકર’ એ વિશેષણથી બોલાવ્યા. દેવપાલે એ પછી સિદ્ધસેનને અતિશય માન આપ્યું, તે એટલે સુધી કે તેમને આગ્રહ કરી કરીને પાલખી અનેં હાથી ઉપર બેસાડવા માંડ્યા, દાક્ષિણ્યવશ આચાર્ય પણ રાજાના આ આગ્રહને પાછો ઠેલી ન શક્યા અને શિથિલાચારમાં પડી ગયા.
વૃદ્ધવાદીએ સિદ્ધસેનની આ પ્રમાદી અવસ્થાના સમાચાર લોકોના મુખથી સાંભળ્યા અને તેઓ વિહાર કરીને કર્મારપુર આવ્યા અને પાલખીમાં બેસીને ફરતા સિદ્ધસેનને યુક્તિથી સમજાવીને શિથિલાચાર છોડાવ્યો અને તે પછી તેને પોતાના ગચ્છનો ભાર સોંપીને વૃદ્ધવાદીએ પરલોક વાસ કર્યો.
સિદ્ધસેનદિવાકરે એકવાર મૂલ જૈન આગમો જે પ્રાકૃત ભાષામાં બનેલાં તે સંસ્કૃત ભાષામાં બદલી નાખવાનો વિચાર કર્યો, પણ એમના એ સંકલ્પથી શ્રમણ સંઘે એમને ઠપકો આપીને ૧૨ વર્ષ પર્યન્ત ગચ્છ અને સાધુ વેષ છોડીને ચાલ્યા જવાનો દંડ કર્યો. અને કહ્યું કે ‘જો તમારાથી જૈનધર્મની કોઈ મોટી ઉન્નતિ થઈ સંઘ જોશે તો બાર વર્ષની અંદર પણ તમને માફ કરીને સંઘમાં લઈ લેશે.' સિદ્ધસેને આ પારાંચિત નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને ગચ્છ છોડીને ગુપ્ત વેશમાં નિકળી ગયા.