________________
શ્રી પ્રભાવકચરિત્ર
મંદિરમાં અભિષેક કરવા વિષેની લલ્લશેઠે બ્રાહ્મણો પાસે જે શરત કરાવી છે, એ જોતાં જણાય છે કે એ જીવદેવસૂરિનો સમય ચૈત્યવાસિઓનો પ્રાબલ્યનો સમય હોવો જોઈએ અને એ આચાર્ય પણ કેટલેક અંશે શિથિલાચારી હોવા જોઈએ, અન્યથા યજ્ઞોપવીત અને અભિષેકની શરતો કરાવે નહિ. પટ્ટાવલિઓ અને ભાષ્ય, ચૂર્ણિ આદિ આગમ સાહિત્ય ઉપરથી જણાય છે કે વિક્રમની પાંચમી શતાબ્દિ સુધીમાં ચૈત્યવાસની સાર્વત્રિક પ્રવૃત્તિ થઈ ગઈ હતી અને તેની સાથે જ શિથિલાચાર પણ વધી રહ્યો હતો.
26
પૂર્વોક્ત વૃત્તાન્તો ઉપરથી એ વાત સહેજે સિદ્ધ થાય છે કે પ્રસ્તુત પ્રબન્ધના ચરિત્રનાયક જીવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ પણ એ સમયથી લગભગ ૫૦૦ - ૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરતો કરેલી તે જ બ્રાહ્મણો કાલાન્તરે સત્તાહીન અને જાગીરહીન થતા જૈનોના આશ્રિત ભોજકો થયા હતા એમ હું માનું છું.
ભોજક જાતિનું હજી પણ આદર સૂચક વિશેષણ “ઠાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જાતિ જાગીરદાર હશે, એ નિશ્ચિત છે. એ લોકોનું પાલનપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પરગણામાં (જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં)માન છે અને જૈનો ઉપર કેટલાક પરમ્પરાગત લાગા છે. આથી પણ એ લોકોનો આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે.
જ્યારથી એ લોકોએ વાયડ ખોયું ત્યારથી જ અધિક પરિચય અને સંબન્ધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભક્તિ ક૨વાનું શરૂ કર્યું હશે અને જૈનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દન્તકથા પ્રમાણે એમને હેમચન્દ્રે જૈન બનાવ્યાનું, કે બીજી દન્તકથા પ્રમાણે ખરતરગચ્છીય જિનદત્તસૂરિએ જૈનધર્મમાં લેવરાવ્યાનું અને જૈનોને ઘરે ભોજન ક૨વાથી ‘ભોજક’ નામ પડ્યાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ‘ભોજક’ શબ્દ નવાંગીવૃત્તિકા૨ અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો અને તેનો અર્થ ‘પૂજક’ એ થતો હતો. આથી માનવાને કા૨ણ મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્ર અને જિનદત્ત સૂરિની પહેલાં જ એ લોકોને વાયડગચ્છના જ કોઈ આચાર્યે જૈન મંદિરોના પૂજક તરીકે કાયમ કરી લીધા હશે. અને તે આચાર્યનું નામ ‘જિનદત્તસૂરિ પણ હોય, તે નવાઈ નથી, કારણ કે વાયડગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ ‘જિનદત્તસૂરિ’ જ અપાતું હતું.
૮. શ્રી વૃદ્ધવાદીસૂરિ
વૃદ્ધવાદી ગૃહસ્થાવસ્થામાં ગૌડદેશમાં કોશલાગ્રામના રહેવાસી મુકુન્દ નામના બ્રાહ્મણ હતા. પ્રસિદ્ધ અનુયોગ પ્રવર્તક અને પાદલિપ્તના પરમ્પરાશિષ્ય વિદ્યાધર કુલીન આચાર્ય કન્દિલસૂરિની પાસે મુકુન્દે વૃદ્ધાવસ્થામાં જૈન દીક્ષા લીધી હતી.
ભરૂચમાં “નાલિકેરવસતિ' નામના ચૈત્યમાં કરેલ આરાધનાના પરિણામે થયેલ સરસ્વતીની પ્રસન્નતાથી વૃદ્ધ મુકુન્દ ઋષિને અપૂર્વ વાદશક્તિ પ્રાપ્ત થઈ હતી તેથી એ ‘વૃદ્ધવાદી’ એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. કન્ડિલાચાર્યના સ્વર્ગવાસ પછી વૃદ્ધવાદીએ તેમના પટ્ટધર આચાર્ય થઈને ઉજ્જયિની તરફ વિહાર કર્યો.