________________
શ્રી પ્રભાવક ચરિત્ર
અત્યંત વિશિષ્ટ બુદ્ધિ ધરાવનાર રાજાએ ગુરુના ચરણે આવીને નમસ્કાર કર્યો. અને આ છેલ્લા પ્રયાણમાં તેણે ગુરુભક્તિથી ત્યાં બે પ્રાસાદ કરાવ્યા. ત્યાં શ્રી આદિનાથ પ્રમુખ ત્રેવીશ જિનબિંબો કરાવીને ગુરુના હાથે પ્રતિષ્ઠા કરાવીને ત્યાં સ્થાપન કર્યા. પછી અતિ ભક્તિપૂર્વક રાજાએ વિમલાચલ પર ભગવંતને વંદન કર્યું, અને પોતાના પ્રભુત્વ પ્રમાણે પૂજા કરીને તે રૈવતાચલ પર ગયો. ત્યાં પગથિયા વિના તે પર્વત દુરારોહ (દુઃખે ચડી શકાય તેવો) જોઈને પોતાના વાગ્ભટ મંત્રીને તે પગથીયા બનાવવા માટે તેણે આદેશ કર્યો એટલે મંત્રીએ તે પ્રમાણે સુગમ માર્ગ તૈયાર કરાવ્યો. તે વખતે મોટી મોટી શિલાઓને લીધે પર્વત પર આરોહણ કરવાનું દુષ્કર સમજીને રાજાએ ભૂમિ (તળેટી) માં રહેતા જ શ્રીનેમનાથ ભગવંતની પૂજા કરાવી, પછી ત્યાંથી પાછા ફરીને રાજા પોતાના નગરમાં આવ્યો અને ત્યાં જિનયાત્રાનો મહોત્સવ કરીને તે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યો.
342
એ પ્રમાણે વિક્રમ સંવત્ ૧૧૪૫ વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાની રાત્રે શ્રીહેમચંદ્ર પ્રભુનો જન્મ થયો તથા ૧૧૫૦ માં તેમણે વ્રત ગ્રહણ કર્યું અને સંવત્ ૧૧૬૬માં ગુરુએ તેમને આચાર્ય પદે સ્થાપન કર્યા તેમજ ૧૨૨૯મા વર્ષે તેમણે સ્વર્ગગમન કર્યું. એ રીતે જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રી હેમચંદ્ર પ્રભુનું ચિરત્ર કે જે મારા જેવા અજ્ઞજનોના અજ્ઞાનરૂપ અંધકારને હરનાર, વિદ્યારૂપ કમલિનીને વિકાસ પમાડનાર તથા શ્રીકુમારપાલ રાજાના જીવનને ભારે ઉન્નતિમાં લાવનાર એવું તે વિશ્વવિખ્યાત ચરિત્ર જગતના બોધ નિમિત્તે અને દુષ્કર્મને ભેદવા નિમિત્તે થાઓ.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં, શ્રીપ્રદ્યુમ્ન મુનીશ્વરે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી હેમચંદ્રસૂરિના ચરિત્રરૂપ આ બાવીશમું શિખર પૂર્ણ થયું.
समाप्त