________________
336
શ્રી પ્રભાવક ચરિત્ર
તેણે જણાવ્યું કે – “કુમારપાલના ભાગ્યથી તેના શત્રુનો ઉદ્યમ નષ્ટ થયો છે.' એવામાં સાતમે દિવસે ચર. પુરૂષોએ રાજાને શત્રના મરણના સમાચાર આપ્યા જે સાંભળતાં રાજા બોલી ઉઠ્યો કે - “અહો ! મારા ગુરુનું જેવું જ્ઞાન છે, તેવું બીજે કયાંય નહિ હોય.' - હવે એકવાર બુદ્ધિના નિધાનરૂપ શાસ્ત્રનો વિસ્તાર કરવા પૂર્વની રીતિ પ્રમાણે પોતાના ગુરુના ગ્રંથનો સમૂહ લખાવતાં જતુંઓ અને દાવાનળના ઉપદ્રવથી તાડપત્ર ખુટી પડ્યા, અને દેશાંતરથી મંગાવેલ આવ્યા નહિ, જેથી રાજાને ભારે ચિંતા થઈ પડી. તે ચિંતવવા લાગ્યો કે – “અહા ! મારા ગુરુ બનાવવામાં જેટલી શક્તિ ધરાવે છે, તેને સંપૂર્ણ લખાવવાની પણ મારી શક્તિ નથી, તેથી મારા પૂર્વજોને આજે લજ્જા પમાડવાનો વખત આવ્યો.” એમ ધારી ઉદ્યાનમાં જતાં તાડવૃક્ષોની ઘટામાં બેસી, તેનું સુગંધિ દ્રવ્ય અને પુષ્પોથી પૂજન કરીને રાજાએ જણાવ્યું કે – ‘જ્ઞાનવડે ઉપકાર કરવાથી તે વનરાજ ! તું પૂજનીય છો, સુંદર પત્રોને લીધે તું સર્વ દર્શનીઓના શાસ્ત્રોના આધારભૂત છે. પુસ્તકોને કાયમ રાખવા માટે જો મારું ભાગ્ય જાગતું હોય, તો આ બધા તાડવૃક્ષો નવ પલ્લવિત થઈ જાઓ.” એમ કહી માણિકયથી મઢેલ સુવર્ણનું પોતાનું કંઠાભરણ, નિઃશંક થઈને રાજાએ વક્ષના સ્કંધ પર સ્થાપન કર્યું. પછી પોતે પોતાના રાજભવનના ઉપલા ભાગ પર બેસી ગયો. પછી પ્રભાત થતાં ઉદ્યાનપાલકોએ પ્રમોદપૂર્વક રાજાને વધામણી આપી કે – “હે સ્વામિન્ ! અગ્નિથી દગ્ધ થયેલાં વૃક્ષો બધાં ઉદ્યાનમાં નવપત્રોયુક્ત બની ગયાં છે, માટે હવે ઇચ્છાનુસાર લેખકો પાસે શાસ્ત્રો લખાવો.' આથી પ્રસન્ન થતાં નિર્દોષ એવા રાજાએ તેમને વસ્ત્રાભરણાદિ એટલું ઇનામ આપ્યું કે તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ. પછી રાજાના યશની સાથે જાણે ભાગ્યનો સમૂહ ભળ્યો હોય, તેમ પુસ્તકોનું લખાણ ચાલવા માંડ્યું. પોતાના અંતઃપુર સહિત નિર્દોષ વ્રતને ધારણ કરતો રાજા જાણે તેરમો ચક્રવર્તી હોય, તેમ સમ્યક પ્રકારે સામ્રાજય ચલાવવા લાગ્યો.
પછી એકવાર રિપુચ્છેદના સંકલ્પથી પૂર્ણ થવાથી જેમનાથી શત્રુને જીતવાનો સંકલ્પ પૂરો થયો હતો એવા શ્રી અજિતસ્વામીની સ્તુતિ કરતા અને તેનો પ્રસાદ બનાવવાને ઇચ્છતા રાજાને શ્રી હેમચન્દ્ર મહારાજે પ્રગટ રીતે આદેશ કર્યો કે - “હે ભૂપાલ ! અનેક સિદ્ધથી ઉન્નત સ્થિતિયુક્ત એવા શ્રી તારંગાજી પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એવો પ્રાસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય, એમ સમજી લ્યો.'
એ પ્રમાણે શ્રીગુરુની આજ્ઞા થતા રાજાએ ચોવીશ હસ્તપ્રમાણ મંદિર કરાવ્યું અને તેમાં એકસોએક અંગુલ પ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું, કે જે પ્રાસાદ અદ્યાપિ દેવો અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુગટ સમાન શ્રી સંઘજનોને દર્શનીય છે. - હવે ઉદયનનો બીજો અંબડ નામે મોટો પુત્ર કે જે અસાધારણ પરાક્રમી હતો, તેણે કુમારપાળના આદેશથી કંકણના અધિપતિ મલ્લિકાર્જુન રાજાનો શિરચ્છેદ કર્યો અને પોતે સ્વામીના પ્રસાદથી તેમજ પોતાના પરાક્રમથી લાટમંડળ, સહસ્ત્રનવક, ભંભેરી, કંકણ, પદ્ર, રાષ્ટ્ર, પલ્લી અને વનોને ભોગવતો હતો. તે રાજસંહાર એવા સાન્વય ઉગ્ર બિરુદને ધારણ કરતો હતો. આ
એકવાર શ્રીભૃગુકચ્છ નગરમાં શ્રીમુનિસુવ્રત સ્વામીનું પુરાતન કાઠમંદિર જીર્ણ થએલ તેના જોવામાં આવ્યું. કીટકોને લીધે તેના જીર્ણ કાષ્ઠમાંથી પડતા ચૂર્ણથી જમીન આચ્છાદિત થઈ ગઈ હતી. અને તેના