________________
334
શ્રી પ્રભાવક ચરિત્ર
ધર્મમાં વા૫૨, ભોગ ભોગવ અને વેપારમાં વૃદ્ધિ પમાડ. ત્યારે વણિક કહેવા લાગ્યો કે—‘બળદ ચલાવનાર એવા મારે આ કનક કેવું ? આ મારા કનકનો કોણ જાણે કોણ માલીક થશે ? માટે વૃથા કલેશ કોણ અંગીકાર કરે ? તમે તમારી પ્રભુતાને લઈને ગમે તે રીતે એનો વ્યય કરી શકો છો, માટે મહેરબાની કરીને એ ગ્રહણ કરી લો. મને મારા બળદથી સંતોષ છે.'
ત્યારે મંત્રીએ જણાવ્યું કે—‘હું નિરર્થક દ્રવ્ય લેવાનો નથી. એક મજુરની જેમ એ દુર્વહ ભારને વહન ક૨વાને હું સમર્થ નથી.' એ પ્રમાણે મંત્રી અને વણિકના વિવાદમાં દિવસ પુરો થયો. પછી રાત્રે કપર્દી યક્ષે સાક્ષાત્ આવીને વણિકને કહ્યું કે—‘તેં યુગાદીશ પ્રભુની કરેલ એક રૂપીયાની પૂજાથી હું સંતુષ્ટ થયો અને તેથી મેં તને એ ધન બતાવ્યું, માટે તું તેનો ઇચ્છાનુસાર વ્યય કરજે. બહુ દાન આપતાં કે ભોગ ભોગવતાં પણ એ કદાપિ ક્ષીણ થનાર નથી, તેમજ બીજા કોઈને આધીન પણ એ થવાનું નથી માટે બીજો વિચાર કરીશ નહિ. આ સંબંધમાં એ નિશાની છે કે તારી પત્ની બહુ જ કટુ વચન બોલનારી હતી તે અકસ્માત મીઠા બોલી બની ગઈ, તેમજ ભક્તિથી નમ્ર થઈ ગઈ, એ જ નિશાની સમજી લે.' એ પ્રમાણે સાક્ષાત્ જોઈને પ્રભાતે તે વણિકે ભારે ભાવનાપૂર્વક સુવર્ણ, રત્ન અને પુષ્પાદિકથી શ્રી આદિનાથ ભગવંતની પૂજા કરી, તેમજ શ્રીકપર્દી યક્ષનું પૂજન કરીને તે પોતાના ઘરે આવ્યો અને પુણ્ય કાર્યોથી પોતાના જન્મને પવિત્ર કરવા લાગ્યો.
એવામાં શ્રીમાન્ વાગ્ભટ મંત્રીએ પણ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનનો વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત્ ૧૨૧૩માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે ધ્વજારોપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
હવે અહીં ત્યારથી વિમાન સમાન શોભાને ધારણ કરનાર તથા ભવ્યજનોને પુણ્યના કારણરૂપ એવું તે ચૈત્ય કુમારવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. વળી રાજાએ કુશળ કારીગરોના હાથે શ્રી પાર્શ્વનાથનું બિંબ સુધરાવીને અત્યંત રમણીય કરાવ્યું. પછી શુભ લગ્ન મંત્રીએ ચિંતામણિ કરતાં અધિક અને વાંછિતાર્થ વસ્તુને આપનાર એવા તે બિબની શ્રી હેમચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી તે વખતે જગતનો ઉપકાર કરવામાં તત્પર એવા રાજાએ તે પ્રાસાદના શુકનાસમાં મોક્ષક નામનું છિદ્ર મૂકાવ્યું એટલે પૂર્ણિમાની અર્ધરાત્રે રોગીજનની પ્રાર્થનાથી બિંબના પ્રગટ કરેલ તે છિદ્રમાંથી અમૃત ઝરતું હતું તેના પ્રભાવથી લોકોમાં ચક્ષુ વગેરેના રોગો દૂર થતા હતા. એ પ્રમાણે કયો રાજા સર્વ રીતે ઉપકાર કરે ? વળી રાજાએ સાત હાથના અને વર્ણના અનુસારે બત્રીસ શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા. તેમાં બે શ્વેત, બે શ્યામ, બે રક્તોત્પલ સમાન વર્ણવાળા, બે નીલ અને સોળ કનક સમાન વર્ણવાળા પ્રાસાદ હતા. ત્યાં ચોવીશ ચૈત્યોમાં શ્રી ઋષભાદિક ચોવીશ જિનેશ્વરોને તથા ચાર ચૈત્યોમાં શ્રીસીમંધર પ્રમુખ ચાર જિનવરો, તેમજ શ્રી રોહિણી, સમવસરણ, પ્રભુપાદુકા અને અશોક વૃક્ષ એમ બત્રીશ સ્થાપન કર્યા. એટલે ‘હું બત્રીશ પૂર્વજ પુરુષોના ઋણથી મુક્ત થયો’ એમ જાણે પ્રભુને સૂચવતો ન હોય; પછી રાજાએ —પચીશ હાથ ઉંચા શ્રીતિહુઅણપાલ નામના મંદિરમાં પચીશ અંગુલ પ્રમાણ શ્રીમાન્ નેમિનાથ જિનેશ્વરને સ્થાપન કર્યા.' વળી તેણે સમસ્ત દેશ અને સ્થાનોમાં અન્ય લોકો પાસે પણ જિનમંદિરો કરાવ્યાં.
પછી એકવાર ધર્મોપદેશના અવસરે ગુરુ મહારાજે દુર્ગતિ અને દુર્યોનિરૂપ ભવ-સંસારમાં ભમાવનાર એવા સાત વ્યસનોનું વર્ણન રાજાને સંભળાવ્યું, જે સાંભળતાં તેણે પોતાના દેશમાં સપ્ત વ્યસનોનો નિષેધ કર્યો.