________________
શ્રી પ્રભાવક ચરિત્ર
તીર્થના પ્રાસાદનો તારે મારા કલ્યાણ નિમિતે ઉદ્ધાર કરાવવો. એ મારું કર્તવ્ય છે તેમજ તે વખતે યાત્રાના અવસરે દેવસ્મરણની વેળાએ તમે પોતે પણ કીર્તિપાલનું વચન સાંભળતાં જણાવ્યું હતું કે—અમારા ભંડારમાંથી ધન લાવીને તારે ચૈત્યનો ઉદ્ધાર કરવો, તો પિતાના ઋણથી મુક્ત થવા માટે આપ મને તે આદેશ ફરમાવો.’
332
એમ સાંભળીને રાજાએ કહ્યું કે—હે સખે ! આ અમારા જ કાર્યમાં તારો બંધુ સમાન આદર છે, માટે એ પ્રમાણે કરો. અમારાથી તારું વચન ઓળંગાય તેમ નથી.’ એટલે અમાત્ય કહ્યું—‘હે સ્વામિન્ ! એ આપનો મોટો પ્રસાદ થયો.' એમ કહી શ્રેષ્ઠીઓના પરિવાર સહિત તે સિદ્ધાચલ પર ગયો. ત્યાં તીર્થ પર ભારે ભક્તિપૂર્વક શ્રી આદિનાથ ભગવંતને પ્રણામ કરી, મોટા દ્વારાવાળા ચોતરફ તંબુ ઉભા કરીને તેણે નિવાસ કર્યો, કે જેમાં વાડીઓ માંચડા અને હવાને માટે બારીઓ રાખવામાં આવી હતી, જે મોટા ચોક અને રેશમી વસ્ત્રોથી વધારે સુશોભિત લાગતા, ઉછળતી ધ્વજાઓના દેખાવથી તે સ્વર્ગના વિમાનો જેવા ભાસતા અને તે મોટી સંખ્યામાં હોવાથી ત્યાં પર્વતની ભૂમિપણ સંકીર્ણ થઈ ગઈ હતી..
હવે ત્યાં પાસેના ગામમાં એક વણિક રહેતો હતો કે જે ભારે દરિદ્ર હોવાથી જીર્ણ વસ્ત્રને ધારણ કરતો હતો, તે ત્યાં આવી ચડ્યો. તેના ગાંઠમાં છ દ્રમ્મ (ટકા) હતા, જેનાથી તે ધૃત ખરીદ કરી પોઠીઆ પર નાખીને કટક-સંઘમાં ફેરી કરતો હતો, ત્યાં ઘરાક બહુ મળવાથી એક રૂપીયો ને અધિક એક દ્રમ્મ ઉપાર્જન કરી, ભારે સંતુષ્ટ થતાં તેણે તે રૂપીયાના પુષ્પો લઈને ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી. પછી પોતાની ગાંઠે સાત દ્રષ્મને સાત લાખ સમાન આનંદથી ધારણ કરતો તે વણિક્ અમાત્યને જોવાની ઇચ્છાથી તેના તંબુના દ્વાર પાસે આવ્યો એટલે દ્રહમાં શેવાલજાલના કાણાંમાંથી કાચબો જેમ ચંદ્રમાને જુએ, તેમ પડદામાંથી તેણે મંત્રીને કંઈક જોઈ લીધો. મંત્રીને જોતાં જ તે પૂર્વના પુણ્ય-પાપના અંતરનો વિચાર કરવા લાગ્યો કે—‘અહો ! પુરુષત્વ સમાન છતાં મારી અને એની સ્થિતિમાં કેટલો બધો તફાવત છે ? એ સુવર્ણ, મૌક્તિક, માણિક્યના આભરણોથી દેદીપ્યમાન છે તથા શ્રેષ્ઠીઓ અને સેવકોના પરિવારથી પરિવૃત છે, તેમજ ચક્રવર્તીની જેમ . મુગટબંધ માંડલિક રાજાઓ એના ચરણની સેવા કરી રહ્યા છે, વળી શ્રીયુગાદીશના મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં એ મનોરથ કરી રહ્યો છે, અને હું નિર્ધનપણાને લીધે પોતાની સ્ત્રીથી પણ પરાભવ પામું છું. સંધ્યા સુધી પોતાના પૂરતો ખોરાક પામવાની પણ મને શંકા રહ્યા કરે છે, અને વૃથા પરિશ્રમ કર્યા કરું છું. વળી બાલ્યાવસ્થાથી જ બળદને ચલાવતાં કંટાળી ગયો છું, તેમજ દિવસભરમાં એક રૂપીયાનો લાભ થતાં તો હું પોતાને ભાગ્યશાલી માની લઉં છું.' એમ તે ચિંતવન કરતો હતો, તેવામાં દ્વારપાલે તેને દૂર કરી દીધો. એવામાં દૈવયોગે તે શ્રીમાન્ વાગ્ભટ મંત્રીના જોવામાં આવ્યો. એટલે તેણે હુકમ કર્યો કે—‘એ વણિકને બોલાવો.’ આ વખતે જો કે તે દૂર નીકળી ગયો હતો, છતાં સ્વામીના આદેશથી દ્વારપાલ તેને બોલાવી લાવ્યો. ત્યાં સભાની અંદર અમાત્યની પાસે આવતાં તે ઠુંઠા વૃક્ષની જેમ સ્થિર થઈને ઉભો રહ્યો, કારણ કે તે ગ્રામ્ય હોવાથી સરલતાને લીધે પ્રણામ વગેરેના વિવેકથી અન્ન હતો. ત્યારે મંત્રીએ તેને બોલાવતાં કહ્યું કે—‘હે ભદ્ર ! તું કોણ છે ?' એટલે ભારે દુઃખ લાવીને તેણે પોતાનો પૂર્વવૃત્તાંત બધો મંત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળી મંત્રીશ્વરે તેને જણાવ્યું કે—‘હે ભદ્ર ! તે કલેશથી ઉપાર્જન કરેલ રૂપીયાનો વ્યય કરીને જે જિનેશ્વરની પૂજા કરી, તેથી તું ધન્ય છે.' એમ કહેતાં મંત્રીએ તેનો હાથ પકડીને તેને પોતાના અર્ધાસનપર બેસાડ્યો અને કહ્યું કે—‘તમે મારા ધર્મબંધુ છો, માટે મારા લાયક કંઈક કામ બતાવો.'