________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
331
વળી જે માંસનું ભક્ષણ કરતાં દયા પાળવાની ઇચ્છા રાખે છે, તે બળતા અગ્નિમાં લતાને રોપવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. તેમજ મનુએ કહ્યું છે કે–“પ્રાણીને હણનાર, માંસ ખાનાર, માંસ વેચનાર, પકાવનાર, ખરીદનાર, અનુમોદન આપનાર અને દાતાર એ બધા હિંસક સમજવા.' તથા બીજી રીતે પણ એ જ વાત બતાવેલ છે કે–અનુમોદન કરનાર, મારનાર, બાંધનાર, ક્રય-વિક્રય કરનાર, પકાવનાર, લાવી આપનાર અને ખાનાર એ બધા જીવ હિંસાના ભાગીદાર સમજવા. પ્રાણીઓની હિંસા કર્યા વિના ક્યાંય માંસ મળતું નથી અને જીવવધથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, માટે માંસનો ત્યાગ કરવો જોઈએ.” ઇત્યાદિ સર્વ ત્યાગ કરવા લાયક વસ્તુઓનો ગુરુએ ઉપદેશ આપ્યો, જેથી રાજાએ તેનો સ્વીકાર કરીને તેમાંના કેટલાક નિયમો તેણે અંગીકાર કર્યા. વળી ચૈત્યવંદન, સ્તોત્ર, સ્તુતિ પ્રમુખનો તેણે અભ્યાસ કરી લીધો, તથા વંદન, ક્ષમાપન, આલોચન અને પ્રતિક્રમણ પણ તે શીખ્યો. તેમજ સર્વ પ્રત્યાખ્યાનો અને વિચારવાની ગાથાઓ તેણે ધારી લીધી. તે પ્રતિદિન બે વાર અને પર્વના દિવસે એકવાર ભોજન કરતો. વળી સ્નાત્રના પ્રકાર અને આરતિ પણ તે શીખ્યો. એમ જૈન વિધિનો અભ્યાસ કરવાથી તે એક સારા શ્રાવકની જેમ શોભવા લાગ્યો. પણ પૂર્વે માંસાહાર કરેલ હોવાથી ભારે પશ્ચાત્તાપમાં પડતાં તે કહેવા લાગ્યો કે–“અહા? નરકમાં પાડનાર એ મારું પાતક તો ખરેખર અવાચ્ય છે. એ મારા પાપનો નિસ્વાર થઈ શકે તેમ નથી, તેથી હું એમ કહેવા માગું છું કે–અપરાધીનો નિગ્રહ કરવો-એ રાજનીતિ છે, માટે મારા દાંતને પાડી નાખું, કારણ કે તે માંસાહારથી અપરાધી બનેલા છે. વળી સ્મૃતિમાં પણ એમ સંભળાય છે કે કર્તાને સર્વત્ર સહન કરવું પડે છે.'
ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે– હે રાજન્ ! એ તો સ્થૂલ લૌકિક વચન છે કે એકવાર દેહને કષ્ટ આપવાથી કૃત કર્મનો નાશ થાય, પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહતુ ધર્મની ઇચ્છાથી પવિત્ર મનવાળો થઈને ધર્મારાધન કર, કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે, માટે પાપથી મુક્ત થવાને પૃથ્વી ઉપર હાર જેવા મનોહર બત્રીશ દૈત્યો કરાવ, તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકત નિમિત્તે મેરુ શિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવ.'
એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે “એ રીતિ અતિ ઉવળ છે અને સંસારવનથી નિસ્તાર પામવા માટે એ જ શ્રેષ્ઠ સંબલ છે.” પછી પરમ ભક્તિથી તેણે ગુરુ મહારાજને તેમના સ્થાને મોકલ્યા, અને પોતે બીજે.દિવસે વાલ્મટના જિનાલયમાં આવ્યો, ત્યાં જતાં નેપાળ દેશમાંથી એકવીશ અંગુલનું ચંદ્રકાંતમય જિનબિંબ સાક્ષાત ચિંતામણિ સમાન ભેટ આવ્યું, જેથી પૂર્ણિમાની રાત્રિ સમાન રાજા ભારે ઉલ્લાસ પામ્યો. પછી મુખ પર નિર્મળ પ્રસાદ બતાવતાં મંત્રીને બોલાવીને રાજાએ જણાવ્યું કે- હું તમારા કોઈક કાર્યમાં ઋણી થાઉં.” એમ સાંભળતાં મંત્રી બોલ્યો કે “આ પ્રાણ પણ આપને તાબે છે, તો પરિવાર, ધનભૂમિ કે અન્ય વસ્તુઓમાં શી આસ્થા ?'
એટલે રાજા અંજલિ જોડીને કહેવા લાગ્યો કે– હે મંત્રિનું ! તમે મને પ્રાસાદ આપી દો કે જેથી હું તેને આ પ્રતિમાથી સનાથ કરું.”
ત્યારે મંત્રી બોલ્યો– હે નાથ ! આ તો મારા પર મોટો પ્રસાદ થયો, એમ થવામાં મારી પ્રસન્નતા છે. હવે પછી તે કુમારવિહાર એવા આપના નામથી ભલે પ્રસિદ્ધ થાય. પરંતુ મારે આપને કંઈક વિનંતિ કરવાની છે, તે લક્ષ્યપૂર્વક સાંભળો–કીર્તિપાલના મુખથી પિતાએ મને આદેશ કર્યો છે કે જીર્ણ થઈ ગયેલ શ્રી શત્રુંજય