________________
શ્રી પ્રભાવક ચરિત્ર
હવે વિજયમાં રાજાએ મજબુત મલ્લોને આદેશ કર્યો અને પછી નિમંત્રણથી ત્યાં આવેલા વિક્રમસિંહના સાંધા ઉતરાવી દીધા. પોતાના સેવકોને મોકલીને અશ્વશાળાયુક્ત તેના મંદિર આવાસને તરત જ બાળી નખાવ્યો, ક્ષણવારમાં બધું હતું ન હતું જેવું થઈ ગયું. પરમાર રાજાને ખુલ્લા ગાડામાં નંખાવ્યો. હુંકાર કરવાની પણ તેનામાં શક્તિ ન રહી તો બાળવાની તો વાત જ ક્યાંથી થાય ? નદીઓ અને ઊંચી-નીચી જમીનમાંથી પસાર થતા ગાડામાં તેનું શરીર એટલું ઉછળતું હતું કે શરીર લોહીથી ખરડાઈ ગયું. પછી પરમાર રાજપુત્રોએ કુમારપાળ રાજાને પ્રણામ-સ્તુતિથી મનાવી તેને ગાડામાંથી ઉતરવા વધાવ્યો.' એટલે માચડા અને ઉંચા તોરણોથી શણગારેલ એવા અણહિલ્લપુર આગળ વિજય પ્રાપ્ત કરીને તે આવ્યો, તે વખતે પ્રવેશ મહોત્સવમાં સુરેંદ્રની જેમ ગજરાજ પર આરુઢ થઈને આવતાં નયનરમ્ય એવું વાગ્ભટનું ચૈત્ય તેના જોવામાં આવ્યું. એટલે ત્યાં પ્રવેશ કરી આસન્ન ઉપકારી એવા શ્રી અજિતસ્વામીની રાજાએ સુગંધિ દ્રવ્યોથી પૂજા કરી. પછી શ્રી પાર્શ્વનાથનું સ્મરણ, પૂજન કરીને તેણે જણાવ્યું કે—‘હે નાથ ! પૂર્વે જે મેં કહ્યું છે, તે તેમજ સમજવું.’ પછી પુનઃ પ્રણામ કરી, સિંહાસનથી મંડિત ગજરાજપર આરુઢ થઈને તે પોતાના ભવનમાં આવ્યો, તે વખતે ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓએ મંગલ ગીત તથા વર્ષાપન કર્યું, જેનો રાજાએ સ્વીકાર કર્યો. એવામાં વિક્રમસિંહને સ્થાને પોતાના પ્રતિનિધિને સ્થાપી. તેને પોતાની પાસે બોલાવીને રાજાએ વિસ્મયપૂર્વક જણાવ્યું કે—‘હે વિક્રમ ! અગ્નિયંત્રથી રાજાઓ જ પંચત્વને પામે છે, પણ સામંતો નહિ એમ તને કોણે શીખવ્યું હતું ? ત્યાંજ જો મેં તને અગ્નિમાં હોમી દીધો હોત, તો તું ભસ્મીભૂત થઈ જાત, પછી પુત્ર, પશુ અને બાંધવ સહિત ક્યાં જોવામાં આવત, જેવા તમે મારા સેવકો મલિન છો, તેવા અમે તમારા નાથ મલિન નથી માટે હવે જીવતો રહે:' એમ કહી તેના દુષ્ટ કામને યાદ કરીને રાજાએ તેને બંદીખાનામાં નાખ્યો કારણ કે પોતાના કર્મને લીધે આ લોકમાં જ કેટલાક લોકો રાજાઓથી પરાભવ પામે છે. પછી તેના રામદેવ નામના ભ્રાતાનો પુત્ર શ્રીયશોધવલ હતો તેને રાજાએ ચંદ્રાવતીમાં સ્થાપન કર્યો.
330
હવે એક દિવસે ધર્મવાસનાથી અત્યંત વાસિત થયેલ કુમારપાલરાજાએ પોતાના વાગ્ભટ અમાત્યને આર્હત આચારના ઉપદેશક એવા ગુરુને માટે પ્રશ્ન કર્યો ત્યારે તેણે શ્રી હેમચંદ્રસૂરિના અતુલ વિદ્યા ઉપશમ તથા ગુણગૌરવ કહી સંભળાવ્યા. જે સાંભળતાં રાજાએ જણાવ્યું કે—‘તેમને સત્વર અહીં બોલાવો.' એટલે વાગ્ભટ મંત્રી આચાર્ય મહારાજને બહુમાનથી રાજભવનમાં તેડી આવ્યો ત્યારે રાજાએ ઉભા થઈને તેમને માન આપતાં આસન આપ્યું, જેના પર ગુરુ બિરાજમાન થયા. ત્યાં રાજા બોલ્યો કે—‘હે ભગવન્ ! અજ્ઞતાને ટાળનાર એવા જૈનધર્મનો મને ઉપદેશ આપો.' આથી આચાર્ય મહારાજ તેને દયામૂલ ધર્મ સંભળાવતાં બોલ્યા કે— ‘હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહનો ત્યાગ એ ધર્મ છે તથા રાત્રિભોજન અને માંસાહારનો ત્યાગ કરવો. કારણ કે શ્રુતિ, સ્મૃતિ વગેરે પોતાનાં સિદ્ધાંતો બનાવતાં અન્યજનોએ પણ તેનો નિષેધ કરેલો છે. વળી યોગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે—
વિવાષિતિ યો માંસ, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाख्यं धर्मशाखिनः
જે પ્રાણીઓનો સંહાર કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયારૂપ મૂલને ઉખેડી નાખે છે.
11 १ 11