________________
શ્રી પ્રભાવક ચરિત્ર
એટલે તેણે જણાવ્યું કે—‘સ્વામીનો આદેશ મને પ્રમાણ છે.’ એમ કહીને તે ભક્તે પ્રથમના પરિવારને ભોજન કરાવ્યું અને પછી સ્વામીના શરીરની રક્ષા કરવામાં સદા તત્પર એવા અંગરક્ષકોને બોલાવ્યા. તેમની આગળ બધી મંડપરચના તેણે પ્રગટ કરી, તે વખતે એક મહાબુદ્ધિશાળી વૃદ્ધ પુરુષ ઊભો હતો, એટલે અંગારનો અત્યંત ઉગ્ર ગંધ તેના જાણવામાં આવ્યો, જેથી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે—અહીં કંઈક આશ્ચર્ય જણાય છે. સ્વામીના દ્રોહને માટે ત્યાં અગ્નિનો પ્રબંધ કર્યો લાગે છે.' એવામાં દૃષ્ટિવિકારના લક્ષણથી તેને બધું જાણી ગયેલ સમજીને ભારે વક્ર આશય ધરાવનાર વિક્રમે તેનો અત્યંત સત્કાર કર્યો. પછી તેની સાથે જ વિક્રમસિંહ રાજમંદિરે ગયો અને રાજાને તેણે વિનંતિ કરી કે—‘હે નાથ ! મારા મહેલમાં પધારવાની કૃપા કરો.’ એટલે તે વૃદ્ધ પુરુષે ભૂસંજ્ઞાથી જવાનો નિષેધ કર્યો. ત્યારે રાજાએ જણાવ્યું કે—‘તેં મારા બધા પરિવારને ભોજન કરાવ્યું. પણ અમે રાત્રે ચિંતા અને ઉજાગરાથી ખેદ પામ્યા છીએ, તેથી અત્યારે ભોજન કરવાની અમારી ઇચ્છા નથી. અને વળી દૈવજ્ઞોએ અત્યારે જ પ્રયાણને માટે મુહૂર્ત બતાવેલ છે, માટે પ્રયાણની નોબત વગાડો કે જેથી બધા તૈયાર થાય, અને તું પણ પોતાની સેનાને સજ્જ કરીને સત્વર આવ, કારણકે કુશળ તે જ કહેવાય કે જે કાર્યને માટે ઉત્સાહ અને ત્વરા કરે.'
328
આથી શંકા લાવતાં તે ‘જેવી આપની આજ્ઞા’ એમ કહીને પોતાના સ્થાને ગયો, પણ ‘પોતાની કપટરચના જાણવામાં આવી ગઈ છે’ એમ તેણે માની લીધું. પછી તરત જ શુભ મુહૂર્તે કુમારપાળની છાવણી તરફ પ્રયાણ કર્યું અને શત્રુદુર્ગની પાસે તેણે પોતાનું સૈન્ય સ્થાપન કર્યું. ત્યાં યથાસ્થાને તેણે સૈન્યને સ્થાપન કરી રાતદિવસ જાગરણ કરતાં અને સજ્જ સુભટો હતા.'
હવે અહીં અર્ણોરાજ પણ કુમારપાલના વ્રતને ન જાણતાં અભિમાનયુક્ત વચનથી તેને તુચ્છ માનવા લાગ્યો. વળી તેણે એમ સમજી લીધું કે—‘અગિયાર વરસ જેમ એ હારીને ચાલ્યો ગયો, તેમ અત્યારે બારમે વરસે પણ તે મારું શું વિપરીત કરવાનો હતો ?' તેમજ સત્ત્વહીન છતાં ઉદ્ધત અને ભયને લીધે માત્ર દેખાવ આપતા તથા ‘ચિરંજીવ' ના પોકાર કરતા એવા પોતાના સેવકોથી ઘેરાયેલા રાજાએ —‘એક હાકલના સ્વરથી હસ્તીની ભ્રાંતિ પમાડનાર એવો સિદ્ધરાજનો પુત્ર ચારૂભટ મારી પાસે જ રહે છે.’ એ પ્રમાણે અનેક વિકલ્પોથી તેણે તે વખતે કિલ્લા પર યંત્રો સજ્જ ન કરાવ્યા અને સ્વર્ગમાં રહે તેમ નિર્ભય અને બેફિકર થઈને તે રહેવા લાગ્યો. વળી પોતાના ભાગ્યથી કદર્થના પામેલ તે ભાલા વગેરે હથીયારોથી કિલ્લાની અટારીઓ ભરેલ હોવા છતાં સુભટો મેળવી ન શક્યો.
એ બધો વૃત્તાંત પોતાના સેવકો પાસેથી જાણવામાં આવતાં શ્રીમાન્ કુમારપાલ રાજાએ દાન, માનાદિકથી પોતાની સેનાનો ભારે સત્કાર કર્યો. હાથીઓના પ્રમાણ પૂરતી તેણે શૃંખલા અને ઝુલ તૈયાર કરાવી, અશ્વોની લગામ તથા પલાણ, રથોના ઘુઘરીઓ યુક્ત ચક્રો તેમજ યોદ્ધાઓને તેણે વીરવલયો પહેરાવ્યા. ચતુરંગ સૈન્યને તેણે બહુ જ પ્રસન્નતાપૂર્વક સુવર્ણ, રત્ન, માણિક્ય વગેરેના આભૂષણો આપ્યાં. ચંદન, કપૂર અને કેસરના વિલેપનથી તેણે પોતાના હાથે ચાલાક સુભટોના મુખે વિલેપન કર્યું. તેમજ રાજાએ પોતે ચંપક અને કમળ પુષ્પોની માળાઓ તેમના મસ્તકે બાંધી. વળી હેમંતઋતુના કમળો સમાન સુવર્ણકમળોથી તેણે પ્રમોદપૂર્વક સેનાપતિઓના સ્કંધ પૂજ્યા. પછી અંધકારમય અર્ધરાત્રે સુધા સમાન વચન તરંગોથી તે સુભટોને ઉત્સાહ પમાડતાં ભારે તેજ, પ્રતાપ અને પ્રમોદના સ્થાનરૂપ એવો તે રાજા વાજિંત્રના અવાજ વિના એકાંતમાં રહેલ