________________
શ્રી પ્રભાવક ચરિત્ર
તમે એ પ્રમાણે વિચારપૂર્વક કરો. કારણ કે આપના કરતાં મારી મતિ આગળ જાય તેમ નથી.'
એ પ્રમાણેની વિનંતીથી અમાત્યના વચનક્રમનો વિચાર કરતાં રાજા કહેવા લાગ્યો કે—‘હે મંત્રિન્ ! તમારા વચનથી બધું કાર્ય મને યાદ આવ્યું છે. હે મિત્ર ! સાંભળ-જ્યારે પૂર્વે અમે સામાન્ય સ્થિતિમાં હતા, તે વખતે ત્રણ દિવસના ઉપવાસી થતાં અમે શ્રી સ્તંભતીર્થે ગયા અને વોસિર બટુક (બ્રહ્મચારી)ને ઉદયન પાસે મોકલ્યો હતો, પણ તે ગયો તેવો જ પ્રયોજન સાધ્યા વિના પાછો આવ્યો. આ તેનો અપરાધ મને ન લાગ્યો, પરંતુ અહો ! આ સ્વામીની કેવી ભક્તિ સાચવે છે, એમ મારા મનમાં અસ૨ થઈ. કારણ કે પોતાના દુર્ભાગ્યને જોયા છતાં બીજા પર રોષ લાવનાર સુજ્ઞ ન ગણાય. વળી તે વખતે સંધ્યા સમયે લક્ષ્મી-કાંતિવડે કલ્પવૃક્ષ સમાન એવા શ્વેતાંબરાચાર્ય શ્રીહેમસૂરિ મારા જોવામાં આવ્યા, ત્યારે કૃપાથી તેમણે મને ભાતું અપાવ્યું અને જણાવ્યું કે—‘તને રાજ્યની પ્રાપ્તિ થશે.' આ તેમનું વચન દિવ્ય વાક્યની જેમ સત્ય થયું, અને તે અદ્યાપિ ઘંટારવની જેમ મારા હૃદયમાં ગાજ્યા કરે છે. વળી એ બિંબની પ્રતિષ્ઠાના મિષથી એ ગુરુને યાદ કરાવતાં તે મારા પર અત્યંત ઉપકાર કર્યો છે. કારણ કે કરેલ ગુણને ન જાણનાર અધમ નર સમજવો. તથા શ્રીસિદ્ધરાજ પણ ખેંગાર ભૂપતિને હણીને તેના ઘણા ભાયાતોને લીધે દેશ વસાવવાને સમર્થ ન થયો. અત્યારે તારા પિતાની બુદ્ધિથી તે બધા શત્રુઓનો એવી રીતે વિનાશ કરવામાં આવ્યો કે તેમનું નામ પણ જણાતું નથી. હવે તે દેશને ભોગવટામાં નાખ્યો અને ત્યાં અધિકારીઓ નીમવામાં આવ્યા છે. તારો પિતા આવો બુદ્ધિમાન હતો. એ બધું સ્વામિભક્તિનું ફળ સમજવું. વળી આ કીર્તિપાલ કુમાર તો વિગ્રહાદિકમાં પદાતિ સમાન સંગ્રામમાં અજ્ઞાત હતો, છતાં તારા પિતાએ જ એને વધારે ચાલાક બનાવ્યો. તેણે તને તીર્થોદ્ધારનું જે કામ ફરમાવ્યું છે, તે કાર્ય પણ અમારું જ છે, માટે અત્યારે જ તને હું આદેશ કરું છું કે—રાજ્યના ભંડારમાંથી જોઈએ તેટલું ધન લઈને એ તીર્થનો સંપૂર્ણ ઉદ્ધાર કરો તથા મારા પ્રધાનના અને અમારા મનોવાંછિત પૂર્ણ કરો. વળી અત્યારે એ દેવનું બિંબ તું મને સત્વર બતાવ કે જે પુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે. તેની પૂજા કરતાં હું મારા જીવનને કૃતાર્થ બનાવું.'
326
પછી વાગ્ભટ મંત્રીએ માર્ગ બતાવતાં કુમારપાલ રાજા ચાલીને તે જિનમંદિર ગયો ત્યાં પ્રથમ રાજાએ મૂલનાયક શ્રી પાર્શ્વનાથને વંદન કર્યું અને પછી મંત્રીએ વર્ણવેલ શ્રીઅજિતનાથના દર્શન કર્યાં વળી ઈચ્છાપૂર્તિ માટે તેણે કુંકુમ, અગુરુ, કપૂર, કસ્તૂરી તથા ચંદનદ્રવ, તેમજ સુગંધિ પુષ્પોથી પ્રભુની પૂજા કરી. પછી ભગવતને વિનંતિ કરતાં તેણે જણાવ્યું કે—‘હે નાથ ! આ અવસરે તમારા પ્રભાવ અને પ્રસાદથી જ હું શત્રુ રાજાને જીતીશ. એટલે પછી તમે જ મારા દેવ, માતા, પિતા અને ગુરુ છો. આ સંબંધમાં હે મંત્રિન્ ! તમે સાક્ષીરૂપ છો. એ વચન મારે અવશ્ય પાળવાનું છે.' એ પ્રમાણે કહી, પ્રભુને નમી રોમાંચિત થયેલ રાજાએ તરત વિજયયાત્રા માટે સેના તૈયાર કરાવી અને અનેક પ્રયાણો કરતાં તે ચંદ્રાવતી પાસે પહોંચ્યો. ત્યાં રાજાએ પ્રમોદથી આવાસ દેવરાવ્યા.
હવે તે શત્રુ રાજાના રાજ્યમાં વિક્રમસિંહ નામે એક મુખ્ય અધિકારી હતો તે રાજાના સૈન્યની સેવાથી કંટાળી ગયો હતો. છતાં તે જવાને ઇચ્છતો ન હતો. તેણે પોતાના અમાત્યો સાથે વિચાર ચલાવ્યો કે—‘આપણે આ નિર્બળ રાજાની સેવાથી હવે ભારે કંટાળી ગયા છીએ. દેશાંતરમાં ભ્રમણ કરનાર પુરુષમાં પ્રતાપ કે બળ ક્યાંથી ? તેમ ચિત્રપટમાં ચિત્રેલા સમાન આ રાજામાં નમસ્કાર તો અતિ દુષ્કર જ છે, માટે શરીરે ભસ્મ