________________
324
શ્રી પ્રભાવક ચરિત્ર
તે, આસનયુક્ત ગુરુના પાટ પર બેસી ગયો. ત્યારે શ્રી ગુરુ કહેવા લાગ્યા કે “તું અમારા આસન પર બેઠો, તેથી તને અવશ્ય રાજયની પ્રાપ્તિ થશે. તેમાં એ જ એક મોટું નિમિત્ત છે.” એટલે કુમારપાલ બોલ્યો કે હે પ્રભો ! રાજ્યની ઈચ્છાથી આપના આસન ઉપર પગ મૂક્યો છે. અપમાન કરવા માટે નહિ. હું તો આપને નમેલો જ છું તેથી મારામાં અવિનયની શંકા ન કરશો.' - હવે ત્યાં દશહજાર અશ્વોનો સ્વામી કૃષ્ણદેવ નામે સામંત તેનો બનેવી હતો, તેને કુમાર રાત્રે મળ્યો. એવામાં રાજ્યની સર્વ સત્તા ચલાવનાર અને રાજયયોગ્ય પુરુષની પરીક્ષા કરનાર પ્રધાનો સિદ્ધરાજ મેરૂ નામના શિવમંદિરમાં એકઠા થયા. અહીં કુમાર પણ નગરના રાજમાર્ગે આવતાં એકત્ર થયેલા પ્રધાનોને મળ્યો. ત્યાં કૃષ્ણ તેનો હાથ પકડીને તેને મંદિરમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે ત્યાં બીજા બે રાજકુમારો દાખલ થયા. તેમાં એક સભાસદોને પ્રણામ કરીને બેઠો અને બીજો પણ પોતાનું ઉત્તરીય વસ્ત્ર વિસ્તારીને બેઠો. એટલે કૃષ્ણદેવે કુમારપાલને કહ્યું કે–અહીં બેસ.' ત્યારે તે પોતાના વસ્ત્રયુગલને સંકેલીને એક શ્રેષ્ઠ આસન પર બેસી ગયો. આ બધો દેખાવ જોતાં ત્યાં બેઠેલા કેટલાક નીતિજ્ઞ પ્રધાનો વિચારવા લાગ્યા કે “આમાં એક કુમારે તો પ્રણામ કર્યા. જે નિંદ્ય બુદ્ધિવાળો અને નિસ્તેજ હોય, તે પોતાના સ્વજનો તથા શત્રુઓથી પરાભવ પામે છે. તેમજ સંભ્રાંત દૃષ્ટિથી જોનાર અને પોતાના વસ્ત્રના છેડાને છુટો કરનાર હોય, તેની પાસેથી શત્રુ રાજાઓ સમસ્ત રાજયે છીનવી લે; પરંતુ આ કુમારપાલ કે જેને માટે નૈમિત્તિકોએ અનુમતિ આપી છે, અને જે પૈર્યપૂર્વક દૃષ્ટિ ચલાવતો તથા પોતાના વસ્ત્રને સંકેલતો અહીં આવ્યો છે, એ શત્રુઓનો નિગ્રહ કરશે અને દિશાઓને તાબે કરશે તેમજ એ મહાભાગ્યશાળી લક્ષ્મી વડે ચક્રવર્તી સમાન થશે, માટે દુર્બદ્ધિનો ધ્વંસ કરનાર એવા આ કુમારપાલનો અહીં રાજયાભિષેક કરો. એ સમુદ્ર પર્વત પૃથ્વીનું અવશ્ય પાલન કરશે.' એમ ધારીને બાર પ્રકારના વાજિંત્રોથી આકાશને ધ્વનિમય કરતાં પ્રધાનોએ ત્રણે ભુવનના મંગલરૂપ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી મહોત્સવપૂર્વક કુમારપાલ રાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો અને તે રાજ્યસન પર બિરાજમાન થતાં ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓએ તેને અક્ષતથી વધાવ્યો. એટલે મહા તેજસ્વી, પ્રતાપવડે પ્રચંડ અને શાંત સ્વભાવથી વર્તનાર એવો કુમારપાલ રાજા પૃથ્વીનું રાજય ચલાવવા લાગ્યો.
એવામાં સપાદલક્ષ દેશનો રાજા અર્ણોરાજ કે જે ભારે મદોન્મત્ત હતો, તેની સાથે વિગ્રહ કરવાને કુમારપાલ રાજાએ પોતાની સેના સજ્જ કરી, અને ગ્રહ, નક્ષત્ર, તારા તથા ઔષધિથી પરિવરેલ ચંદ્રમાની જેમ હસ્તી, અશ્વ, પદાતિ અને રથોના સમૂહથી પરિવરેલ તથા સામંતમંડળ તેમજ અન્ય ક્ષત્રિયોથી સેવાતો તે રાજા પોતાનું સૈન્ય લઈને આગળ ચાલ્યો. કેટલાક દિવસે અજેય મેરુની માફક દુર્ણાહ્ય અને લંકાદુર્ગની જેમ અગમ્ય એવા શત્રરાજાને કિલ્લા પાસે તે પહોંચ્યો. ત્યાં પ્રતિપક્ષી રાજાએ દુર્ગની ચોતરફ બે યોજનમાં બોરડી, બાવળ, ખદિર (ખેર) તથા કરીર (કેરડા)ના વૃક્ષો વાવેલ હોવાથી તે કિલ્લો લોકોને ભારે દુર્ગમ્ય થઈ પડ્યો હતો, એટલે કુમારપાલ રાજાએ ઘણા માણસો કામે લગાડીને તે વૃક્ષો કપાવવા માંડ્યા, પણ તેનો પાર ન આવ્યો. આથી તે કંટાળીને પાછો ફર્યો અને વર્ષાકાલ પહેલાં અણહિલપુરમાં આવીને ચાર માસ સુધી ખિન્નતા પામેલ પોતાની સેનાનું પોષણ કર્યું. પછી ચોમાસું પૂરું થતાં તે પોતાનું સૈન્ય લઈને શત્રુ સામે ગયો અને ગ્રીષ્મઋતુમાં ફરી પાછો વળ્યો. એમ રાજાને અગિયાર વરસ ચાલ્યા ગયા. એટલે તે ચિંતવવા લાગ્યો કે –“પશ્ચિમ સમુદ્ર સુધી મારું રાજ્ય છતાં એ અર્ણોરાજ મારા કરતાં અધિક ભાગ્યશાળી છે ? અને મારે તાબે કેમ ન થાય ?' એમ ક્ષણભર તે વિચારમાં લીન થઈ ગયો.