________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
323
પછી રાત્રે કુંભારે તેને બહાર કાઢ્યો એટલે તે દેશાંતર ચાલ્યો અને વાસરિ નામના કોઈ બ્રાહ્મણ સાથે તે સ્તંભતીર્થપુરમાં ગયો, ત્યાં શ્રીમાલવંશનો સુચરિત્રશાળી અને મહાધનવાન એવો ઉદયન નામે વ્યવહારી રહેતો હતો. તેની પાસે એક બ્રહ્મચારી છોકરો હતો. તેણે એકાંતમાં શ્રેષ્ઠીને કુમારપાલનો બધો સત્ય વૃત્તાંત નિવેદન કર્યો. એવામાં કુમારપાલે તેની પાસે કાંઈક ભાતું માગ્યું, ત્યારે વ્યવહારી કહેવા લાગ્યો કે-“જે રાજાને અભીષ્ટ ન હોય, તેની સાથે અમારે કાંઈ પ્રયોજન નથી. માટે રાજપુરુષો તને ન જુએ, તેટલામાં સત્વર દૂર ભાગી જા. હે બટુક ! એને તું આપણા નગરની સીમા મૂકાવી દે.
એ પ્રમાણે શ્રેષ્ઠીના વચનથી તે નિરાશા અને ભય પામ્યો, વળી એમ સાંભળવાથી કુમારપાલ પણ રાત્રે તે નગરમાં દાખલ થયો. તે વખતે ચાર લાંઘણ થતાં સુધાથી તેની કુક્ષિ ઉંડી ઉતરી ગઈ હતી. આ અવસરે ચારિત્રના યોગે ઉત્પન્ન થયેલ લબ્ધિઓથી ગૌતમ સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. તે આચાર્ય મહારાજ વૃષ્ટિથી મેઘ જેમ ભૂમિને શીતલ કરે, તેમ વ્યાખ્યાનધારાથી ભવ્યજનોના હૃદયને શાંતશીતલ કરતા હતા, એવામાં કુમારપાલ અચાનક ત્યાં આવી ચડ્યો. એટલે વિચક્ષણ ગુરુએ તેને જોયો તથા આકૃતિ અને લક્ષણોથી ઓળખી લીધો. પછી આશ્વાસન આપતાં તેને સારા આસન પર બેસાડીને તેમણે જણાવ્યું કે—'હે રાજપુત્ર ! શાંત થા. આજથી સાતમે વર્ષે તું રાજા થઈશ.” • રાજકુમારે કહ્યું–‘આપ જેવા યોગી પુરુષની કૃપાથી એ બધું પ્રાપ્ત થશે, પરંતુ આટલો કાળ અકિંચન મારે કેવી રીતે પસાર કરવો ?
પછી આચાર્ય શ્રાવક પાસેથી તેને બત્રીશ દ્રમ્મ(રૂપીઆ) અપાવીને પુનઃ જણાવ્યું કે-“હે ભદ્ર ! અમારું એક વચન તું બરાબર દૃઢતાપૂર્વક સાંભળ-આજથી તારી પાસે દારિદ્રય આવનાર નથી, જોકે ભોજન, આચ્છાદનાદિ વ્યવહારથી તું અત્યારે માન પામી શક્યો નથી.”
ત્યારે કુમારપાલ બોલ્યો- હે ભગવન ! જો એમ થાય અને મને રાજય મળે, તો પછી જોઈએ શું? અત્યારે હું વધારે શું કહું ?” એમ કહી મેઘથી આચ્છાદિત પૂર્ણ ચંદ્રની જેમ તે ગુપ્ત રાજા દેશાંતર ચાલ્યો ગયો. ત્યાં કોઈવાર કાપાલિક વ્રત આચરતાં, કોઈવાર કૌલવ્રત આચરતાં અને કોઈવાર શૈવમત આચરતાં
ક્યાંય કૃત્રિમ કે વિચિત્ર પંથે ચાલતાં કૃત્રિમક્રમથી તેણે સાત વર્ષ વ્યતીત કર્યા, છતાં ગુરુના વચનથી સંકટમાં પણ તે હૃદયમાં દૃઢતા ધારણ કરી રહ્યો હતો. ભૂપાલદેવી તેની સ્ત્રી સર્વ અવસ્થામાં છાયાની જેમ સદા તેની પાછળ અનુસરતી હતી, કોઈવાર તે પતિના પાર્શ્વ ભાગને મૂકતી ન હતી. - હવે ૧૧૯૯ વર્ષ વ્યતીત થતાં સિદ્ધરાજ મરણ પામ્યો. એ વાત ક્યાંકથી જાણવામાં આવતાં સત્ત્વશાળી કુમારપાળ પોતાના નગરમાં આવ્યો. ત્યાં પાસેના એક શ્રીવૃક્ષ નીચે બેસતાં દુર્ગાદેવીનો મધુર સ્વર તે સુજ્ઞના સાંભળવામાં આવ્યો. એટલે પોતાના ભાગ્યનું પ્રમાણ જાણવાની ઇચ્છાથી તેણે દેવીને બોલાવીને નિવેદન કર્યું કે – હે જ્ઞાનનિધાન દેવી ! જો મને રાજ્ય મળે, એમ તારા જોવામાં આવતું હોય, તો મારા મસ્તક પર બેસીને તું કર્ણને પ્રિય લાગે તેવો સ્વર સંભળાવ. આથી તેણે તરત જ તે પ્રમાણે કરતાં અતિ સ્પષ્ટ સ્વરે જણાવ્યું કે—‘તું રાજા થઈશ.’ આ તેણીનો સ્વર તેના માનરૂપ મહેલમાં દીપક સમાન થઈ પડ્યો.
પછી અંતરમાં રાજ્યપ્રાપ્તિની શંકા છતાં તેવા નિમિત્ત શોધવામાં તત્પર એવો કુમારપાલ નગરમાં આવ્યો અને શ્રીમાનું સાંબને મળ્યો. તેની સાથે તે શ્રી હેમચંદ્ર ગુરુ પાસે ગયો, ત્યાં તેમને વંદન કરીને વિશિષ્ટ બુદ્ધિવાળો