________________
322
શ્રી પ્રભાવક ચરિત્ર
શંકા પામતો સિદ્ધરાજ સતત ઉત્સવોથી અલંકૃત એવા અણહિલ્લપુરમાં આવ્યો.
હવે ક્ષત્રિયોમાં શિરોમણિ અને જાણે સંપદાઓનો પ્રસાદ હોય એવો દેવપ્રસાદ નામે કર્ણરાજાનો બંધુ હતો. સદ્ગતને પાળનાર ત્રિભુવનપાલ નામે તેનો પુત્ર હતો તેનો કુમારપાલ નામે પુત્ર કે જે રાજયના લક્ષણોથી અલંકૃત હતો.
અહીં પુત્રની આશાના ભંગથી વિષાદ પામેલ શ્રી સિદ્ધરાજે પરમજ્ઞાની સમાન નૈમિત્તિકોને બોલાવ્યા. એટલે ગ્રહગતિને માટે સદ્ભાવ અને પ્રશ્નચૂડામણિ ગ્રંથના આધારે કેવલીથી અવિરુદ્ધ અને પરસ્પર વિચાર ચલાવીને તેમણે રાજાની આગળ નિવેદન કર્યું કે “હે સ્વામિનું ! આપના બંધુઓમાં એ કુમારપાલ કોઈને નમ્યા વિના રાજ્ય ચલાવશે, એ વચન અન્યથા થનાર નથી. પોતાના પ્રતાપથી અનેક રાજાઓને જીતીને દિશાઓને તાબે કરશે, પણ તેની પછી રાજ્ય વિનાશ પામશે.” એ પ્રમાણે સાંભળીને “જેમ થવાનું હોય, તેમ થાય છે.” એ વાક્ય જાણતાં છતાં તેને કુમારપાલ પર દ્વેષ આવ્યો અને તેનો વધ કરવાનો તેણે વિચાર કર્યો એ હકીકત કોઈ રીતે પણ કુમારપાલના જાણવામાં આવી, એટલે તે શરીરે ભસ્મ લગાવીને શિવદર્શની જટાધારી તાપસ થયો.
એક વખતે ચરપુરષોએ આવીને રાજાને જણાવ્યું કે–ત્રણસો જટાધારી તાપસો આવેલા છે, તેમાં તમારો શત્ર કુમારપાલ પણ છે. તે સર્વ તાપસોને ભોજન માટે નિમંત્રણ કરો અને તેમાં જેના પગે પધ, ધ્વજ અને છત્ર હોય, તેને તમારો શત્રુ સમજી લેજો.”
એ પ્રમાણે સાંભળતાં રાજાએ તેમને બોલાવ્યા અને પોતે ભક્તિથી તેમના પગ ધોવા લાગ્યો, એવામાં કુમારપાલનો વારો આવ્યો. એટલે તેના પગે પડ્યાદિક જોવામાં આવતાં તે પુરુષોએ દૃષ્ટિસંજ્ઞાથી રાજાને જણાવ્યું, તેથી રાજા સમજી ગયો અને પોતાના માટેની સંજ્ઞા પરથી કુમારપાલ પણ જાણી ગયો, જેથી કંઈક પ્રસંગનો દંભ કરી, હાથમાં કમંડળ લઈ, રાજભવનથી બહાર નીકળી, દિવસે પોતાને ઓળખવાના ભયથી શરીરે કંપતો અને ત્રાસ પામતો તથા “રાજા થકી મારું રક્ષણ કરો.' એમ અલિત વચનથી બોલતો કુમારપાલ શ્રીહેમચન્દ્રસૂરિના ઉપાશ્રયમાં આવ્યો, એટલે આચાર્યે સાહસથી તેને લાખો તાડપત્રોમાં છૂપાવ્યો. એવામાં તેના પગના અનુસાર રાજપુરષોએ ત્યાં આવીને તપાસ કરી, પણ તે જોવામાં ન આવવાથી તેઓ પાછા ચાલ્યા ગયા. પછી રાત્રે આચાર્યે તેને બહાર કાઢ્યો અને તે દેશાંતર ચાલ્યો ગયો. એવામાં ફરીને તે પૂર્વની જેમ ત્યાં આવી ચડ્યો. અહો ! સાહસિકતા એ જ ભાગ્યનું લક્ષણ છે. એટલે ત્યાંથી પણ તીર્થસ્નાનના દંભથી નીકળી સંકટથી ભય પામતો તે જટાધર વામદેવ તાપસ પાસે જવા લાગ્યો અને જેટલામાં તે આલી નામના કુંભારના ઘર પાસે આવ્યો તેટલામાં પાછલ લાગેલા અસવારો તેના જોવામાં આવ્યા. એટલે તેણે કુંભાર પાસે જઈને કહ્યું કે- હે શરણાગતવત્સલ પ્રજાપતિ ! આ આવતા સંકટ થકી તું મારું રક્ષણ કર.” ત્યારે તેણે તૈયાર કરેલ નીંભાડાના એક ખુણામાં છુપાવી તેટલો ભાગ મૂકીને તરત તેણે અગ્નિ સળગાવ્યો. એવામાં અસવારોએ આવીને તેને પૂછ્યું કે અહીં કોઈ જટાધર આવ્યો છે કે નહિ ?'
તે બોલ્યો—હું કામમાં વ્યગ્ર હોવાથી જોઈ શક્યો નથી.’ આથી તેઓ ખેદ પામતા અનાદરથી પાછા ચાલ્યા ગયા.