________________
302
શ્રી પ્રભાવક ચરિત્ર
છે. તેમાં બાળકને માટે જે તે લક્ષણ બાંધ્યું, તે પણ અતિમુક્તક સાધુના દષ્ટાંતથી સદોષિત થયેલ પૂર્વ સિદ્ધાંતથી એનો ઉપનય અસિદ્ધ છે, અને તેથી નિગમન પણ દૂષિત છે, કારણ કે તે અનુમાનથી જ સાબિત થાય છે.”
એ પ્રમાણે પરપક્ષને દૂષિત કરી પોતાના પક્ષને સ્થાપન કરતાં સ્ત્રી નિર્વાણને સિદ્ધ કરવા માટે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે – “પ્રાણીઓ સત્વની વિશિષ્ટતાથી સ્ત્રીભવમાં પણ નિવૃતિ પામી શકે. કુંતી, સુભદ્રા વિગેરે સત્ત્વાધિક સ્ત્રી મારા જોવામાં આવી છે અને આગમમાં તેમના દૃષ્ટાંતો મોજુદ છે. એટલે સ્ત્રીઓ પણ મહાસત્ત્વયુક્ત હોય છે અને તેથી તેઓ મોક્ષે પણ અવશ્ય જાય છે એમ કહી દેવસૂરિ વિરામ પામ્યા ત્યારે દિગંબર વાદી બોલ્યો કે- “એ યુક્તિઓ તમે ફરી બોલી જાઓ, એટલે આચાર્ય તે ફરીવાર બોલ્યા. એમ ત્રણ વાર બોલી ગયા છતાં એ સમજી ન શક્યો તેથી દૂષણ ન આપી શક્યો, અવધારી ન શક્યો. ત્યારે પ્રતિવાદીએ જણાવ્યું કે – “આ વાણીમાં અબોધ એજ તારો પ્રગટ ઉત્તર છે.
એટલે દિગંબર કહેવા લાગ્યો કે – “આ જલ્પ (વાદ) વસ્ત્ર પર લખી લ્યો.'
ત્યારે મહર્ષિ બોલ્યો કે – “વાદ મુદ્રા સંપૂર્ણ થઈ લાગે છે. અહીં દિગબર જીતાયો અને શ્વેતાંબર વિજય પામ્યા.' એમ રાજાએ કંબુલ કરતાં એ પ્રયોગ કેશવે લખી લીધો, ત્યારે તેને તેને સમજી દિગંબર દ્વારા દૂષિત થયેલ જાણી દૂષણ ભેદીને દેવસૂરિ પોતાના પક્ષને સ્થાપન કરવા લાગ્યા, તેમાં દૂષણરહિત કોટાકોટિ શબ્દનો તેમણે પ્રયોગ કર્યો. આથી વાદીએ જણાવ્યું કે - “એ અપશબ્દ છે.” એટલે પ્રધાન સભાસદ ઉત્સાહ કહેવા લાગ્યો કે – “પાણિનિએ સૂચન કરેલ એ શુદ્ધ શબ્દ છે. કારણ કે કોટાકોટિ, કોટિકોટી અને કોટિકોટિ એ ત્રણ શબ્દો પાણિનિએ બરાબર સિદ્ધ કર્યા છે અને તે આહત મતને માન્ય છે, માટે એ પ્રયોગ નિવારવા લાયક નથી. આથી તો તને પોતાને જ બંધાઈ જવાનો વખત આવ્યો. તો હવે કદાગ્રહથી નિવૃત્ત થા.” ત્યારે દેવસૂરિને પ્રત્યુત્તર આપવામાં અસમર્થ એવો વાદી દિગંબર વિલક્ષ અને અનુત્તર બનીને કહેવા લાગ્યો – “હે મહારાજ ! શું કહેવું, દેવાચાર્ય મહાન વાદી છે.”
ત્યાં રાજાએ કહ્યું – “તું અપ્રમત્ત બનીને કહે કે હું એ જ પ્રમાણે કહીશ.” ત્યારે વાદી કંઈ પણ મુખથી બોલી ન શક્યો. એટલે અન્ય સભાસદો તાળીઓ પાડવા લાગ્યા. પછી રાજાએ પોતાના પુરુષો પાસે સંબંધવિધિ લખાવીને શ્રી દેવસૂરિને જયપત્ર અર્પણ કર્યું.
ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે - “અમારે કાંઈક કહેવાનું છે. શાસ્ત્રીય વાદમુદ્રામાં વાદીનો જે નિગ્રહ અને પરાજય થયો, તેથી તેનો તિરસ્કાર કોઈ કરશો નહિ.” રાજાએ કહ્યું – “આપના વચનથી ભલે એમ થાઓ. આડંબર તજીને તે ભલે દર્શનીપણાને પામે.
એવામાં શ્રીકામદેવીએ વજાર્ગલા નામે સિદ્ધયોગિનીને મોકલી. તેણે ગૌરવ વિના દિગંબરના ભાલ પર મસીનો કુચો માર્યો અને શ્રી દેવસૂરિને આશિષથી અભિનંદન આપતાં જણાવ્યું કે – “હે મહાત્મન્ ! તું સિદ્ધાધીશ અને અક્ષત વંશવાળો થા.” પછી બધાના દેખતાં તે આકાશમાર્ગે ચાલી ગઈ.
ત્યારે રાજાએ તુષ્ટિદાનમાં એક લક્ષ દ્રવ્ય આપવા માંડ્યું. પણ નિઃસ્પૃહ અને નિગ્રંથ એવા આચાર્યે તેનો નિષેધ કર્યો, એટલે ગણ, ગંધર્વ અને સિદ્ધાદિક દેવોએ પૂર્વે ન જોયેલ એવો પ્રવેશ-મહોત્સવ રાજાના આદેશથી પ્રવર્તમાન થયો ત્યારે સમસ્ત વાજિંત્રોના નાદપૂર્વક કુલીન કાંતાઓના સંગીત મંગલ થતાં શ્રીદેવસૂરિએ વસતિમાં પ્રવેશ કર્યો.