________________
298
શ્રી પ્રભાવક ચરિત્ર
શ્રાવિકાઓ આયંબિલ કરે છે. શ્રી શાસનદેવી તમને બળ આપે અને વિરોધી દેવોના પ્રભાવને સત્વર પરાસ્ત
કરે.”
એ પ્રમાણે તત્ત્વથી તે આદેશનો અર્થ વિચારી વિશ્વવંદ્ય અને બુદ્ધિનિધાન શ્રી દેવસૂરિએ તે ચારણને પોતાની હકીકત સમજાવીને દિગંબર વાદી પાસે મોકલ્યો. એટલે તેણે જઈને નિવેદન કર્યું કે – “વાદીંદ્ર દેવસૂરિ મુખથી તમને એમ કહેવડાવે છે કે – “હું પાટણ નગરમાં જાઉં છું અને તમે ત્યાં આવજો કે જેથી સિદ્ધરાજની સભામાં તેના સભાસદોના દેખતાં સ્વપરના અભ્યાસનું પ્રમાણ મળી શકે.” એ પ્રમાણે તેણે બધું લક્ષ્યપૂર્વક સાંભળીને જણાવ્યું કે – “ભલે એમ થાઓ. હું ત્યાં આવીશ.” એમ વાદીએ કહેતાં તરત તેને છીંક આવી, તે તેનું અપશુકન સમજી, ગુરુ પાસે આવતાં તેણે કહી સંભળાવ્યું.
પછી શુભ દિવસે સૂર્ય મેષલગ્ન, ચંદ્રમા સાતમે અને રિપુદ્રોહી રાહુ છક્કે લગ્ન સ્થિત રહેતાં શ્રી દેવસૂરિ મહારાજે ત્યાંથી વિહાર કર્યો. તે વખતે તેમને શુભ શુકન થયાં. એટલે જમણી આંખ ફરકી તથા શિર પણ બહુ જ ફરકયું, આકાશમાં મયૂર આડે ઉતરતો દૃષ્ટિગોચર થયો અને તેણે શબ્દ પણ કર્યો. વિદ્ગોને નિવારનાર મૃગલાંઓએ તેમની પ્રદક્ષિણા કરી તથા લોકોથી પૂજિત પ્રતિમાયુક્ત તીર્થંકરનો રથ તેમને સન્મુખ મળ્યો. ઇત્યાદિ નિમિત્તોથી શ્રેષ્ઠતાને પામેલા આચાર્ય મહારાજ વિના વિલંબે પાટણ નગરમાં પહોંચ્યા. એટલે ઉત્કંઠિત થયેલ શ્રી સંઘે તેમનો પ્રવેશ–મહોત્સવ કર્યો. પછી શુભ સમયે તેઓ સિદ્ધરાજને મળ્યા.
હવે પેલો ચારણ દિગંબર પાસે જતાં પુનઃ શ્રી દેવસૂરિનો સંદેશો ફુટ વચનથી કહેવા લાગ્યો કે – “હે મહાત્મન્ ! તમે મદ મૂકી દો. કારણ કે તે પુરુષોને મહાસંકટ આપે છે. પૂર્વે રાવણ શલાકાપુરુષ છતાં મદથી તે ભારે આપત્તિ પામ્યો. એ પ્રમાણે કહીને વૈતાલિક-ચારણ મૌન રહેતાં દિગંબર બોલી ઉઠ્યો કે –
શ્વેતાંબરો કથાના જ્ઞાતા હોય છે, તેમનું તેજમાત્ર જીવિત છે. એટલે હું કાંઈ તેમની કથાથી ભય પામનાર નથી, હું તો ફક્ત વાદથી પ્રસન્ન છું. સ્વ-પરનું પ્રમાણ જાણવામાં આવે તેથી રાજા પાસે જવાનું છે તેણે જણાવ્યું તે ઉચિત જ થયું. માટે વાદમાં ઉભા રહીને એ પ્રમાણે કરીએ. તો આજે આપણે પણ ત્યાં અવશ્ય જઈએ.” એમ કહીને તે સુખાસન-પાલખી પર આરૂઢ થયો. એવામાં તેને પુનઃ છીંક આવી, એટલે તે વિચારવા લાગ્યો કે – “એ તો શ્લેષ્મનો વિકાર શબ્દ છે, મારા જેવાએ તેમાં આસ્થા શી રાખવી? અથવા તો તેથી પણ જીહ્વાને કદાચ વધારે શ્રમ વેઠવો પડશે, પણ અન્ય કાંઈ પ્રતિઘાત થાય તેમ નથી. જો કે વાદને માટે એ છીંક આપણને અટકાવે છે, તથાપિ આપણે તો જવાનું જ છે.' એમ કહીને તે આગળ ચાલ્યો, ત્યાં કાલરાત્રિના કટાક્ષ સમાન કાળો નાગ આડે ઉતર્યો. એ અપશુકનના સંભ્રમથી તેનો પરિવાર વિલંબ કરી રહેતાં બોલ્યો કે – “આપણા સ્વામીનું આ કામમાં કુશળ દેખાતું નથી.'
ત્યારે દિગંબર વાદી કહેવા લાગ્યો કે – “એ સર્પ નથી, પણ શ્રી પાર્શ્વનાથના તીર્થાધિષ્ઠાયક ધરણેન્દ્ર આ કાર્યમાં સહાયતા આપવા માટે મને દર્શન દેવા આવ્યો હતો.' ઇત્યાદિ અપશુકનોથી પ્રતિઘાત પામતાં પણ અને પોતાના પરિવારથી પણ નિષેધ પામ્યા છતાં દિગંબર અણહિલ્લપુરમાં આવી પહોંચ્યો.
હવે શ્રી દેવસૂરિએ નગરમાં પ્રવેશ કરતાં થાહડ નાગદેવ તેમની સન્મુખ આવ્યા, તેમણે નમસ્કાર કરીને આચાર્યને વિનંતિ કરી કે – “હે ભગવન્દિગંબરના પરાજ્યમાં તમારી ઇચ્છાનુસાર ધન અપાવો કારણ કે આ ધન તેટલા માટે ઉપાર્જન કરેલ છે.”