________________
296
શ્રી પ્રભાવક ચરિત્ર
નિશ્ચય કર્યો. તેઓ અરિષ્ટનેમિના પ્રાસાદમાં વ્યાખ્યાન ચલાવતા અને તે સાંભળતા ઘણા અજ્ઞજનો પ્રતિબોધ પામ્યા.
હવે કર્ણાટકના રાજા અને શ્રી સિદ્ધરાજની માતાના પિતા શ્રી જયકેશિ રાજાનો ગુરુ દક્ષિણ દેશમાં વસનાર, અનેક વાદીઓને જીતનાર, વાદિપત્રકની પદ્ધતિને ડાબે પગે વહન કરનાર, ગર્વરૂપ પર્વત પર આરૂઢ થયેલ, પોતે જૈન છતાં જૈન મતનો દ્વેષી, દર્પરૂપ સર્પના કરંડીયા સમાન, વાદીઓમાં ચક્રવર્તી, વર્ષાકાળને વ્યતીત કરવા શ્રીવાસુપૂજયસ્વામીના ચૈત્યમાં રહેલ, શ્રીદેવસૂરિના ધર્મવ્યાખ્યાનની ઇર્ષ્યા લાવનાર એવો કુમુદચંદ્ર નામે દિગંબર હતો. તેણે પોતાના વચનથી ચારણોને વાચાલ બનાવીને સમતાવંતમાં અગ્રેસર એવા શ્રીદેવસૂરિ પાસે મોકલ્યા. તેમાંનો મુખ્ય ચારણ સૂરિને ક્રોધમાં લાવવા માટે દિગંબરની સ્તુતિના કાવ્યો બોલવા લાગ્યો. વળી તેણે સ્તુતિ કરતાં જણાવ્યું કે – “શાસ્ત્ર અને વિદ્યાના સ્થાનરૂપ તથા જેમની અસાધારણ અને શાસ્ત્રપારગામિની મતિ જોતાં વણા પુસ્તકને ધારણ કરનારી તથા વેદપ્રવીણ સરસ્વતી પણ વિસ્મય પામે છે, માટે બ્રહ્મવ્રતમાં રહી તેમની ઉપાસનામાં આસ્તિક બનીને શ્વેતાંબરો પરમ આનંદ મગ્ન કેમ થતા નથી ? વળી તે તો શ્વેતાંબરોને જાગ્રત કરવા એટલે સુધી કહે છે કે – હે શ્વેતાંબરો ! તમે મિથ્યા આડંબર અને વચનરચનાથી મુગ્ધ જનોને અતિવિષમ સંસારરૂપ ખાડામાં શા માટે નાખો છો? જો તત્ત્વાત્તત્ત્વની વિચારણામાં , લેશ પણ તમારી ઇચ્છા હોય, તો રાતદદિવસ કુમુદચંદ્રના ચરણયુગલનું સત્ય રીતે સેવન કરો.”
એવામાં દર્શનને પ્રતિકૂલ વાણી સાંભળતાં રોષને ધારણ કરનાર, શ્રીદેવસૂરિનો માણિકય નામે એક પ્રધાન શિષ્ય કહેવા લાગ્યો કે - “સિંહના કંઠ પર રહેલી કેસરાને પોતાના પગથી કોણ સ્પર્શ કરે ? તીક્ષ્ણ ભાલાવતી પોતાના નેત્રને ખંજવાળવા કોણ ઇછે? શેષનાગના શિર પર રહેલા મણિને લેવાની કોણ હિંમત કરે ? કે જે વંદ્ય શ્વેતાંબર દર્શનની આવી નિંદા કરે છે?' એટલે શિષ્યોમાં માણિકય સમાન એવા માણિકય શિષ્યને શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે – “હે વત્સ કર્કશ બોલનાર એ દુર્જન પર ક્રોધ કરવાનો અવકાશ નથી.” -
ત્યારે આવેલ બંદિરાજ બોલ્યા કે – “અમારા પ્રભુ કુમુદચંદ્ર શ્વેતાંબર રૂપ ચણા ચાવનાર અશ્વ જેવા શ્વેતાંબરરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે અને શ્વેતાંબરરૂપ મચ્છરને પરાસ્ત કરવામાં ધૂમ્ર સમાન છે. વળી શ્વેતાંબરને મશ્કરીથી હસી કાઢવામાં કુમુદચંદ્ર પ્રભુ સૂત્રધાર સમાન છે. હવે અહીં અન્ય વચનના આડંબરથી શું ? તારે કંઈક કહેવું હોય, તો સ્પષ્ટ જણાવી દે.'
એટલે દેવસૂરિ કહેવા લાગ્યા કે – “અમારા દર્શનમાં વ્રતધારીને અંહકાર લાવવાનું કહેલ નથી તો પણ દિગંબરશિરોમણિ મારા બંધુને એક સંદેશો સંભળાવજે કે – હે સુજ્ઞ ! ગુણમાં વિમુખ રહેવું તે યોગ્ય નથી, કારણ કે જેમ લક્ષ્મી પંકજમાં વસે છે, તો ગુણ ગ્રહણ કરવામાં જ જ્ઞાનનું ફળ છે. માટે મદનો ત્યાગ કરીને પોતાના ગુણોને પ્રશમરસયુક્ત બનાવ. કારણ કે દમ - ઇન્દ્રિયદમન એ મુનિઓનું ભૂષણ છે અને તે મદનો ક્ષય કરવાથી જ રહી શકે છે.” એમ આચાર્યે કહેતાં તે ચારણે પોતાના વાદી મુનિ પાસે જઈને તે વાત બધી નિવેદન કરી જે સાંભળતાં તે કુમુદચંદ્ર બોલ્યો કે – “પ્રશમશબ્દથી ઉત્તર આપવો, એ મૂર્ખ સાધુઓનું લક્ષણ છે. આ ઉત્તેજન તો એવું છે કે એની વિદ્યાકળા ખરી રીતે ચિત્તને પીડવારૂપ જણાય છે.” એમ ધારીને તે પોતાના શિષ્યો દ્વારા વૈરાનુબંધની ચેષ્ટાથી તે માર્ગે આવેલ શ્વેતાંબર સાધુઓને બહુ જ સતાવવા લાગ્યો. એમ ઉપસર્ગ થયા છતાં દેવસૂરિ મેરુની જેમ નિષ્ઠા રહ્યા, ત્યારે તે દિગંબર પોતાની દુષ્ટતાને ઉચિત અવશિષ્ટ