________________
શ્રી વીરસૂરિ ચરિત્ર
289
આથી પ્રસન્ન થયેલ રાજાએ પ્રભાતે તે વાદીને રાજસભામાં બોલાવ્યો એટલે નિઃસ્પૃહનો દંભ કરી શાંત એવા તે વાદીએ કહ્યું કે ‘નિઃસંગ એવા અમે ત્યાં શું આવીએ ? જો રાજા અમારા વચનનો કૌતુકી હોય, તો તે પોતે અહીં આવીને ભૂમિરૂપ આસન પર બેસે.” આથી કૌતુકી રાજા તે વાતનો પણ સ્વીકાર કરીને તેના આવાસમાં ગયો અને ઉંચી જમીન પર તે બેસી ગયો. પછી તેણે પરિવાર સહિત ગોવિંદાચાર્યને બોલાવ્યા ત્યાં આકૃતિયુક્ત બીજા અલ્પ વિદ્વાનોને પણ તે વાદીની આગળ બેસાડ્યા અને મહાપ્રજ્ઞાથી અનેક શાસ્ત્રોને જાણનાર તથા કવિઓમાં અગ્રેસર એવા વીરસૂરિને અમુક અવધિમાં પાછળ બેસાડ્યા. એવામાં આચાર્ય ત્યાં આવ્યા અને પોતાના કંબલાસન પર તેઓ બેસી ગયા. * ત્યાં રાજાએ જણાવ્યું કે-“આ વાદી સાથે તમારામાંથી કોણ વાદ કરશે ?”
ત્યારે ગોવિંદાચાર્ય બોલ્યા- “અનૌચિત્યના જવરથી પીડાતા આ અજ્ઞની સાથે શાસ્ત્રના સાગરમાં નાવ જેવી પ્રજ્ઞાવાળા વિદ્વાનો તો વાદ કરતા શરમાય છે માટે આ પ્રાજ્ઞ વીર બાળ શિષ્ય વાદ કરશે.’ એ પ્રમાણે સાંભળતાં વાદી કહેવા લાગ્યો-“આ મુગ્ધ ધાવણો બાળક મારી સાથે શું બોલવાનો હતો? માટે આ અસમાન વિગ્રહ (વાદ) અમને શુભ ભાસતો નથી.”
એટલે રાજાએ કહ્યું કે—“અર્થરૂપ અમૃતથી સુગંધિ એવા પોતાના દુગ્ધપાન કરતા મુખથી આ બાળક તારા મદરૂપ ધતૂરાની ભ્રાંતિને દૂર કરશે.'
એમ સાંભળતાં અવજ્ઞાના વશથી લમણે હાથ દઈ આડો પડેલો તે વાદી તર્કયુક્ત ઉપન્યાસ કરી પછી તે વિરામ પામ્યો, એટલે સુજ્ઞશિરોમણિ શ્રીવીરે જણાવ્યું કે હું ગદ્યમાં બોલું કે પદ્યમાં ? જે તને રુચે, તેમાં બોલું.'
ત્યારે વાદી બોલ્યો તારી ઇચ્છાનુસાર તું મારી આગળ ગમે તે છંદ કે અલંકારમાં બોલ; સર્વાનુવાદરૂપ કે અર્થથી તું સત્વર વાદ ચલાવ.” “એ પ્રમાણે સાંભળીને વીરસૂરિ પુનઃ બોલ્યા કે આ ગુર્જરનો આડંબર કરનાર બાળક હવે આગળ ગમન કરે છે. શું તું તેમાં સમજી શકીશ? તે બોલ્યો – ‘પદ્ય કે છંદમાં બોલવાની જો તારી શક્તિ હોય, તો મત્તમયુર છંદમાં અથવા અલંકાર કે અપહૃતિમાં સર્વાનુવાદને આશ્રયીને બોલ.' એમ સાંભળતાં વીરસૂરિ કહેવા લાગ્યા કે “તું ઉઠ અને આસન પર બેસીને બધું સાવધાન પણે સાંભળ. કારણ કે અમે અડધા સૂતેલાની સામે વાદ કરી કદાપિ સરસ્વતીની હીલના કરતા નથી' આથી તે વાદની અધવચ ત્યાંથી ઉઠયો, પછી વચન બોલવામાં વીર એવા વીરસૂરિ પૂર્વની પ્રતિજ્ઞા પ્રમાણે અસ્મલિત વાગ્ધારાથી બોલવા લાગ્યા, જે સાંભળતાં વાદીનું વચનબળ બધું ક્ષીણ થઈ ગયું. શ્રીવીર બોલતાં વિરામ પામ્યા અને અર્થથી તેનો અનુવાદ કરતાં તે વાદીને કહેવા લાગ્યા કે હવે સર્વાનુવાદથી તું બોલ.' ત્યારે તે વાદિસિંહ બોલ્યો કે- તે પ્રમાણે બોલવાને સમર્થ નથી.' આથી રાજાએ પોતે તેનો હાથ પકડીને તેને જમીન પર પાડી નાખ્યો અને જણાવ્યું કે—“જો બોલવાને તું સમર્થ નથી, તો ઉંચા આસન પર શા માટે બેઠો ?”
એવામાં શ્રીપાલ કવીશ્વર બોલ્યો કે–પુરુષ ઉંચે આસને બેસવાથી શ્રેષ્ઠ કહેવાતો નથી પણ ગુણોને લીધે તે શ્રેષ્ઠતા પામે છે. કાક (કાગડો) પ્રાસાદના શિખર બેસે, તેથી શું તે ગરુડ બની જશે ?' એમ વિડંબના પામતા તે વાદીને જોઈને શ્રીવીરસૂરિ કહેવા લાગ્યા કે– હે રાજનું ! એમ સાંભળવામાં આવે છે અને મારું પણ એ જ વચન છે કે માણસ ગર્વથી જીતાય છે, કારણ કે શુદ્ધ ન્યાયનિષ્ઠ અને વર્ણાશ્રમના ગુરુ એવા તમારા