________________
284.
શ્રી પ્રભાવક ચરિત્ર
ઇંદ્ર ભેટ મોકલાવેલ હોય તેમ તે ભૂષણ શ્રાવકોએ રાજા આગળ ધર્યું અને તેનો વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. જેથી રાજા સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે—તે તપસ્વીની વસ્તુ મૂલ્ય વિના હું લઈ શકું તેમ નથી.'
ત્યારે શ્રાવકોએ જણાવ્યું કે “હે સ્વામિનું! એનું મૂલ્ય આપના મુખે જ થશે અને જે આપો, તે અમને પ્રમાણ છે.” એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ્મ (ટકા) અપાવ્યા. પછી તેમણે તેના પુસ્તકો લખાવીને આચાર્ય મહારાજને અર્પણ કર્યા. તેમજ પાટણ, તામ્રલિપ્તી, આશાપલ્લી અને ધવલક્ક નામના નગરમાં ચોરાશી ચતુર અને શ્રીમંત શ્રાવકો હતા કે જે ધર્મવાસનાથી નિર્મળ આશયવાળા હતા. તેમણે પ્રત્યેક અંગવૃત્તિના પુસ્તક લખાવીને આનંદપૂર્વક આચાર્યને આપ્યાં. એટલે સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્ત્વરૂપ તાળાની કુંચી સમાન તેમણે બનાવેલ નવે અંગની વૃત્તિઓ એ પ્રમાણે પ્રવર્તમાન થઈ.
પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્ય ધવલક્ક નગરમાં પધાર્યા. કારણ કે સ્થાનોમાં અપ્રતિબંધ એજ સિદ્ધાંતઉપાસનાનું લક્ષણ છે. એવામાં આયંબિલનું તપ કરતાં, રાત્રે નિરંતર જાગરણ કરતાં અને અતિપરિશ્રમથી આચાર્ય મહારાજને દુષ્ટ રક્તદોષ લાગુ પડ્યો. તે વખતે ઈર્ષાળુ લોકો કહેવા લાગ્યા કે– ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવોએ વૃત્તિકારને કોઢ ઉત્પન્ન કર્યો છે.' એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થયેલા અને પોતાના અંતરમાં પરલોકને ઇચ્છતા એવા તેમણે રાત્રે ધરણંદ્રનું ધ્યાન કર્યું. ત્યાં સત્વકસોટીના પાષાણતુલ્ય એવા તેમણે સ્વપ્નમાં તરત પોતાના દેહને ચાટતા નાગૅદ્રને જોયો. આથી તેમણે વિચાર કર્યો કે—કાલરૂપ આ વિકરાલ સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય ક્ષીણ થયું લાગે છે, તો હવે અનશન આદરવું એજ મને યોગ્ય છે.” એ પ્રમાણે ચિતવતાં બીજે દિવસે સ્વપ્નમાં ધરણે આવીને તેમને કહ્યું કે “મેં તમારા દેહને ચાટીને રોગને દૂર કર્યો છે.'
એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે મૃત્યુના ભયથી કે રોગને લીધે મને ખેદ થતો નથી; પરંતુ પિશુન લોકો જે અપવાદ બોલે છે, તે મારાથી સહન થઈ શકતું નથી.”
ત્યારે ધરણંદ્ર કહેવા લાગ્યો કે –“એ બાબતમાં તમારે અધીરાઈ-ખેદ ન કરવો. હવે આજે દીનતા તજીને જિનબિંબના ઉદ્ધારથી તમે એક જૈન પ્રભાવના કરો. શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવક, વહાણ લઈને સમુદ્ર માર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ સ્તંભેલ હતું. આથી શ્રેષ્ઠીએ તેની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્થ થયું. બીજી ભ. અરિષ્ટનેમિની પ્રતિમા પાટણમાં આમલી વૃક્ષના મૂળમાં પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટિકા નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમાને તમે પ્રગટ કરો. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. વળી પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને ભૂમિમાં રહેલ બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું ગામ સ્થાપન કર્યું, તેથી તમારી પણ પવિત્ર કીર્તિ અચળ થશે. વળી ક્ષેત્રપાલની જેમ શ્વેત સ્વરૂપથી તમારી આગળ, અન્ય જનોના જોવામાં ન આવે તેમ એક દેવી ત્યાં માર્ગ બતાવનાર રહેશે.’ એ પ્રમાણે કહીને ધરëદ્ર અંતર્ધાન થઈ ગયો.
પછી સંતુષ્ટ થયેલ આચાર્યે રાત્રિનો બધો અદ્ભુત વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ભારે હર્ષિત થયેલા ધાર્મિકજનો તે વખતે યાત્રાએ જવાને તૈયાર થયા અને નવસે ગાડાંઓ ત્યાં ચાલતા થયાં.