________________
શ્રી અભયદેવસૂરિ ચરિત્ર
હળવે આનંદપૂર્વક તેઓ પાટણમાં પહોંચ્યા. ત્યાં સારા ગીતાર્થના પરિવાર સહિત તેઓ ઘરે ઘરે ભમવા લાગ્યા પણ શુદ્ધ ઉપાશ્રય ન મળ્યો, એવામાં પોતાના ગુરુનું વચન તેમને યાદ આવ્યું.
281
હવે ત્યાં શ્રીમાન્ દુર્લભરાજ નામે રાજા હતો કે જે નીતિ અને પરાક્રમના શિક્ષણથી બૃહસ્પતિનો પણ ઉપાધ્યાય થાય તેવો હતો. ત્યાં સોમેશ્વર દેવ નામે પુરોહિત હતો. જાણે જોડિયા બે સૂર્યપત્ર હોય તેવા બંને આચાર્યો તેના ઘરે ગયા. ત્યાં તેના ઘરના દ્વાર પર પિતૃ-દેવતા સંબંધી બ્રાહ્મતીર્થને સત્યપણે જાણે સ્થાપન કરતા હોય તેમ તેમણે દ્વાર પર સંકેતપૂર્વક વેદનો ઉચ્ચાર કર્યો એટલે દેવતાના અવસરે સારણીની શુદ્ધિપૂર્વક ચાર વેદના રહસ્યને પ્રગટ કરતા તે પુરોહિતના સાંભળવામાં આવ્યા. આથી તેમના ધ્વનિના ધ્યાનમાં જાણે સ્તંભાઈ ગયેલ હોય તેમ એકાગ્ર મનથી તેણે સમગ્ર ઇંદ્રિયોના બળને પોતાના બંને કર્ણમાં સ્થાપન કરી દીધું. પછી તે વિચારશીલ પુરોહિતે ભક્તિપૂર્વક તેમને બોલાવવા માટે પોતાના બંધુને મોકલ્યો; કારણ કે તેમના વચનામૃતથી તે ભારે સંતુષ્ટ થયો હતો. એવામાં તે બંને આચાર્ય ઘરમાં આવ્યા. તેમને જોતાં પુરોહિત વિચારવા લાગ્યો કે—‘આ શું બ્રહ્મા પોતે પોતાના બે રૂપ કરીને મને દર્શન દેવા આવેલ છે ? એમ ધારી તેણે આપેલ ભદ્રાસનાદિકનો ત્યાગ કરીને તેઓ પોતાની શુદ્ધ કંબળ પર બેઠા અને વેદ ઉપનિષદ્ તેમજ જૈનાગમની વાણીથી સમાનતા પ્રકાશીને આશિષ આપતાં બોલ્યા કે—‘હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુવિના જે જુએ છે, કર્ણ વિના જે સાંભળે છે, વિશ્વને જે જાણે છે, પણ તેને કોઈ જાણી શકતું નથી એવા અરૂપી શિવ તેજ જિનેશ્વર તમારું રક્ષણ કરો.'
પછી તેમણે પુનઃ જણાવ્યું કે—‘વેદ અને જૈનાગમનો અર્થ સમ્યક્ પ્રકારે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મનો સ્વીકાર કર્યો છે.’ ત્યારે પુરોહિતે તેમને પ્રશ્ન કર્યો કે—‘તમે નિવાસ ક્યાં કર્યો છે ?’ એટલે તેમણે કહ્યું કે—‘અહીં ચૈત્યવાસીઓને લીધે ક્યાંયે સ્થાન મળી શકતું નથી.' આથી ચાંદની સમાન નિર્મળ મનવાળા તે પુરોહિતે તેમને રહેવા માટે પોતાના મકાનનો ઉપલો ભાગ કાઢી આપ્યો. ત્યાં તેઓ પોતાના પરિવાર સહિત રહ્યા અને ભિક્ષાના બેતાલીશ દોષ તથા વૃદ્ધિરહિત, તેમજ નવકોટિએ શુદ્ધ લાવેલ આહારનો તેમણે ઉપયોગ કર્યો.
પછી બપોરે પુરોહિતે યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા, ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો છે, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો ત્યાં આવી ચઢ્યા. તેમણે આવીને જણાવ્યું કે—‘તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ; કારણ કે ચૈત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી.'
એમ સાંભળતાં પુરોહિત કહેવા લાગ્યો કે—‘રાજસભામાં એ વાતનો નિર્ણય કરવાનો છે.' એટલે તેમણે આવીને પુરોહિતનું કથન પોતાના ઉપરીઓને નિવેદન કર્યું. આથી પ્રભાતે તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા, તે વખતે પુરોહિત પણ ત્યાં આવ્યો, અને તેણે રાજાને જણાવ્યું કે—‘હે દેવ ! બે જૈન મુનિ પોતાના પક્ષમાં સ્થાન ન પામતાં મારા ઘરે આવ્યા, એટલે ગુણગ્રાહકપણાથી મેં તેમને મારા ઘરે આશ્રય આપ્યો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટપુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં મારી કંઈ ગફલત કે અનુચિતતા થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો.
એ પ્રમાણે સાંભળી સર્વ દર્શનોમાં સમાન દૃષ્ટિ રાખનાર રાજા હસીને કહેવા લાગ્યો કે—‘કોઈ પણ દેશથી