________________
262
શ્રી પ્રભાવક ચરિત્ર
વધારે શું કહું ? આ ધર્મ પંડિતનો પૃથ્વી પર સંચાર થતા હિમાલયમાં જ માત્ર બલવાન પ્રમાણ (પરિમાણ)ની પટુતા રહી છે, ગરુડમાં જ દેઢ પક્ષ (પાંખ) છે, પર્વતોમાં જ પ્રતિવાદિતા (પ્રતિધ્વનિ) રહી છે અને દેવતાઓમાં જ પાત્રના આલંબનનો આગ્રહ રહ્યો છે, તેમજ કવિ અને બુધની ખ્યાતિ તો માત્ર ગ્રહોમાં રહી છે. એ બધો આ સરસ્વતીનો વિલાસ છે, બૃહસ્પતિ મંદ બુદ્ધિવાળો થઈને એક બાજુ બેસી રહે, તેમાં બિચારા ઇન્દ્રથી પણ શું થાય તેમ છે? વાદીઓમાં સિંહ સમાન હું વાદી વિદ્યમાન છતાં મહેશ્વરથી પણ એક અક્ષર બોલી શકાય તેમ નથી. હે ભૂપાલ ! હું આચાર્ય છું, હું કવિ અને માંત્રિક છું, હું આ સમસ્ત પૃથ્વીમાં તાંત્રિક અને આજ્ઞાસિદ્ધ છું, હું દૈવજ્ઞ અને વૈદ્ય છું, હું વાદિરાજ અને પંડિત છું, વધારે શું કહું, સિદ્ધસારસ્વત પણ હું પોતે જ છું.”
એ પ્રમાણે તેના આડંબરયુક્ત કાવ્યવચનો સાંભળતાં મહાપંડિતો બધા નીચી દૃષ્ટિ કરી રહ્યા. એટલે ભોજરાજા ચિંતવવા લાગ્યો કે – “એક તે ધનપાલ કવિ વિના આજે મારી સભા શૂન્ય જેવી લાગે છે. એ પ્રમાણે અપમાન પામેલ તે હવે અહીં આવે પણ શી રીતે? જો તે કોઈ રીતે અહીં આવી જાય તો આ અભિમાની પંડિતનો પ્રતિકાર થાય.' એમ ધારીને તેણે સર્વત્ર પોતાના વિશ્વાસપાત્ર પુરુષોને મોકલ્યા. તેમણે સર્વ દેશોમાં શોધ કરતા મરુમંડળમાં આવેલ સત્યપુર નામના નગરમાં રાજપુરુષોને તે હાથ લાગ્યો. એટલે તેમણે ભારે વિનીત વચનોથી તેને શાંત પાડ્યો. ત્યારે ઉદાસીન ભાવે રહેલ તે કહેવા લાગ્યો કે – “હું તીર્થની સેવામાં છું, માટે આવનાર નથી.”
આથી તેમણે યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ તેને પુનઃ નમ્રતા પૂર્વક પ્રિય અને કોમળ વચનથી કહેવડાવ્યું કે – “મુંજ રાજા તમને પુત્ર સમાન માનતો, તેથી તમે મોટા અને હું કનિષ્ઠ છું. તો કનિષ્ઠના વચનથી શું રોષ લાવવો જોઈએ? પૂર્વે જયેષ્ઠ હોવાથી તમને ઉસંગે બેસાડ્યા અને શ્રી કુર્ચાલ સરસ્વતી (દાઢી મૂછયુક્ત ભારતી) એવું બિરુદ આપ્યું હતું. અત્યારે ભાગ્યયોગે રાજ્ય પામેલાં વૃદ્ધ એવા અમને તમે તજી દીધા, છતાં જ્ય કે પરાજયમાં અવંતિદેશ એ જ તમારું સ્થાન છે. માટે મારા સંતોષની ખાતર તું અહીં આવે, જો નહિ આવે તો એ કૌલ પરદેશી ધારા નગરીને જીતીને ચાલ્યો જશે, તે તને ઉચિત છે કે અનુચિત છે ? તે તું પોતે જ જાણી શકે છે. એ ઉપરાંત તને કહેવડાવવું, તે બિલકુલ યોગ્ય જણાતું નથી. આવી બાબત તો એક સામાન્ય માણસ પણ બરાબર સમજી શકે, તો પછી મહાવિદ્વાન્ એવા તારી શી વાત કરવી ? હવે તને ગમે તેમ કર.”
એ પ્રમાણે સાંભળતાં પોતાની જન્મભૂમિના પક્ષપાતથી ધનપાલ કવિ સત્વર ધારાનગરીમાં આવ્યો. એટલે તેનું આગમન જાણવામાં આવતાં ભોજરાજા પગે ચાલીને તેની સન્મુખ આવ્યો ત્યાં સાથે મળતાં રાજાએ તેને દેઢ આલિંગન દઈને બુદ્ધિનિધાન ધનપાલને કહ્યું કે - “હે મિત્ર ! મારો અવિનય ક્ષમા કર.'
ત્યારે ધનપાલ અશ્રુ લાવીને બોલ્યો કે - “હે મહારાજ ! હું બ્રાહ્મણ છતાં જૈનલિંગથી નિઃસ્પૃહ છું અને સદ્વ્રતમાં અવશ્ય સંસ્કૃહ છું. વળી મારા પર થતો તારો મોહ મને અહીં વિલંબ કરાવશે કારણ કે ઉદાસીન પુરુષના મનમાં માન કે અપમાન કંઈ અસર કરતા નથી.”
એટલે રાજાએ જણાવ્યું કે – “એ સંબંધી તારા માટે મને જરા પણ ખેદ નથી; પરંતુ તે વિદ્યમાન છતાં ભોજની સભા જે પરવાદીથી પરાભવ પામે, એ એક રીતે તારો જ પરાભવ છે. એમ સાંભળતાં કવીશ્વર બોલ્યો કે – “હે નરેન્દ્ર ! તું ખેદ કરીશ નહિ, પ્રભાતે એ ભિક્ષુ અનાયાસે પરાજિત થશે’ આથી ભોજરાજા