________________
250
શ્રી પ્રભાવક ચરિત્ર
થઈને મને તેવું સ્થાન બતાવો.’
ત્યારે ગુરુમહારાજ તેની પાસેથી થનાર ઉત્તમ શિષ્યનો લાભ વિચા૨ીને કહેવા લાગ્યો કે—‘હે બુદ્ધિનિધાન ! અમે તમારું કામ બરાબર કરી આપીશું. પરંતુ આવી ગુપ્ત વાત અમે તમને કહીએ, તે બદલ તમે અમને કંઈ નહિ આપો ?'
વિષે જણાવ્યું—‘હે સ્વામિન્ ! તેમાંનું હું અર્ધ તમને અવશ્ય આપીશ.'
ગુરુ બોલ્યા—‘અમે તમારી વસ્તુમાંથી ઇચ્છાનુસાર અર્ધ લઈશું, માટે આ બાબતમાં સાક્ષીઓ રાખો. કારણ કે આ દ્રવ્યની બાબત છે.'
ત્યારે બ્રાહ્મણે કહ્યું—‘વેદવેદાંગ શાસ્ત્રોની વ્યાખ્યા કરનાર હું અસત્ય કેમ બોલું ? તથાપિ આપના વિશ્વાસની ખાતર ભલે સાક્ષીઓ રહે.' પછી ત્યાં રહેલા લોકોને સાક્ષી બનાવીને ગુરુએ તે માન્ય રાખ્યું.
એવામાં અહીં હર્ષિત થયેલ બ્રાહ્મણે ઘરે આવીને તે વાત પોતાના બંને પુત્રોને કહી સંભળાવી. પછી શુભ દિવસે તેણે આચાર્યને પોતાના ઘરે બોલાવ્યા, એટલે જ્ઞાનથી તે ભૂમિ જાણી નિશ્ચય કરીને ગુરુએ જણાવ્યું, ત્યાં ભૂમિ ખોદાવીને બ્રાહ્મણે તે ધન મેળવ્યું. તેમાંથી ચાલીશ લાખ સોનામહોરો નીકળી જે સાક્ષાત્ નજરે જોવા છતાં નિઃસ્પૃહશિરોમણિ ગુરુ પોતાના ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. એટલે શ્રીમાન્ સર્વદેવ અને મહેંદ્રપ્રભુ વચ્ચે વિપ્ર દ્રવ્ય આપતો અને ગુરુ લેતા નહિ-એ વાદ લગભગ એક વરસ ચાલ્યો.
એકવાર પોતે સત્ય પ્રતિજ્ઞ હોવાથી બ્રાહ્મણ આચાર્યને કહેવા લાગ્યો કે—જે દ્રવ્ય તમને આપવાનું છે, તે આપ્યા પછી જ હું ઘરમાં પ્રવેશ કરીશ.'
એટલે ગુરુ બોલ્યા—‘મેં તમને કહ્યું છે કે હું મારી ઇચ્છાનુસાર લઈશ.'
ત્યારે બ્રાહ્મણે જણાવ્યું—‘ભલે, તમે મરજી પ્રમાણે ગ્રહણ કરો.'
આચાર્ય બોલ્યા—‘તારા બે પુત્રમાંથી એક મને આપ. જો તારી સત્ય પ્રતિજ્ઞા હોય, તો આપ નહિ તો પોતાને ઘરે ચાલ્યો જા.'
એમ સાંભળતાં વિચારમૂઢ બનેલ વિષે કષ્ટથી કહ્યું—‘આપીશ.’ પછી ચિંતાતુર થઈને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યાં બિછાના વિનાના ખાટલાપર તે નિદ્રા વિના સુઈ ગયો. એવામાં રાજભવનમાંથી આવતાં ધનપાલના તે જોવામાં આવ્યો. એટલે તેણે કહ્યું કે—‘હે તાત ! વચન પ્રમાણે આદેશ ઉઠાવનાર હું પુત્ર વિદ્યમાન છતાં તમને આ વિષાદ કેવો ? માટે ખેદનું કારણ મને જણાવો.’
ત્યારે સર્વદેવ બોલ્યો—‘હે વત્સ ! સત્પુત્રો તારા જેવા જ હોય છે કે જેઓ પિતાનો આદેશ બજાવવામાં આવી દૃઢ પ્રતિજ્ઞાવાળા હોય છે. જે પિતાને ઋણથી મુક્ત કરે, જે નરકથી તેનો ઉદ્ધાર કરી, તેને સદ્ગતિ આપે, વેદમાં તેને જ પુત્ર કહેવામાં આવેલ છે. શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોના અભ્યાસનું તથા કુળનું તમારે એ જ ફળ છે કે સંકટમાંથી અમારો ઉદ્ધાર કરવો. માટે હે વત્સ ! તું સાવધાન થઈને સાંભળ-અહીં જૈનર્ષિ શ્રી મહેંદ્રાચાર્ય છે કે જેમણે મને આટલું દ્રવ્ય બતાવ્યું. એટલે તેમની ઈચ્છા પ્રમાણે મારા ઘરમાંનું અર્ધ તેમને આપવું—એવી મેં પ્રતિજ્ઞા કરી છે. તેથી તે બે પુત્રમાંથી એક પુત્રની માગણી કરે છે, તો હવે મારે શું કરવું ? એ સંકટથી હે વત્સ ! હવે તું મને છોડાવ. એટલે મારા નિમિત્તે તું તેમનો શિષ્ય થા.’