________________
248
શ્રી પ્રભાવક ચરિત્ર
આચાર્યે પ્રવર્તક મુનિને જણાવ્યું કે:“હે મુનિ ! શું અહીં કોઈ સ્ત્રી આવી છે?'
ત્યારે મુનિ બોલ્યા–“એ હું જાણતો નથી. એવામાં દેવી પોતે કહેવા લાગી કે–“આપના વાસક્ષેપના અભાવે ઉંચે રહેતાં મારા ચરણે પીડા થાય છે. આવા શ્રુતજ્ઞાનમય આપને પણ વિસ્મૃતિ થઈ ગઈ, તો એ લક્ષણથી હવે આપનું આયુષ્ય છ મહિના જેટલું શેષ લાગે છે. માટે ગચ્છની વ્યવસ્થા કરીને પરલોકનું સાધન કરો. એમ મારા જાણવામાં આવવાથી હું આપને નિવેદન કરું છું.' એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ.
પછી પ્રભાતે પોતાના ગચ્છ તથા સંઘ સાથે વિચાર ચલાવી, બત્રીશ સુપાત્રોમાંથી ત્રણ વિદ્વાન્ મુનિઓને તેમણે આચાર્યપદે સ્થાપન કર્યા. તે શ્રી વીરસૂરિ, શ્રી શાલિભદ્રસૂરિ તથા શ્રી સર્વદેવસૂરિ સાક્ષાત્ જાણે રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) હોય તેમ સદ્ગતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા. તેમાં શ્રી વીરસૂરિની શિષ્ય પરંપરા ન થઈ, રાજપુરી ગામમાં તેમનું યશોજીવન શાશ્વત રહ્યું. તેમજ પંડિતોથી પરિવરેલ બે શાખામાં અદ્યાપિ શ્રી સંઘનો ઉદ્ધાર કરવામાં ધુરંધર એવા આચાર્યો વિદ્યમાન છે.
હવે શ્રી શાંતિસૂરિ મહારાજ, યશ શ્રાવકના સોઢા નામના પુત્રની સાથે રૈવતાચલ પ્રત્યે ચાલ્યા અને ત્વરિત પ્રયાસોથી થોડા દિવસમાં તેઓ ગિરનાર તીર્થ પર પહોંચ્યા. ત્યાં શ્રી નેમિપ્રભુનું ધ્યાન લગાવીને તેમણે અનશન કર્યું. એટલે ધર્મધ્યાનરૂપ અનલથી ભવપીડારૂપ લતાને દગ્ધ કરતા તથા ક્ષુધા, તૃષા, નિદ્રા વગેરેને ન જાણતાં સમાધિમાં રહી, જગતને નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી શાંતિસૂરિ પચીશ દિવસ વ્યતિત કરીને વૈમાનિક સુરસંપત્તિ પામ્યા. વિક્રમ સંવતના ૧૦૯૬ વર્ષ જતાં જેઠ માસની શુક્લ નવમીને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં શ્રી શાંતિસૂરિએ સ્વર્ગગમન કર્યું.
એ પ્રમાણે પૂર્વના શ્રી સિદ્ધસેન પ્રમુખ આચાર્યોના ચરિત્રોનું અનુકરણ કરનાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનું આ ચરિત્ર, આધુનિક તેમજ પ્રાચીન વિદ્વાનોમાં પ્રસિદ્ધિ પામતાં સંપત્તિ નિમિત્તે થાઓ અને સેંકડો બુધજનોના સમ્યફ પ્રકારે અભ્યાસમાં આવતાં યાવચંદ્રદિવાકરી પ્રસિદ્ધિ પામો.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટારૂપ સરોવરને વિષે રાજહંસ સમાન અને શ્રી રામ તથા લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતાં, શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી શાંતિસૂરિના ચરિત્રરૂપ આ સોળમું શિખર થયું.