________________
શ્રી વીરસૂરિ ચરિત્ર
241
*
કહ*
એટલે આચાર્યે તે સ્વીકારીને જણાવ્યું કે–“વાસક્ષેપ મંત્રી આપું, તે રાણીઓ પર નાખો, જેથી તેમને પુત્રો ઉત્પન્ન થશે.પછી મંત્રીએ ગુરુના વચન પ્રમાણે કર્યું અને તેથી રાજાને વલ્લભરાજ વગેરે પુત્રો થયા.
હવે એકવાર ગુરુ અષ્ટદશશતી દેશમાં વિચરતાં, સુજ્ઞ જનોથી અલંકૃત એવા ઉંબરિણિ ગામમાં આવ્યા. ત્યાં એક વિશુદ્ધ ઉપાશ્રયમાં તેમણે નિવાસ કર્યો. પછી સંધ્યા સમયે કાયોત્સર્ગ કરવાને તે પ્રમોદપૂર્વક પ્રેતવન (સ્મશાન)માં ગયા. એવામાં પરમાર વંશમાં હીરા સમાન (રૂભદ્ર) નામના રાજકુમારે તેમને જોતાં અતિભક્તિથી નમસ્કાર કર્યા અને અંજલિ જોડીને જણાવ્યું કે હે પ્રભો ! વ્યાપદોથી વ્યાપ્ત આ શ્મશાનમાં તમે ન રહો. ગામમાં કોઈ પ્રાસુક સ્થાનમાં આવીને સુખે રહો.’
ત્યારે ગુરુ બોલ્યા કે–‘મુનિઓ સદા બાહ્ય ભૂમિકામાં જ કાયોત્સર્ગ કરે છે.' એમ સાંભળતાં ધીરજ લાવીને તે રાજપુત્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. એવામાં તેને જાંબુનું ભંટણું આવ્યું. એટલે તેનો સ્વાદ લેવાની ઈચ્છાથી તેણે જાંબુફળો તોડ્યાં. તેમાં કૃમિ-જંતુ જોઈ, શંકાથી શિર ધૂણાવતાં તે કહેવા લાગ્યો કે-ફળોમાં પણ જયારે સુક્ષ્મ કૃમિ હોય છે, તો વિવેકી પુરુષે રાત્રે જોયા વિના ખાવું, તે કેમ યોગ્ય ગણાય ?'
પછી તેણે બ્રાહ્મણોને બોલાવીને પ્રાયશ્ચિત પૂછયું. એટલે તેણે બતાવ્યું કે “એ પાપની વિશુદ્ધિ માટે સુવર્ણના કૃમિનું બ્રાહ્મણોને દાન કરવું.” એમ સાંભળતાં રાજકુમારે વિચાર કર્યો કે-“આથી તો કલ્પપૂર્વક મારે બીજા કૃમિનો પણ વધ કરવાનો વખત આવે, માટે એ ધર્મ મારા હૃદયમાં સ્થાપન થાય તેમ નથી. હવે કોઈ શમધારી મુનિને એ વિચાર પુછું.'
એવામાં પ્રભાતે જૈનમુનિ ગામમાં આવ્યા ત્યારે રાજપુત્રે ત્યાં આવી પ્રણામ પૂર્વક ગુરુને પોતાનો સંદેહ પૂછ્યો. એટલે ગુરુ વિસ્તારથી ખુલાસો કરતા બોલ્યા કે “હે ભદ્ર ! સ્થાવર અને ત્રસ જીવો સર્વત્ર રહેલા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કહેવાય છે અને બેઇંદ્રિય, તેંઇદ્રિય અને ચઉરિંદ્રિય જીવો ત્રસ સમજવા, તેમજ પંચેંદ્રિય તિર્યંચ, દેવતા, મનુષ્ય અને નારક એ પણ ત્રસ ગણાય છે. તેમાં હાથી, મસ્ત, મયુરાદિક તે સ્થળચર, જળચર અને ખેચર કહેવાય છે. વળી વનસ્પતિ એ જીવોના આધારરૂપ છે એટલે તેમાં ઘણા જીવો રહેલા છે. તેના મૂળ ફળાદિકમાં ઘણા જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તો હે વિવેકી ! જીવોની દયા એ જ ધર્મ છે, તે તું વિચારી જો.”
એ પ્રમાણે ગુરની વાણી સાંભળતાં રાજકમાર પ્રતિબોધ પામ્યો અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અક્ષીણ કલ્યાણ સાધવાને તેણે દીક્ષા અંગીકાર કરી. પછી પૂર્વ શાસ્ત્રનો અભ્યાસ કરતાં જૈનાગમને વાંચી, જ્ઞાનક્રિયામાં તે ગીતાર્થ મહાવિદ્વાનું થયા. જેમ દીપકથી દીપક પ્રગટે, તેમ તે પોતાના ગુરુ સમાન તેજસ્વી થયા.
એકવાર શ્રુતજ્ઞાનથી પોતાના આયુષ્યનો અંત જાણવામાં આવતાં શ્રીવીરસૂરિએ પોતાના મુખ્ય શિષ્ય શ્રીભદ્રમુનિને પોતાના પદે સ્થાપી તેનું ચંદ્રસૂરિ એવું નામ રાખ્યું. અને પોતે યોગનિરોધથી સંવરમાં રહી, જીર્ણ ગૃહની જેમ દેહનો ત્યાગ કરીને સ્વર્ગે ગયા. શ્રી વીરગુરુ બોધ શક્તિના આધારરૂપ તે સ્વર્ગલક્ષ્મીના ભોક્તા થયા. વિક્રમ સંવતુ ૯૩૮ માં શ્રીવીરસૂરિનો જન્મ થયો હતો. ૯૮૦માં તેમણે દીક્ષા ધારણ કરી અને ૯૯૧માં તેઓ સ્વર્ગે ગયા. બેંતાલીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને અગિયાર વર્ષ વ્રત પાળ્યું. એમ તેમણે ત્રેપન વર્ષ આયુષ્ય ભોગવ્યું.