________________
236
શ્રી પ્રભાવક ચરિત્ર
એવામાં તીડથી ખેડુત જેમ પોતાના ક્ષેત્રને અક્ષત રાખે તેમ પ્રભુના પ્રતાપે વીર ચોરો થકી છુટીને પોતાના અક્ષત શરીરે ઘરે આવી પહોંચ્યો. ત્યાં પોતાની માતાને પ્રાણરહિત જોતાં પોતાનું સંકટ ભૂલી જઈને તેણે પૂછયું કે “આ શું થયું?' ત્યારે યથાસ્થિત હકીકત તેના સાંભળવામાં આવી. એટલે વીરે પશ્ચાત્તાપ કરતા પોતાના સાળાને કહ્યું કે મારા ભાગ્યને દૂષિત કરનાર આવી પ્રાણાંત મશ્કરી તેં કેમ કરી ?'
તે બોલ્યો-“શું માતાની જેમ મશ્કરીથી કોઈ મરણ પામે? આ તો બીલ્વફળના કાંટાની જેમ મને પણ જન્મ પર્યત ન જાય તેવું શલ્ય રહી ગયું.
ત્યારે વીર વૈરાગ્યથી કહેવા લાગ્યો–“અહો ! સ્નેહના સંબંધમાં માતા અને મારી વચ્ચે કેટલું બધું મોટું અંતર છે? તે તો જુઓ. હાસ્ય માત્રથી મારું મરણ સાંભળતાં તે ખરેખર મરણ પામી અને તેનું મરણ સાક્ષાત જોવા છતાં અમે કંઈ પણ તજી શકતા નથી ! એમ કહી એક એક કોટિ ધન પોતાની સ્ત્રીઓને આપતાં બાકીનું ધન તેણે શ્રી સંઘની ભક્તિ અને જિનચૈત્યોમાં વાપર્યું. પછી પોતે ગૃહસ્થ વેષે જ પરિગ્રહનો ત્યાગ કરી, સત્યપુરમાં જઈને ભક્તિપૂર્વક તે શ્રી વીરપ્રભુની આરાધના કરવા લાગ્યો. ત્યાં તે સદા અઠ્ઠાઈને પારણે અઠ્ઠાઈ કરતો તેમજ બધી વિગઈનો ત્યાગ કરીને તે રહેવા લાગ્યો. અહો ! તેનું મહાનું તપ કેવું ? વળી ચતુર્વિધ પૌષધ કરીને તે પ્રાસુક આહાર લેતો તથા રાત્રે નગરની બહાર સ્મશાન વગેરેમાં જઈને તે કાયોત્સર્ગ કરતો હતો. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો તે સહન કરતો અને તીવ્ર તપ તપતાં તે એક તીર્થ સમાન પવિત્રતાનું ધામ થઈ પડ્યો. વળી કુશળમતિ તે પોતાની ક્રિયામાં સાવધાન રહી ગુરુની સદા ઉત્કંઠા રાખતાં એક ચિત્તે વીરપ્રભુનું ધ્યાન કરવા લાગ્યો.
એવામાં એક વખતે સંધ્યા સમયે બાહ્ય ભૂમિએ કાયોત્સર્ગ કરવા જતાં તેણે દૂરથી આવતા જાણે સાક્ષાત જંગમ કલ્યાણ હોય અથવા દેહધારી જાણે ચારિત્ર હોય એવા સો વર્ષના વૃદ્ધ વિમલગણિ ને મથુરા નગરીથી આવતા જોયા. એટલે સર્વ અભિગમ સાચવી પૃથ્વી પીઠ સુધી મસ્તક નમાવીને તેણે ગુરુને વંદન કર્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષથી અભિનંદન આપતાં ગુરુએ તેને પૂછ્યું કે હે ધર્મશીલ ! અકાળે અત્યારે નગર બહાર ક્યાં જાય છે ?' એટલે વીરે નમ્રતાથી જવાબ આપ્યો કે–“અહીં બાહ્યભૂમિમાં કાયોત્સર્ગ કરવા જાઉં છું.”
ત્યારે ગણિ મહારાજ બોલ્યા- “અમે તારા અતિથિ છીએ. તને અંગવિદ્યાનો ઉપદેશ આપીને પ્રાંત સમય સાધવા અમે શત્રુંજય તીર્થ પર જવાના છીએ.'
એમ સાંભળતાં વીર કહેવા લાગ્યો કે- “હે ભગવાન્ ! આજે મારો દિવસ સફળ થયો કે અસાધારણ પ્રસાદ લાવીને આપ જેવા મહાત્મા મારા જેવા પામર પર આવી ઉત્કંઠા ધરાવો છો. માટે આપ પૂજયની ઉપાસનાથી આજની રાત્રિ હું સફળ કરું. કારણ કે ચિંતામણિ હાથમાં આવતાં કયો મૂર્ખ તેની અવગણના કરે ?” એમ કહેતાં તેણે સદ્ગુરુને પોતાનો ઉપાશ્રય બતાવ્યો અને પોતે અંગદાબવા વગેરે તેમની શુશ્રુષા કરવા લાગ્યો. પછી ગુરુ મહારાજે તેને કહ્યું કે તું નિષ્કપટ ભાવથી અંગવિદ્યા શીખ કે જેથી શ્રતજ્ઞાનના બળે શાસનમાં તું પ્રભાવક થાય.'
ત્યારે વીર બોલ્યો- હે ભગવન ! ગૃહસ્થોને સિદ્ધાંતની વાચના કેમ અપાય? વળી મોટી વયના લીધે અભ્યાસ કરતાં પણ મને આવડતું નથી, તો હું શું કરું ?'