________________
શ્રી પ્રભાવક ચરિત્ર
પછી શ્રાવકોએ એકમત થઈને વીરદત્ત નામના શ્રાવકને નફૂલ નગરમાં મોકલ્યો, એટલે તે વિનંતિપત્ર લઈને સત્વર ત્યાં ગયો, નિસ્ટિહિ પૂર્વક ઉપાશ્રયમાં દાખલ થયો. તે વખતે આચાર્ય મધ્યાહ્નકાળે અંદરના ઓરડામાં હતા; પર્યંકાસન લગાવી, નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપી, સુખ દુઃખ, તૃણમણિ, કે માટી મણિમાં સમાનતા ધરાવનાર એવા ગુરુ બ્રહ્મજ્ઞાનના સાધન રૂપ શુભસ્થાને બિરાજમાન હતા. આ વખતે જયા અને વિજયા નામે દેવીઓ તેમને પ્રણામ કરવાને આવી હતી અને તે એક ખુણામાં બેઠી હતી. તેમને જોતાં સરલ સ્વભાવી, અજ્ઞાનાત્મા અને ચિંતાને લીધે બુદ્ધિહીન બનેલ વીરદત્ત વિચારવા લાગ્યો કે ‘અહો ! તે શાસનદેવીએ અમને બરાબર છેતર્યા, અને મને આટલે દૂર મોકલીને ક્લેશ પમાડ્યો. આ રાજર્ષિ આચાર્ય તો દિવસે દિવ્યાંગના પાસે બેઠા છે. અહો ! એમનું ચારિત્ર ! એનાથી તો ઉપદ્રવ અવશ્ય શાંત થશે ! વળી મને આવેલ જોઈને તેમણે આ કપટ ધ્યાન ધારણ કર્યું. આવું કોણ સમજી ન શકે ? માટે અત્યારે તો બહાર બેસી રહું.' એમ ધારીને વીરદત્ત બહાર બેસી રહ્યો.
226
પછી ગુરુએ ધ્યાન પારતાં ઋજુ એવો તે મૂઠ વાળીને દ્વા૨માં પેઠો અને અવજ્ઞા પૂર્વક ગુરુને નમ્યો. ત્યાં દેવીઓએ ઇંગિતાકારથી તેની અયોગ્યતા જાણી, તેને જમીન પર પાડીને અદષ્ટ બંધનથી બાંધી લીધો. આથી તે ઉંચેથી આક્રંદ કરવા લાગ્યો. જેથી અનુકંપા લાવી ગુરુ મહારાજે તેનું અજ્ઞાન પ્રકાશીને તેને બંધનથી મુક્ત કરાવ્યો.
એટલે દેવી કહેવા લાગી કે — ‘હે મહાપાપી ! ક્રિયાધમ ! શ્રાપયોગ્ય ! ચારિત્રધારી શ્રી માનદેવ પ્રભુને માટે તું આવો વિકલ્પ કરે છે, માટે તું ધૂર્ત શ્રાવક છે. મનુષ્ય અને દેવતાના લક્ષણ જાણવામાં હે અજ્ઞાન શિરોમણિ ! જો, અમારી દષ્ટિ નિમિષરહિત છે, ચરણ પૃથ્વીને અડતા નથી તથા પુષ્પમાળા મ્લાન થતી નથી, તેથી અમે દેવીઓ છીએ, તે તું જાણી શકતો નથી ? પહેલાં જ એક મુષ્ટિઘાતમાં તને યમધામમાં પહોંચાડી દીધો હોત, પણ શ્રદ્ધાળુ શ્રાવકના દંભથી મને પણ તેં છેતરી. ગુરુના આદેશથી જ તું અત્યારે જીવવા પામ્યો છે. પણ હે પાતકી ! તું અહીં શા માટે આવ્યો છે ? આ લોકમાં બાંધી મુઠી લક્ષ (લાખ) ને પામે છે. એ કહેવત પ્રમાણે તું બદ્ધમુષ્ટિ જેમ આવ્યો, તેવો ને તેવો પાછો ચાલ્યો જા.'
ત્યારે વીરદત્ત બોલ્યો — ‘હે દેવીઓ ! સાંભળો, મને શ્રીસંઘે શાસનદેવીના ઉપદેશથી તક્ષશિલા નગરીના ઉપદ્રવની શાંતિને માટે શ્રી માનદેવ પ્રભુને અહીં બોલવવા માટે મોકલ્યો છે, પણ મારી મૂર્ખતાથી મને જ અહીં ઉપદ્રવ નડ્યો.'
એવામાં વિજ્યાદેવી કહેવા લાગી કે — ‘ત્યાં ઉપદ્રવ કેમ ન હોય કે જ્યાં તારા જેવા શ્રાવકો શાસનના છિદ્ર જોતા હોય. હે પામર ! તું આ ગુરુના પ્રભાવને જાણતો નથી. એમના સત્ત્વથી મેઘ વરસે છે અને ધાન્ય નિષ્પન્ન થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિ બનાવીને અમા૨ા દ્વારા એમને વંદન કરે છે, તો હું શું એવી મૂર્ખ છું કે એક શ્રાવકની સાથે ગુરુ મહારાજને સંતોષથી મોકલું ? ત્યાં તારા જેવા ઉત્તમ ધર્મી શ્રાવકો ઘણા હશે, તો ત્યાં મોકલતાં એ ગુરુ પુનઃ અહીં શી રીતે આવી શકે ?'