________________
શ્રી માનદેવસૂરિ ચરિત્ર
225
એકવાર માનદેવ શ્રી પ્રદ્યોતનસૂરિના ઉપાશ્રયે ગયો, એટલે તેમણે તેને ભવસાગરમાં નાવ સમાન એવો ધર્મ કહી સંભળાવ્યો. જે સાંભળતાં સંસારની અસારતા જાણીને માનદેવે ગુરુમહારાજને વિનંતી કરી કે – હે ભગવન્! મારા પર પ્રસાદ લાવીને મને પ્રવ્રયા આપો.” પછી તેણે ભારે આગ્રહથી માતાપિતાની અનુમતિ મેળવીને શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી અને તે ઉગ્રતા આચરવા લાગ્યા. પછી અગિયાર અંગનો અભ્યાસ કરી તે છેદ અને મૂલ સૂત્રમાં નિષ્ણાત થયા, તેમજ ઉપાંગમાં પણ કુશળ થવાથી તે બહુશ્રુત થયા. એવામાં એકવાર ગુરુમહારાજે શ્રીમાનદેવ મુનિને યોગ્ય જાણીને ચંદ્રગથ્થરૂપ સાગરને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન એવા તેમને આચાર્યપદના અધિકારી બનાવ્યા. એટલે તે વખતે શ્રીમાનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી જ્યા. અને વિજ્યા નામે બે દેવીઓ પ્રતિદિન તેમને પ્રણામ કરવાને આવતી હતી. એ પ્રમાણે ભારે પ્રભાવશાળી અને શાસનના પ્રભાવક એવા શ્રી માનદેવસૂરિ સંઘરૂપ ગગનાંગણે ઉદ્યોત કરવામાં સૂર્યસમાન શોભવા લાગ્યા.
એવામાં ધર્મક્ષેત્રરૂપ અને પાંચસે ચૈત્યોયુક્ત એવી તક્ષશિલા નગરીમાં લોકોને ભારે ઉપદ્રવ થવા લાગ્યો. એટલે રોગોથી ઉપદ્રવ પામતા લોકો અકાળે મરણ પામવા લાગ્યા કે જ્યાં વૈદ્ય કે ઔષધ કંઈ પણ ગુણ કરવાને સમર્થ ન થયા. ત્યાં જે વ્યક્તિ બીમાર વ્યક્તિનું જાગરણ કરતો, તે ઘરે આવતાં તરત જ રોગગ્રસ્ત થઈને પથારી પર પડતો હતો. વળી તે સમયે કોઈ કોઈનો સ્વજન ન રહ્યો. એ પ્રમાણે ઉપદ્રવ થતાં આક્રંદ અને ભયંકર કલ્પાંત–શબ્દથી તે સમસ્ત નગરી રૌદ્રરૂપ થઈ પડી. ત્યાં બાહ્યભૂમિમાં હજારો ચિતાઓ અને અર્ધદગ્ધ શબોની ભયંકર શ્રેણિઓ જોવામાં આવતી હતી. તે વખતે ગીધ પક્ષીઓ અને રાક્ષસોને સાક્ષાત્ માંસનું સુભિક્ષ થઈ પડ્યું. વળી લંકાની જેમ તે નગરી શુન્ય થવા લાગી તથા પૂજકો વિના બધા દેવોની પૂજા અટકી પડી. તેમજ ઘરો બધા શબ સમૂહથી દુર્ગધ મારવા લાગ્યા.
એવામાં સુરક્ષિત રહેલ કેટલાક શ્રાવકો ચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે – “અરે ! આ શું આજે જ કલ્પાંતકાળ આવ્યો? આજે સંઘના અભાગ્યે કપર્દી, અંબાદેવી, બ્રહ્મશાંતિ, યક્ષરાજ કે વિદ્યાદેવી પણ ક્યાં અદૃશ્ય થઈ ગયાં ? કારણ કે ભાગ્યોદય વખતે જ બધા દેવ-દેવીઓ સાક્ષાત્ હાજર થાય છે, એ વાત સ્પષ્ટ લાગે છે. અત્યારે તો એ બધા અવશ્ય ક્યાંક ચાલ્યા ગયા છે.” એ પ્રમાણે તેઓ નિરાશ થઈ ને બેઠા, એવામાં શાસનદેવી આવીને શ્રી સંઘને કહેવા લાગી કે – ‘તમે આમ સંતાપ શા માટે પામો છો? પ્લેચ્છોના પ્રચંડ વ્યંતરોએ બધા દેવ દેવીઓને દૂર કરી દીધા છે, તો કહો, અમારાથી અહીં શું થઈ શકે? વળી આજ પછી ત્રીજે વર્ષે તુર્કીઓના હાથે અહીં ભંગ થશે. એમ સમ્યફ સમજીને તમને ઉચિત લાગે તેમ કરવું; પરંતુ એક ઉપાય હું તમને બતાવું, તે સાવધાન થઈને સાંભળો કે જેથી શ્રી સંઘની રક્ષા થાય. પછી ઉપદ્રવ શાંત થતાં આ નગર મૂકીને મારા વચનથી તમારે અન્ય અન્ય નગરમાં ચાલ્યા જવું.'
એમ સાંભળતાં શ્રાવકો કંઈક આશ્વાસન પામ્યા, અને પુનઃ કહેવા લાગ્યા કે – “હે મહાદેવી ! અમને એવો ઉપાય બતાવ, કે જેથી અમારી રક્ષા થઈ શકે.”
ત્યારે શાસનદેવી કહેવા લાગી કે – “નફૂલ ગામમાં શ્રીમાનું માનદેવસૂરિ ગુરુ છે, તેમને લાવીને તેમના પગ ધોવણ જળથી મકાનોને સિંચન કરો, તો ઉપદ્રવ શાંત થાય.” એમ કહીને તે દેવી અદેશ્ય થઈ ગઈ.