________________
224
"શ્રી પ્રભાવક ચરિત્ર
છે શ્રી માનદેવસૂરિ ચરિત્ર -
શ્રી માનદેવ પ્રભુનો પ્રભાવરૂપ સાગર કંઈ નવીન જ છે કે સદા જેના ક્રમ (ચરણ) ને સેવનાર જયા અને વિજ્યા દેવી સંપત્તિ આપે છે. જેમના ચરણ-કમળના ગુણને અનુસરવાથી હંસો (મુનિઓ) નિવૃતિરૂપ મનોહર ગતિને પામ્યા એવા શ્રી માનદેવ પ્રભુ તમારું કલ્યાણ કરો. તેમના ચરિત્રરૂપ સિંધુમાંથી કંઈક એક ભાગ ધારીને વ્યાખ્યાનરૂપ પુણ્યના વિસ્તારથી હું મારી મૂઢતાથી મુક્ત થઈશ.
ધર્મકર્મના નિવાસરૂપ સપ્તશતિ નામે દેશ છે કે જ્યાં દાનેશ્વરોના ભયથી હસ્તીઓ રાજાના શરણે ગયા. ત્યાં ઉન્નત જનોના આશ્રયરૂપ કોરંટક નામે નગર છે કે જ્યાં વિનતાનંદન (સજ્જનોને આનંદ પમાડનાર અથવા ગરુડ) જનો દ્વિજિહ્ન (દુર્જન અથવા સર્પ) થી સદા વિમુખ હતા. વળી ત્યાં શાસનની દૃઢ મર્યાદા બતાવનાર એવું શ્રી મહાવીર પરનું ચૈત્ય હતું કે જે સર્વ જનોના આશ્રયરૂપ હોવાથી કૈલાસ પર્વત સમાન શોભતું હતું, ત્યાં વિદ્વાનોના મુગટ સમાન અને લોકોના અંધકાર (અજ્ઞાન) ને દૂર કરનાર એવા શ્રી દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા.
એકવાર જગતને નમસ્કાર કરવા લાયક એવી દુષ્કર તપસ્યા આચરતા, અંતરંગ શત્રુઓનો વિજય કરવામાં સમર્થ, સંસારથી અલગ રહેલા તથા સર્વજ્ઞ પ્રભુના સધ્યાનની સિદ્ધિને ધારણ કરતા એવા સર્વદેવસૂરિ, વારાણસીથી સિદ્ધક્ષેત્રે જવાની ઇચ્છાથી પોતાના બહુશ્રુતના પરિવાર સહિત ત્યાં પધાર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહેતાં તે શ્રી દેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિબોધ પમાડીને તેમણે ચૈત્ય-વ્યવહાર મૂકાવ્યો એટલે તે પારમાર્થિક બાર પ્રકારનું તીવ્ર તપ તપવા લાગ્યા. આથી આચાર્ય મહારાજે તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા, અને તેઓ શ્રીદેવસૂરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જે અદ્યાપિ વૃદ્ધા પાસેથી વૃદ્ધદેવસૂરિ એવું વિખ્યાત નામ સાંભળવામાં આવે છે. પછી શ્રી સર્વદેવસૂરિએ શત્રુંજય તીર્થપર શ્રી યુગાદીશ પ્રભુનું ધ્યાન લગાવીને આત્મસાધન કર્યું.
હવે શ્રીમાનું દેવસૂરિએ નિરતિચાર ચારિત્ર પાળતાં શ્રી પ્રદ્યોતનમુનિને આચાર્યપદે સ્થાપન કર્યા અને પોતે સદા સંયમને આરાધતાં પ્રાંતે અનશન આદરી સમ્યફ આરાધનાપૂર્વક કાળ કરીને સ્વર્ગલક્ષ્મીના ભોક્તા થયા.
પછી શ્રી પ્રદ્યોતન મુનીશ્વરે નકુલ ગામમાં વિહાર કર્યો. કારણ કે પૃથ્વી પર તેમનો અવતાર પરોપકાર કરવા માટે જ હતો. તે ગામમાં શ્રીજિનદત્ત નામે એક પ્રખ્યાત ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો કે જેનું મન, માન અને દાનમાં સર્વને માટે એકસરખું હતું. ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવનાર ધારિણી નામે તે શેઠની પત્ની હતી કે જે અર્થ અને કામ એ પુરૂષાર્થમાં વ્યવહારમાત્રથી વર્તતી હતી. તેમનો માનદેવ નામે પુત્ર કે જે માની અને અસાધારણ કાંતિવાળો હતો, વળી જેનું અંતર વૈરાગ્યથી રંગિત હતું અને જે આંતર શત્રુઓથી અજેય હતો.