________________
222
શ્રી પ્રભાવક ચરિત્ર
રાજા કહેવા લાગ્યો કે - “શમભાવ પણ અદ્ભુત છે અને ભક્તિ પણ અસાધારણ છે. વળી દેવ-દેવીના આધાર વિના આવું અદ્ભુત તેજ કોનું હોય ? હે ભગવન્! આ દેશ, નગર અને હું પણ ધન્ય છું, તથા આ દિવસ પણ પવિત્ર છે કે જ્યાં પ્રતિભાયુક્ત આપનું વદનકમળ મારા જોવામાં આવ્યું. તે પવિત્રતાના ધામ ! આપ મને સુકતરૂપ આદેશ કરો કે જેથી આપનો અનુગ્રહ, જન્મપર્યત મારું રક્ષણ કરનાર થાય.”
એ પ્રમાણે રાજાનું વચન સાંભળતા આચાર્ય કહેવા લાગ્યા કે – “અકિંચન (નિઃપરિગ્રહ) અમે કોઈ પણ કાર્યમાં લક્ષ્મીનો ઉપયોગ કરતા નથી, પણ ગુણના નિધાનરૂપ છે રાજેન્દ્ર ! તું આ વસુધાનું સુખે રાજય કર તથા પરીક્ષા પૂર્વક તું જૈન ધર્મનું પરિપાલન કરે અને તેનું રક્ષણ કર.'
એટલે રાજાએ જણાવ્યું કે – “આપના દર્શન વિના જ આટલો કાળ હું જૈનમાર્ગનું સેવન ન કરી શક્યો, તેથી છેતરાયો. અહો ! વળી મને એવો ગર્વ હતો કે બ્રાહ્મણો જ પ્રભાવશાળી છે કે જેમણે દેવોને સંતુષ્ટ કરીને પોતાનો પ્રભાવ મને બતાવ્યો પરંતુ અહંકારથી પરસ્પર વિવાદ કરતાં તે વિરામ ન પામ્યા. જે વિદ્યાથી ગર્વ વધે, તે વિદ્યા નહિ પણ એક પ્રકારનો મતિભ્રમ છે. જેમનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ છે, અદ્ભુત પ્રશમ છે તથા અસાધારણ સંતોષ છે, તેમનો કહેલ ધર્મ પરીક્ષા વડે શુદ્ધ જ હોય. માટે હવે હું આપના ઉપદેશનો જ સ્વીકાર કરું છું. હવેથી કટુ દ્રવ્યનો ત્યાગ કરીને સ્વાદિષ્ટ દ્રવ્ય ગ્રહણ કરું છું, તો આપ મને આદેશરૂપ અમૃતથી તૃપ્ત કરો.
એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે – હે નરેન્દ્ર ! સુપાત્ર, અનુકંપા અને ઉચિત–એ ત્રણ પ્રકારના દાનમાં રૂચિ કર, જિનચૈત્યોનો જીર્ણોદ્ધાર અને જિનબિંબો કરાવજે.”
એવામાં મંત્રી કહેવા લાગ્યો – “હે સ્વામિનું ! બ્રાહ્મણોના પરિચયથી તમને અજ્ઞાન-મિથ્યાત્વરૂપ કાજળ લાગેલ છે, તે જૈનાચાર્યના આદેશરૂપ ક્ષીરથી જ ધોવાઈ જશે.'
એ પ્રમાણે સગતિના પ્રદેશ સમાન ધર્મોપદેશ આપીને આચાર્ય મહારાજ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ વખતે તેમણે સર્વ ઉપદ્રવોનો નાશ કરનાર જે ભક્તામર સ્તોત્ર બનાવ્યું, તે અદ્યાપિ ભૂતલ પર પ્રખ્યાત છે.
હવે કોઈવાર કર્મની વિચિત્રતાથી તેમને ઉન્માદ–રોગ થઈ આવ્યો. કારણકે શલાકાપુરૂષો પણ કર્મથી સંડોવાયા છે. એટલે તેમણે ધરણેન્દ્રનું સ્મરણ કરી, તેને અનશનને માટે પૂછ્યું. ત્યારે ધરણેન્દ્ર બોલ્યો –' હે ભગવન્! અદ્યાપિ આપનું આયુષ્ય બાકી છે, તો તે ક્ષીણ કેમ થઈ શકે ? કારણકે આપ જેવાનું આયુષ્ય અનેક પ્રાણીઓને ઉપકારરૂપ થાય છે.' એમ કહીને ઇન્દ્ર તેમને અઢાર અક્ષરનો મંત્ર આપ્યો, કે જેના સ્મૃતિજળથી નવ પ્રકારના રોગો નષ્ટ થાય, પછી ધરણેન્દ્ર પાતાળમાં ચાલ્યો ગયો.
પછી શ્રીમાનતુંગસૂરિએ તે મંત્રાક્ષરો અનુસારે ભયહર સ્તવન બનાવ્યું કે જે અદ્યાપિ પ્રવર્તમાન છે. તે મંત્રના પ્રભાવથી શ્રી ગુરુ મહારાજનો દેહ હેમંતઋતુના કમળની શોભા સમાન થઈ ગયો, કારણ કે અદ્ભુત તેજના નિધાન એવા તેમને એવું શું દુર્લભ હોય? જે પુરૂષ સવારે અને સાંજે શુભ ભાવથી એ સ્તવન ભણે તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.. -
એ પ્રમાણે શ્રીમાનતંગ આચાર્યે અનેક પ્રકારે જિનશાસનનો ઉદ્યોત કરી, સન્મતિ શિષ્યો ઉપજાવી, ગુણના નિધાન એવા ગુણાકર નામના એક શિષ્યને પોતાના પદે સ્થાપી, પ્રાંતે અનશન લઈને સ્વર્ગે ગયા.