________________
216
શ્રી પ્રભાવક ચરિત્ર
ત્રસ જીવો નાશ પામે છે, તે જૈન ધર્મથી વિપરીત વર્ણન છે. વળી માત્ર મર્યાદા સાચવવા માટે વસ્ત્રખંડમાં તમને પરિગ્રહ નડે છે અને તુંબડાના પાત્રમાં તે પરિગ્રહ શા માટે નહિ ? આ તો તમારી માત્ર સ્વચ્છંદતા છે, તે શા માટે ? શ્વેતાંબર જૈન મુનિઓ ધન્ય છે કે જેઓ જીવરક્ષા કરવા સદા તત્પર હોય છે, તથા ક્રિયાને વિષે સાવધાન એવા તેઓ રાત્રે પાણી પણ પોતાની પાસે રાખતા નથી; વળી નિઃસંગ અને પરમાર્થમાં આદરવાળા તેઓ સચેલક અને અચેલક હોય છે, છતાં તેઓ પોતાના ઉપયોગમાં ખામી આવવા દેતા નથી. પાંચ આશ્રવ અને પાંચ વિષયોનો પરિહાર કરવામાં તેઓ પરાયણ હોય છે તથા ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિમાં સદા સાવધાન રહે છે.
એ પ્રમાણે સાંભળતાં માનતુંગ મુનિ કહેવા લાગ્યા કે – “હે બહેન ! તું મારું નમ્ર વચન સાંભળ-મેં ધર્મ સાધવા માટે ગૃહવાસનો ત્યાગ કર્યો છે, તો અન્ય સામાચારી તો દૂર રહો, પરંતુ જયાં જીવદયા પણ ન મળે, તેવા સર્વજ્ઞ વિરોધી ધર્મથી મારે શું પ્રયોજન છે? વળી આ પ્રદેશમાં શ્વેતાંબર મુનિઓ પણ ભાગ્યે જ કોઈવાર આવે છે.'
એટલે તે શ્રાવિકા બોલી કે – “મધ્ય પ્રદેશમાંથી શ્વેતાંબર મુનિઓ અત્યારે આવવાના છે, તેમની સાથે હું તમને જરૂર મેળાપ કરાવી આપીશ, કે જેથી નિર્મળ તપના યોગે તમે સંસારથી નિસ્તાર પામો. હવે અત્યારે આ જળ ક્યાંક એકાંતે કૂપાદિકમાં નાખી દો, કે જેથી શાસનની લઘુતા અને ગ્લાનિ ન થાય. વળી તેમ કરતાં ઘણા જીવોની વિરાધના અવશ્ય થાય છે, કારણ કે અન્ય જળમાં ઉત્પન્ન થયેલા જીવો પરસ્પર વિરોધી હોય છે.'
પોતાની બહેનનું એ વચન સાંભળતાં તે મુનિને ભારે પસ્તાવો થયો પછી તેણે પરમ ભક્તિથી તેને ભોજન કરાવ્યું અને મુનિ પોતાના સ્થાને ગયા.
એવામાં એકવાર પૂર્વે શ્રી પાર્શ્વનાથના કલ્યાણકથી પવિત્ર થયેલ, ગંગાતીરે આવેલ વૃક્ષોથી સુશોભિત એવા તે નગરીના ઉદ્યાનમાં, નંદનવનમાં દેવોની જેમ, જ્ઞાની શ્રી જિનસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે તે શ્રાવિકાએ પોતાના બંધુ મુનિને ગુરુનું આગમન નિવેદન કર્યું. જેથી તે આચાર્યને જઈને મળ્યા, ત્યાં તેમણે પૂર્વઋષિઓએ આચરેલ સામાચારી તેને કહી સંભળાવતાં, અમૃત સમાન તે તેણે આદરપૂર્વક શ્રવણ કરી. પછી આચાર્યો તેને યોગ્ય જાણીને દીક્ષા આપી અને તે કેટલાક શાસ્ત્રમાં કુશળ હોવા છતાં ગુરુએ તેને તપસ્યાવિધિપૂર્વક આદરથી આગમનો અભ્યાસ કરાવ્યો એટલે સમ્યક્ પ્રકારે તપ કરી આગમનું રહસ્ય જાણવામાં આવતાં તેની શ્રદ્ધા અચલ થઈ, જેથી ગુરુ મહારાજે તેને યોગ્ય સમજીને સૂરિપદે સ્થાપતાં ગચ્છનો આદરપાત્ર બનાવ્યો. ક્લિષ્ટ કાવ્યોના ભ્રમથી શ્રમિત થયેલ સરસ્વતી દેવી, તેમના વચનામૃતથી સંસિક્ત થતાં અતિશય આનંદ પામી તથા તે વખતના જ્ઞાન–ક્રિયાની ઉન્નતિમાં લીન બનેલા એવા માનતુંગ સૂરિ વિકાસ પામીને ઉપદ્રવ કરતા આંતર શત્રુઓને અજેય થઈ પડ્યા.
હવે તે નગરમાં વેદ અને વેદાંગમાં પારંગત, રાજમાન્ય તથા સાક્ષાત્ બ્રહ્મા સમાન મયૂર નામે બ્રાહ્મણ કે જે વિદ્વાનોના મુગટ સમાન અને વિરોધરૂપ સર્પના દર્પને દળી નાખવામાં મયૂર સમાન હતો. તેને રૂપ, શીલ, વિદ્યાદિ ગુણોથી સુશોભિત એવી એક કન્યા હતી કે જેને જોવાથી પાર્વતી, ગંગા અને લક્ષ્મીદેવીની પ્રતીતિ થતી હતી. વળી તે વિપ્ર થકી એ કન્યાને ઉત્પન્ન કરતાં વિધાતાને પોતાની પુરાતન સૃષ્ટિ ઉચ્છિષ્ટ જેવી ભાસવા લાગી. કારણ કે જેના હસ્ત, લોચન અધર અને મુખ જોઈને તેણે કમળને કાદવમાં, કુવલયને