________________
શ્રી માનતુંગસૂરિ ચરિત્ર
215
છે શ્રી માનતુંગસૂરિ ચરિત્રી
શ્રી માનતુંગસૂરિની દેશના સમયની દંત-કાંતિ જ્યવંત વર્તે છે કે જે જ્ઞાનરૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડવામાં શરદઋતુના ચંદ્ર સમાન શોભે છે. નિરંતર લાખો માણસોથી ગવાતા, કનક સમાન કાંતિવાળા તથા સૌમનસ (દવ કે વિદ્વાનુ) થી આશ્રિત એવા મેરુ સમાન શ્રી માનતુંગ પ્રભુ તમારું રક્ષણ કરો. તીર્થની ઉત્કટ શોભાના સ્થાનરૂપ એવા તે આચાર્યનું ચરિત્ર હું વર્ણવું છું કે જે જગતમાં અપ્રસિદ્ધ છે.
સાક્ષાત્ અમરપુરી સમાન વારાણસી નામે નગરી કે જે સદા ગંગાના તરંગોથી પાપ–મેલને ધોઈ રહી છે. ત્યાં વિદ્વાનોના મુગટ સમાન, અર્થીજનોના દારિદ્રયને દૂર કરનાર એવા શ્રી હર્ષદેવ નામે રાજા કે જે કલંકરહિત હતો. વળી ત્યાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામે સુજ્ઞ શ્રેષ્ઠી કે જે સમસ્ત પ્રજા અને રાજાના અર્થ (પ્રયોજન) ને સાધનાર હતો. સત્ત્વ અને સત્યના સ્થાનરૂપ એવો માનતુંગ નામે એ શ્રેષ્ઠીનો પુત્ર કે જે પરદ્રવ્ય અને પર રમણીથી વિમુખ હતો. - હવે ત્યાં કામવાસનાને દૂર કરનારા દિગંબર જૈન મુનિઓ હતા. એકવાર ગંભીર માનતુંગ તે મુનિઓના ચૈત્યમાં ગયો. ત્યાં વીતરાગ પ્રભુને નમસ્કાર કરી તે ગુરુ પાસે જઈને નમ્યો. એટલે તેમણે ધર્મવૃદ્ધિના આશીર્વાદથી તેનો સત્કાર કર્યો. પછી તેમણે તેને પંચ મહાવ્રત, તથા ઉન, રૂ અને રેશમના વસ્ત્રના નિષેધ કરતાં નગ્નતાનો ઉપદેશ કર્યો. ઇત્યાદિ અનેક પ્રકારે ધર્મમાર્ગનું શ્રવણ કરતાં માનતુંગનું મન વૈરાગ્યથી વાસિત થતાં તેણે વ્રત લેવાની પોતાની ઇચ્છા જણાવી. જેથી તેના માતાપિતાની અનુમતિ લઈને દિગંબરાચાર્યે તેને દીક્ષા આપી અને તે યશસ્વીનું મહાકીર્તિ એવું નામ રાખ્યું. પછી તે ચતુર શિરોમણિ “સ્ત્રીને મોક્ષ ન હોય, કેવળી આહાર ન કરે’ તથા બત્રીશ બોલરૂપ સિદ્ધાંતનો જ્ઞાતા થયો. વળી લોચ કરીને તે જળકમંડળ પોતાના હાથમાં રાખવા લાગ્યો, તથા સર્વ પ્રકારના આભરણોનો ત્યાગ કરી તે ઇર્યાસમિતિ સાચવવા લાગ્યો, વળી ગૃહસ્થના ઘરમાં ઉભા ઉભા જ આહારનું તે ભોજન કરતો, મયૂરપીંછાનો ગુચ્છ હાથમાં રાખતો અને મૌનકાળે તે મૌન સેવવા લાગ્યો. તેમજ બંને વખતના પ્રતિક્રમણમાં આલોયણા લેતાં તે શુદ્ધ રહેતો તથા તે દક્ષ નાના મોટા વિવિધ પ્રકારના દુષ્કર તપ તપવા લાગ્યો.
હવે તે નગરીમાં લક્ષ્મીધર નામે તેનો બનેવી કે જે સારો શ્રીમંત હતો, વળી જે આસ્તિકજનોમાં શિરોમણિ અને અત્યંત પ્રખ્યાત હતો. એકવાર તેણે આમંત્રણ ન કર્યા છતાં તેની ભક્તિને લીધે માનતુંગ ઋષિ અવસરે આહાર લેવા માટે તેને ઘેર આવ્યા, તેના કમંડળમાં શોધન ન કરવાના પ્રમાદથી અને તેમાં નિરંતર જળ ભરી રાખવાથી અનેક સંમૂછિમ પોરા ઉત્પન્ન થયા હતા. ત્યાં કોગળો કરવા માટે તેમાંથી તેણે જેટલામાં જળ લીધું, તેવામાં શ્વેતાંબર મુનિઓના વ્રતમાં પ્રીતિવાળી એવી તેની બહેનના તે જોવામાં આવ્યા, આથી તે પોતાના બંધુ મુનિને કહેવા લાગી કે – “વ્રતમાં દયા એ જ સાર છે, તો તમારા પ્રમાદથી આ બેઇન્દ્રિય