________________
212
શ્રી પ્રભાવક ચરિત્ર
મુખથી ગંગાકીનારે આવેલ મગટોડા ગામનું નામ શ્રવણ કરતાં વ્યંતરનું કથન તેને બરાબર સત્ય ભાસ્યું. આ વખતે આચાર્ય મહારાજ રાજાને કહેવા લાગ્યા કે– હે મિત્ર! જો તને શ્રદ્ધા હોય, તો પ્રાંતે પણ જિનધર્મનો સ્વીકાર કર.'
એટલે રાજાએ જણાવ્યું કે-“શ્રી સર્વજ્ઞ દેવ, બ્રહ્મચારી ગુરુ અને દયાપ્રધાન ધર્મનું મને શરણ થાઓ. વળી વ્યવહારથી જે મેં આટલા દિવસ દેવ, ગુરુ અને ધર્મનો સ્વીકાર કર્યો, તેનો હું ત્રિવિધ ત્યાગ કરું છું. હે પૂજ્ય ! અત્યારે મિત્રતાને લીધે વિધિપૂર્વક તમારે પણ શરીરનો ત્યાગ કરવો જોઈએ. શું એ સ્થિતિ તમને ઉચિત નથી? કે જેથી પરલોકમાં પણ આપણે સાથે રહી સમસ્યાપૂર્તિ વગેરેથી સુખે કાળ નિર્ગમન કરી શકીએ.”
એ પ્રમાણે સાંભળતાં ગુરુ બોલ્યા- હે રાજન્ ! આ તારું વચન મુગ્ધપણાને સૂચવે છે. પોતપોતાના કર્મને લઈને જીવ કોણ કઈ ગતિમાં જશે, તે જ્ઞાની વિના કોણ જાણી શકે ? વળી વ્રતધારીઓને એવી રીતે દેહત્યાગ કરવો, તે ઉચિત નથી. તેમજ હજી મારું આયુષ્ય પાંચ વરસ બાકી છે.” એમ આચાર્યું તેના મનનું સમાધાન કર્યું.
પછી વિક્રમ સંવત્ના આઇસેં નેવુ વરસ જતાં ભાદરવા માસની શુકલ પંચમી અને શુક્રવારના દિવસે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ આવતાં તથા ચંદ્રસ્થિત તુલા રાશિમાં અર્ક (સૂર્ય) આવતાં, અન્તિમ પ્રહરમાં ગુરુના મુખથી પંચપરમેષ્ઠીના નમસ્કારરૂપ મંત્ર સાંભળતાં તથા શ્રીજિનેશ્વર અને સન્મિત્ર ગુરુના ચરણનું સ્મરણ કરતાં શ્રીમાનું નાગાવલોક (આમ) રાજા સ્વર્ગસ્થ થયો.
એટલે કંઈક મિત્રના મોહને લીધે પાસે રહેલા શ્રીબપ્પભટ્ટ ગુરુએ ત્યાં રહીને તેના વિશ્વાસુ પ્રધાન પુરુષોના હાથે તેનું મૃતકાર્ય કરાવ્યું. પછી કંઈક શોકઉર્મિથી સંતપ્ત થયેલ તથા રાજાના ગુણો વારંવાર યાદ કરતા શ્રીગુરુ ઉદ્વેગપૂર્વક કરુણ સ્વરે આ પ્રમાણે, કહેવા લાગ્યા
‘આ ૯૮૦ મું પણ વર્ષ ન થાઓ, ચિત્રા નક્ષત્ર પણ ન હો, તે ભાદરવા મહિનાને ધિક્કાર થાઓ, તે ખલ શુક્લપક્ષનો પણ ક્ષય થાઓ, સિંહ રાશિમાં સંક્રાંતિ તથા શુક્રવારની પંચમી અગ્નિમાં પડો કે જયાં નાગાવલોક રાજા ગંગાના જળ–અગ્નિમાં સ્વર્ગસ્થ થયો.' એ પ્રમાણે શોક કરતા શ્રીબપ્પભટ્ટિ મુનીશ્વર નિરૂપાય થઈને દુંદુક રાજાના કાન્યકુજ નગરમાં પાછા આવ્યા. ' હવે દુંદુક રાજા કંટી નામની વેશ્યામાં આસક્ત થયો, તેથી તે વેશ્યાના વચનથી મૂઢ બનેલ રાજા, ભાગ્યોદય અને કળાના વિલાસરૂપ એવા પોતાના ભોજપુત્ર પર પણ દ્રોહ કરવા લાગ્યો. અહા ! અવિવેકના અગ્રસ્થાનરૂપ વેશ્યા-સમાગમને ધિક્કાર થાઓ. આથી દુઃખિત થયેલ તેની માતાએ તે વૃતાંત પોતાના બાંધવોને નિવેદન કર્યો. કારણ કે સંકટમાં કુલીન કાંતાઓને પોતાનું પીયર જ શરણરૂપ છે. એટલે તેણીના બાંધવોએ આવીને પુત્ર જન્મના બહાને ભોજને બોલાવ્યો. ત્યારે અનુજ્ઞા મેળવવા માટે તે રાજભવનમાં ચાલ્યો. આ વખતે આચાર્ય મહારાજના સૂચનથી મહેલના દ્વાર પર શસ્ત્રધારી પુરુષોને જાણીને તે પાછો વળ્યો અને પોતાના મામા સાથે પાટલીપુરમાં ચાલ્યો ગયો.
એવામાં એકવાર મત્સર ધરાવનાર દુંદુક રાજાએ આચાર્ય મહારાજને જણાવ્યું કે– ‘તમે મારા પર પ્રસાદ લાવીને તે ઉત્તમ પુત્રને લઈ આવો.”