________________
શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર
ત્યારે ગુરુ ઉત્તર આપતા બોલ્યા કે—‘હે મહાસત્ત્વ ! આ સંબંધમાં જૈનાગમના જ્ઞાતા વિદ્વાનોએ બતાવેલ એક શ્રવણ ક૨વાલાયક દૃષ્ટાંત કહું છું, તે સાંભળ ! અનાદિ કાળથી સેંકડો નદીઓથી તણાતી વેળુથી પૃથ્વી ખાલી ન થાય અને સમુદ્ર ભરાય તેમ નથી. અર્થાત્ જળ કે વેળુથી જો પૃથ્વી ખાલી થાય અને સમુદ્ર ભરાય, તો જીવોથી સંસાર ખાલી થાય અને મોક્ષ સંકીર્ણ થાય, પરંતુ તેમ બનવાનું નથી.'
207
એ પ્રમાણે સાંભળતાં કુવાસના દૂર થવાથી રોમાંચિત થઈ હર્ષોલ્લાસ પામતો અને બ્રહ્મજ્ઞાનીઓમાં રાજા સમાન એવો વાતિરાજ કહેવા લાગ્યો કે—‘હે ભગવન્ ! આટલો વખત પરમાર્થના વિચાર વિના ધર્મતત્ત્વથી બહિષ્કૃત થયેલા અમે મોહલીલાથી માત્ર ભ્રમિત જ રહ્યા. આપ જેવા પૂજ્ય સાથે લાંબો પરિચય થયા છતાં મને કંઈ ફળ ન મળ્યું અને આટલા દિવસો ધર્મના વ્યાખ્યાન વિના મારા બધા નકામા ગયા. આટલો વખત મદનાદિથી કલુષિત શાસ્ત્રથી મેં મારું કપાળ કલુષિત કર્યું, પણ હવે પવિત્ર જિનમત પ્રાપ્ત થતાં તે શા માટે કલુષિત રહેવા દઉં ? તો હે પ્રભો ! મુમુક્ષુ એવા મને હવે ઔચિત્યનું ઉલ્લંઘન ન થાય, તેવો આદેશ કરો કે જેથી કર્મનાશક તે આપના આદેશ પ્રમાણે હું વર્તન કરું.'
ત્યારે બપ્પભટ્ટ ગુરુ બોલ્યા કે—‘હે ભદ્ર ! કર્મમાં જો તને શંકા હોય, તો મનઃ શુદ્ધિ કરવાની જરૂર છે અને વ્યવહાર પણ તેવો જ છે. માટે તું સંયસ્તપણામાં જ જૈનમાર્ગનો સ્વીકાર કર.' એમ સાંભળતાં તે ગુરુની સાથે જ ઉઠ્યો અને ત્યાંથી તેમના ઉપાશ્રયની પાસે આવેલ શ્રીપાર્શ્વમંદિરના સ્તૂપમાં તે આવ્યો. ત્યાં પૂર્વે સ્વીકારેલ મિથ્યાદર્શન-વેષનો તેણે ત્યાગ કર્યો અને જૈનર્ષિ-વેષનો સ્વીકાર કરતાં તે જૈનમુનિ થયો, વળી તે વખતે એક ધ્યાનમાં તાન લગાવી રહેલ તેણે સંસાર-ત્યાગનું ચરમ પ્રત્યાખ્યાન કર્યું તેમજ અઢાર પાપસ્થાનોનો તેણે સર્વથા ત્યાગ કર્યો. વળી અંતરના દોષને દૂર કરતાં તેણે સ્તુતિ-નિંદા તથા પુણ્ય-પાપમાં સમભાવ લાવી, માનને સોસવી, પરમેષ્ઠી-પદમાં મન લગાવીને ચા૨ શરણનો સ્વીકાર કર્યો. તથા એકાવતારી અને મહાનંદપદને ઇચ્છતા એવા તેણે દુષ્કૃત ખપાવવા અઢાર દિવસનું અનશન કરી, સમ્યક્ પ્રકારની આરાધનાથી પંડિત મરણને સાધતાં દેહમુક્ત થઈને તે સ્વર્ગમાં ઇંદ્ર સામાનિક દેવ થયો. એટલે કંઈક મિત્રના સ્નેહથી ગદ્ગદિત થયેલ આચાર્ય મહારાજ, બધા સામંતો અને વિદ્વાનોના સાંભળતાં કહેવા લાગ્યા કે— ‘સામંત રાજ સ્વર્ગે જતાં શોક કરવાનો નથી. તે તો ઇંદ્રના સામાનિક થયા અને સ્વર્ગની લક્ષ્મી તેને વરી ચૂકી.’
હવે પૂર્વે ત્યાં નંદરાજાએ સ્થાપન કરેલ ગોકુલ વાસમાં જગતને શાંતિ પમાડવામાં હેતુરૂપ એવા શ્રી શાંતિનાથ ભ. તથા શ્રી શાંતિદેવી છે, ત્યાં શ્રીજિનેશ્વરને વંદન કરવા જતાં શ્રી બપ્પભટ્ટિ સૂરિએ શાંતિદેવી સહિત જિનેશ્વરની સ્તુતિ કરી. અદ્યાપિ તે ‘નતિ ખાક્ષાત' ઇત્યાદિ શાંતિદેવીનું સ્તવન વિદ્યમાન છે, તે શાંતિને કરનાર અને સર્વ ભયને દૂર કરે છે.
પછી લોકોથી પ્રશંસા પામતા એવા શ્રી બપ્પભટ્ટિ ગુરુ ત્યાંથી પાછા વળતાં કેટલેક દિવસે તે કાન્યકુબ્જ નગરમાં આવી પહોંચ્યા. એટલે ચપુરુષો મારફતે પ્રથમથી જ વૃત્તાંત જાણવામાં આવતાં રાજા નગરના પાદર સુધી તેમની સન્મુખ આવ્યો અને આનંદપૂર્વક રાજાએ તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં ચમત્કાર પામેલ રાજાએ સભામાં બિરાજમાન ગુરુને કહ્યું કે—‘અહો ! તમારા વચનનું સામર્થ્ય કેટલું કે વાતિરાજને પણ તમે પ્રતિબોધ પમાડ્યો !