________________
206.
શ્રી પ્રભાવક ચરિત્ર
એ પ્રમાણે પંકને દૂર કરવામાં જળ સમાન એવું ગુરુનું વચન સાંભળતા, અકસ્માત ભયથી જેમ હેડકી ચાલી જાય, તેમ તેનો ગર્વ બધો દૂર થઈ ગયો. તે હર્ષમાં આવી જઈને તરત કહેવા લાગ્યો કે “અહો મારા પુણ્યનો ઉદય થયો કે આવા અવસરે મારા સાચા મિત્ર મને આવી મળ્યા. હવે મારા પર તમે ઉપકાર કરો.” એમ કહી સાવધાનપણે વાપતિરાજ મૌન ધરી રહ્યો, એટલે ધર્મ, દેવ અને ગુરુરૂપ તત્ત્વત્રયી સમજાવતાં શ્રી બપ્પભટ્ટિ સૂરિ કહેવા લાગ્યા કે ધર્મતત્ત્વ –
“ત્રણે કાળે વર્તનારા નવ તત્ત્વો સહિત છ દ્રવ્યો, છ કાય, છ વેશ્યા, પંચાસ્તિકાય, વ્રત, સમિતિ, ગતિ, જ્ઞાન અને ચારિત્રના ભેદો, ત્રિભુવનના હિતકારી શ્રી જિનેશ્વર દેવોએ જે બતાવેલ છે, તે મોક્ષના મૂળરૂપ છે, તેનામાં જે સુજ્ઞ શ્રદ્ધા રાખે છે, જે સમજે છે, જે સમજવાની લાગણી ધરાવે છે, તે શુદ્ધ દષ્ટિ સમજવો, તે સમ્યગ્દષ્ટિ જાણવો.
દેવતત્ત્વ
સર્વજ્ઞ જિનેશ્વર, યાદવકુળમાં તિલક સમાન કૃષ્ણ, ઉત્સંગમાં પાર્વતીને ધારણ કરનાર શંકર, નિરંતર જપમાળાને ધારણ કરનાર બ્રહ્મા, કૃપાળુ બુદ્ધ, કે જગતને પ્રકાશિત કરનાર સૂર્ય અથવા અગ્નિ—ગમે તે હોય, પણ રાગાદિ દોષોથી જેનું હૃદય કલુષિત થયેલ નથી, તે દેવને મારા નમસ્કાર થાઓ.
ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામથી જો તે દેવ, દીપની કલુષતાથી રહિત હોય, તો તે ભગવદ્ ! તે તું એકજ છે, માટે તને મારા નમસ્કાર છે.
મદ, માન, કામ, ક્રોધ લોભ અને હર્ષ–એ છ રિપુથી પરાજિત થયેલા દેવો બીજાને સામ્રાજ્ય રૂપ વ્યાધિ આપે તે વૃથાજ છે.
મુનિઓ જેને મુગટ સમાન સમજીને મસ્તકે ધારણ કરે છે, તે અક્ષય, નિરંજન અને પરમપદને પ્રાપ્ત થયેલા દેવ સદાને માટે અશરીરી છે, તે કદાપિ અવતાર લેતા નથી.
ગુરુતત્ત્વઃ
પંચ મહાવ્રતને ધારણ કરનાર, પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરનાર, પંદ્રિયોનો નિગ્રહ કરનાર, પાંચ વિષયથી વિરક્ત, પાંચ સમિતિધારી, અનેક ગુણગુણાલંકૃત આગમાનુસારે વર્તનાર, કવિધિ કદાગ્રહનો ત્યાગ કરનાર, પરમાર્થ બુદ્ધિથી ભવ્યજનોને પ્રતિબોધ આપનાર, બેતાલીસ દોષથી રહિત શુદ્ધ આહાર લેનાર, છકાય જીવની રક્ષા કરનાર, મત્સર રહિત, કેસરી સમાન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, એવા મારા ગુરૂ છે કુક્ષિશંબલ એટલે માત્ર ભિક્ષાથી જીવન નિર્વાહ ચલાવનાર અને ધનની મૂછને તજનાર નિત્ય ધ્યાનમાં રહેનાર એવા ગુરૂને ગોતો જે તારવામાં સમર્થ છે. ગૃહસ્થ ગુરુ અને ગૃહસ્થ શિષ્ય તો કોણ કોને માટે પાત્ર? જો સારંભી ગૃહસ્થ સારંભી ગુરને માને અને પૂજે, તો કાદવથી કાદવ ધોવા જેવું છે. અર્થાત તેથી મલિનતા કેમ જાય ?”
ઈત્યાદિ ગુરુના અસરકારક વચનોથી નવ ચેતન પામેલ વાપતિરાજ ધ્યાન પારીને કહેવા લાગ્યો કેહે ભગવન્! મારા મનમાં એક સંદેહ છે, તે એ કે મનુષ્ય લોકમાંથી અનંત જીવો તે મોક્ષે જાય, તો સંસાર ખાલી થઈ જાય અને મોક્ષમાં સ્થાન ન મળે, કારણ કે તે સ્થાન ભરાઈ જાય.'