________________
શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર
205
પંડિતો તેમની સાથે મોકલ્યા. તે બધા ત્વરિત વાહનોથી પ્રયાણ કરતાં મથુરામાં વરાહ સ્વામીના મંદિરમાં આવ્યા. એટલે ત્યાં પૂર્વ કહ્યા પ્રમાણે પરમાત્માના ધ્યાનમાં બેઠેલ એવો વાક્પતિરાજ તેમના જોવામાં આવ્યો, તેને આદરથી જોતાં શ્રી બપ્પભક્ટિ આચાર્ય તેના મનની પરીક્ષા કરવા માટે પ્રથમ ત્રણ દેવની સ્તુતિના કાવ્ય બોલ્યા, જેનો મતલબ આ પ્રમાણે છે
“શ્રી રામ નામે રાજકુમાર હતો “હું, જેની સીતા નામે સ્ત્રી હતી હું', તે પિતાના વચનથી પંચવટી વનમાં ગયો “હું', ત્યાં રાવણ સીતાને હરી ગયો. નિદ્રા માટે માતાના મુખેથી વાર્તા સાંભળતા હુંકાર ભણતા બાલકૃષ્ણને પૂર્વની વાતનું સ્મરણ થઈ આવ્યું તેથી કોપથી કુટિલ થયેલ ભ્રગુટીવાળી દૃષ્ટિ તમારું રક્ષણ કરે.
દર્પણમાં પોતાનું માયાસ્ત્રીનું રૂપ જોતાં પોતાનામાં જ અનુરક્ત થયેલ કેશવ તમને સંપત્તિ આપો.
રતિસુખ પછી પોતાના એક હાથનો ભાર શેષનાગ પર મૂકી અને બીજા હાથે વસ્ત્ર પકડીને ઉઠતી તથા છુટી ગયેલ અંબોડાના ભારને ખભા પર વહન કરતી એવી લક્ષ્મીની દેહકાંતિથી રતિસુખમાં બમણી પ્રીતિ લાવનાર કૃષ્ણ તેના શરીરને આલિંગન કરી શય્યા પર શિથિલ ભુજાએ લઈ ગયો, એવું તે લક્ષ્મીનું શરીર તમને પાવન કરો.
લોક સમક્ષ પ્રણામ કરી અંજલિ જોડીને જે સંધ્યાની યાચના કરે છે, વળી તે નિર્લજ્જ ! શિર પર જે બીજીને વહન કરે છે, તે પણ મેં સહન કર્યું. સમુદ્રમંથનમાં હરિને લક્ષ્મી મળી, તો તે વિષનું ભક્ષણ શા માટે કર્યું? માટે હે લલનાલંપટ ! તું મને અડકીશ નહિ એમ પાર્વતિથી પરાભવ પામેલા શંકર તમારું રક્ષણ કરો.
હે અજ ! તે જળમાં અમેધ્ય બીજ વાવ્યું તેથી તું ચરાચર જગતના કારણરૂપ કહેવાય છે.
હે વાપતિરાજ ! તે કુળને પવિત્ર કર્યું, માતા તારાથી કૃતાર્થ થઈ, વસુંધરા તારાથી પુણ્યવતી થઈ કે જેનું આંતરજ્ઞાનના સુખસાગરમાં મગ્ન થયેલ ચિત્ત બ્રહ્મમાં લાગી રહ્યું છે.'
એ પ્રમાણે કાનને કટુ લાગે તેવું વચન સાંભળતાં તેણે શિર ધુણાવ્યું અને મનમાં દૂભાતાં નાસિકા મરડીને કહેવા લાગ્યો કે–“હે મિત્ર આ રસિક કાવ્યોની પ્રશંસા શું કરું ? આ અવસર કેવો છે? તારી મિત્રાઈ આવી કેમ ? આ શું બપ્પભટ્ટિને યોગ્ય હોય તેવું કથન છે? અત્યારે તો પારમાર્થિક વચનથી મને બોધ આપવાનો અવસર છે.”
એટલે ગુરુ કહેવા લાગ્યા કે હે મિત્રવર્ય ! સારું ! સારું ! આ જ્ઞાનને હું વખાણું છું. પરંતુ હવે તને કંઈક મારે પૂછવાનું છે, તે એ કે તારી આગળ મેં જે દેવોનું સ્વરૂપ કહી બતાવ્યું, તે યથાર્થ છે, કે વિપરીત ? જો યથાર્થ છે તો તારું મન કેમ દૂભાય છે? કારણ કે પ્રત્યક્ષમાં તે વિપરીત કેમ હોઈ શકે ? રાજયાદિક ઈચ્છાના વશથી આ કાર્યમાં જો તારી પ્રવૃત્તિ છે, કે પરમાર્થની પ્રાપ્તિને માટે ? પ્રથમ વિકલ્પ હોય, તો અમારે સંમત છે કે દેવ અને રાજાઓની તારે આરાધના કરવી; તેઓ સંશય વિના સ્નેહી જનોને સામર્થ્યથી ઈષ્ટ આપે છે. હવે જો તારે પરમાર્થ સાધવાની ઈચ્છા હોય, તો તું તત્ત્વનો વિચાર કર. સંસારની ઉપાધિમાં મગ્ન થયેલા દેવતાઓ જો મુક્તિ આપતા હોય, તો એ બાબતમાં અમારે કોઈ જાતનો મત્સર નથી, તું પોતે બધું જાણી શકે તેમ છે.'