________________
શ્રી બપ્પભફિસૂરિ ચરિત્ર
203
પટ્ટશાળાના નવા પટ્ટપર ખડીથી તેમણે બોધદાયક એવી મતલબના અન્યોક્તિ કાવ્યો લખ્યાં કે હે જળ ! તારામાં શીતલ ગુણ છે. સ્વાભાવિક સ્વચ્છતા છે. તારી પવિત્રતા માટે તો કહેવું જ શું? કારણ કે તારા સંગથી બીજા પવિત્ર થાય છે, તેમજ આ કરતાં શું વધારે પ્રશંસનીય હોઈ શકે ? કે તું પ્રાણીઓના જીવનરૂપ છે. તેમ છતાં તું નીચ માર્ગે ગમન કરે, તો તેને અટકાવવાને કોણ સમર્થ થઈ શકે ? વળી હે હાર ! તું સવૃત્ત (ગોળાકાર) સદ્દગુણ (દોરા) યુક્ત, મહાકીંમતી અને માનનીય, તેમજ રમણીય રમણીના કઠિન સ્તનતટપર શોભા પામનાર છતાં દુષ્ટાના કઠિન કંઠમાં લગ્ન થઈ ભંગ પામનાર તું અહો ! તારું ગુણીપણું હારી ગયો. કુમાર્ગે ઉત્પન્ન થયેલ, શોભારહિત, તથા ફળ, ફૂલ અને પત્ર રહિત એવી લતા પર ગમન કરતાં હે ભ્રમર ! તને લજ્જા આવતી નથી ? પૃથ્વીનો ઉપભોગ કરનાર છતાં માતંગીમાં આસક્ત થનાર અને ધર્મનો ઉપહાસ કરાવનાર હે ભદ્ર ! ગજ સ્નાનની જેમ વસુધાને તું શા માટે અભડાવે (મલિન કરે) છે ? જેનાથી લોકમાં લઘુતા પમાય, અને જેનાથી પોતાના કુળક્રમનો લોપ થાય, એવું દુષ્ટ કામ કંઠે પ્રાણ આવ્યા છતાં ન કરવું. જીવિત જળબિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળ તરંગ સમાન ચપળ છે તથા પ્રેમ સ્વપ્ન સમાન છે, માટે હે ભદ્ર ! તને યોગ્ય લાગે, તેમ કર.” એ પ્રમાણે લખીને બપ્પભટ્ટિ ગુરુ આનંદપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા. . એવામાં બીજે દિવસે રાજા પણ તે મકાન જોવાને આવ્યો અને હૃદયને ભેદનાર તે વાક્યો જેમ જેમ તે વાંચતો ગયો, તેમ તેમ દૂધપાનથી ધતુરાની મૂછની જેમ તેનો ભ્રમ નાશ પામ્યો. એટલે પોતાના મુખકમળને શ્યામ કરતો આમરાજા ભારે પશ્ચાત્તાપમાં પડીને ચિંતવવા લાગ્યો કે-“અહો ! મિત્ર વિના આ પ્રમાણે મને બોધ કોણ આપે ? તો હવે અત્યારે સર્વ પ્રાણીઓને દોષના કારણ રૂપ તથા સંતાપકારી અને અપેક્ષણીય એવું મારું મુખ હું ગુરુને શી રીતે બતાવું? માટે અગ્નિથી જ હવે મારી શુદ્ધિ થવાની. કારણ કે કલંકથી મલિન થયેલ આ મારું જીવિત હવે ત્યાગ કરવા લાયક છે.” એમ ધારી ત્યાંજ તેણે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. આ બધું જાણવામાં આવતાં રાજલોકોએ આવીને આચાર્ય પાસે કરુણ સ્વરે પોકાર કર્યો. જેથી આચાર્ય ત્યાં આવીને રાજાને કહેવા લાગ્યા કે– ભૂપ ! આ તે સ્ત્રીઓના જેવી ચેષ્ટા શું માંડી છે? વિદ્વાનોને નિંદનીય એવું આ શું આદરી બેઠો?”
ત્યારે રાજાએ જણાવ્યું કે “ગુપ્ત રીતે મનથી પાપ કરતાં મલિન થનાર એવા મને તે દુકૃતનો નાશ કરવા સ્વદેહનો ત્યાગ એજ દંડ છે. જેમ દુષ્ટ લોકોને અમે દંડ આપીએ છીએ, તેમ કર્મનો ઉચ્છેદ કરવા અમે પોતાને પણ દંડ શા માટે ન આપીએ ?'
એટલે ગુર હસીને કહેવા લાગ્યા- હે રાજન ! તું વિચાર તો કર કે તે ચિત્તથી કર્મ બાંધેલ છે, તેથી, તે ચિત્ત વડે જ દૂર થાય તેમ છે. માનસિક પાપને ભેદવા માટે તું ઋતિકારોને તે પાપનું પ્રાયશ્ચિત પૂછી જો . કારણ કે સ્મૃતિઓમાં વિદ્વાનોએ સર્વને માટે મોક્ષ બતાવેલ છે.’
આથી ન્યાયપાકના રસોયા રૂપ રાજાએ વેદાંત, ઉપનિષદૂ, શ્રુતિ અને સ્મૃતિમાં પારંગત થયેલા વિદ્વાનોને, ત્યાં બોલાવ્યા, અને તેમની આગળ તેણે યથાસ્થિત મનનું શલ્ય નિવેદન કર્યું. એટલે સ્મૃતિમાં વાચાલ એવા તે શાસ્ત્રનુસારે બોલ્યા કે તેના જેવી લોખંડની પૂતળી અગ્નિથી તપાવેલ હોય, તેનું આલિંગન કરતાં પુરુષ માતંગીના સંસર્ગથી ઉત્પન્ન થયેલ પાપ થકી મુક્ત થાય છે.'