________________
શ્રી બપ્પભથ્રિસૂરિ ચરિત્ર
193
એ પ્રમાણે સાંભળ્યા છતાં જાણે સાંભળ્યું જ ન હોય તેમ તે બોધ ન પામી; પરંતુ ઉલટી નિર્લજ્જ થઈને તે આચાર્યના સ્વભાવથી કઠિન એવા હાથ પોતાના શરીર પર અડાડવા લાગી, તથા કામહસ્તીના કુંભસ્થળ સમાન પોતાના કોમળ સ્તનનો તે હાથથી સ્પર્શ કરાવવા લાગી, એટલે શૃંગારપર્વતના ખેરના અંગારા સમાન તે સ્પર્શ સમજીને મુનીશ્વરે દંભ અને શોક વિના એકદમ પોકાર કર્યો. આથી તે સ્ત્રી “શું શું?’ એમ કહેવા લાગી ત્યારે તેના સ્તનપરથી પોતાનો હાથ ખેંચી લઈને આંસુ લાવ્યા વિના મહાકષ્ટ ગદ્ગદ્ વાણીથી તેમણે જણાવ્યું કે-“આજે તેં તારા અંગસ્પર્શથી, અમૂલ્ય અને અતુલ્ય વાત્સલ્યથી વૃદ્ધિ પામેલા અમારા જેવાને વડીલોનું સ્મરણ કરાવ્યું છે.'
આથી તેણે પૂછ્યું કે –“તે શી રીતે ?”
ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે–“રાત્રે સ્વાધ્યાય કર્યા પછી હમેશાં હું ગુરુના સર્વ અંગે શુશ્રુષા કરતો હતો, ત્યાં કેડ દબાવતાં નિતંબનો સ્પર્શ થઈ જતો. તેથી આજે ગોળ અને મૃદુતાની સમાનતાથી તેનું સ્મરણ થઈ આવ્યું. જેવા તારા સ્તન છે, તે પણ તેવાજ હતા. એમ સાંભળતાં તેની રસિકતા નિવૃત્ત થઈ ગઈ અને આશાનો ભંગ થતાં કામાંધતા દૂર થવાથી તે ચિંતવવા લાગી કે “અહો ! મને કેવું કર્મ ઉદય આવ્યું? પત્થર, લોહ અને વજ તો શું પણ શ્વેતાંબર મુનિ દુર્ભેદ્ય છે. કારણ કે અગ્નિ કે ટાંકણા વગેરેથી પત્થર ભેદાય છે, અગ્નિથી લોહ ભેદાય છે અને કુશલી (વૃક્ષ વિશેષ)ના કોમળ ફળના ચૂર્ણાદિકથી વજ પણ ભેદાય છે, પરંતુ આ મહાત્માની કઠિનતા કોઈ વિચિત્ર પ્રકારની જ છે કે જે અભેદ્ય છે. બીજા બધા પુરુષો વૃતના પિંડ સમાન છે કે જે અગ્નિના કુંડ સમાન રમણીઓ પાસે ઓગળી જાય છે, પરંતુ આ તો કોઈ જુદા જ પ્રકારના છે. વિધાતા અને યમ એની આગળ શું માત્ર છે? એ તો એના કિંકર જેવા છે. તીવ્ર બ્રહ્મવ્રતને ધરનાર એવા એનાથી તો કર્મ પણ ભય પામે; શૃંગારરસમાં એણે વિરસતા ધારણ કરી અને મારા કામને પણ એણે ભગ્ન કર્યો. કારણ કે મારા જેવી રમણીનો જે તિરસ્કાર કરે, તે દૈવને જીતી શકે.” એમ વિચાર કરતી તે મુનિદ્રોહનો આગ્રહ તજી દઈને નિંદ્રાધીન થઈ. કારણ કે દુનિયાને દુઃખ આવતાં કંઈક વિશ્રાંતિ આપવાથી નિદ્રા ઉપકારિણી ગણાય છે.
પછી પ્રભાતે આચાર્ય જાગ્રત થયા અને પર્યકાસને બેઠા, ત્યારે તે રમણી પ્રણામ કરીને બોલી – હું આપને વિકૃતિ પમાડવામાં સમર્થ થઈ શકી નહિ. પૂર્વે કામાદિ શત્રુને જિતનારા વીતરાગ હતા, પરંતુ આ તમારા વૃત્તાંતથી એ શાસ્ત્રોક્ત વાત બરાબર સત્ય સમજી શકાય તેમ છે, માટે હું આપને વિનંતિ કરું છું કે-આપ પ્રસન્ન થઈને મારી પીઠ પર સ્વહસ્ત સ્થાપન કરો. તમારા શ્રાપથી તો ઇંદ્ર પણ નાશ પામે, તો અન્યની શી વાત કરવી ?'
ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે–“આ તો અજ્ઞાનવચન છે. અમે રોષ કે તોષના આચારથી અલગ છીએ. અજ્ઞજનો શ્રાપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે.”
એ પ્રમાણે સાંભળતાં તે વારાંગના રાજા પાસે આવી અને ગુરના ગુણથી ક્ષણવારમાં વિકત્ત દશા જેની નાશ પામેલ છે. એવી તે કહેવા લાગી કે– હે નાથ ! જે પોતાના બાહુદંડથી મહાસાગર તરી શકે, જે પોતાના મસ્તકથી શીધ્ર પર્વતને ભેદી શકે, જે ઈચ્છાનુસાર અગ્નિ સામે બાથ ભીડે અને જે સુતેલા સિંહને જગાડે, તે આ તમારા શ્વેતાંબર ગુરુને વિકાર પમાડી શકે. અર્થાતુ તે કોઈ રીતે વિકાર પામે તેમ નથી.”