________________
શ્રી બપ્પભટ્ટિસૂરિ ચરિત્ર
કાવ્યમાં વિલંબ કરતા નથી—‘હે રાજન્ ! મુગ્ધાના આંસુ લુંછતાં એના બંને હાથ કાજળથી શ્યામ થઈ ગયા છે.' એટલે તેની ખાત્રી કરવા રાજાએ તે ભીલને બોલાવીને હકીકત પૂછી. ત્યારે શરમને લીધે પોતાનું મુખ નીચું કરી યથાસ્થિત વૃત્તાંત જણાવતાં તેણે કહ્યું કે—‘હે નાથ ! પ્રવાસે નીકળતી વખતે વધુને શાંત કરતાં અને તેના કાજળસહિત આંસુ લુંછતાં મારા હાથ કાજળવાળા થયા છે. આ વૃત્તાંત સાંભળતા હર્ષ પામતો રાજા, સૌધર્મ દેવલોકે પહોંચનાર ઇંદ્રની જેમ પોતાના કાન્યકુબ્જ નગરમાં પહોંચ્યો. એટલે પ્રથમ કરતાં પણ અધિક મહોત્સવથી તેણે ગુરુને નગર પ્રવેશ કરાવ્યો અને અત્યંત બહુમાનથી તેમની પૂજા કરી.
191
હવે અહીં શ્રી સિદ્ધસેનસૂરિ અત્યંત જરાગ્રસ્ત થયા અને પોતે કૃતકૃત્ય થવાથી અનશન વિધિ કરવાની તેમની ઈચ્છા થઈ. એટલે મુખ્ય શિષ્ય બપ્પભટ્ટિનું મુખ જોવાની ઇચ્છાથી તેમણે એક મુનિને પોતાનો અભિપ્રાય જણાવીને શિષ્યને બોલાવવા માટે મોકલ્યા. તે મુનિએ આવીને શ્રીબપ્પભટ્ટસૂરિને ગુરુનો અભિપ્રાય સંભળાવતાં જણાવ્યું કે—“મારું શારીરિક બધું બળ નષ્ટ થઈ ગયું, દૃષ્ટિ પદાર્થ જોવામાં મહા કષ્ટ પ્રવર્તે છે, અવયવો બધા શિથિલ થઈ ગયા છે, અને પ્રાણ હવે જવાની તૈયારીમાં છે પણ હે વત્સ ! માત્ર એક તને જોવાને માટે અટકી રહ્યા છે, માટે જો મને જોવાની તારી ઇચ્છા હોય, તો સત્વર મારી પાસે આવી જા.”
આથી પોતાની ગુરુપરની બહુ ભક્તિથી બપ્પભટ્ટિસૂરિ રાજપુરુષો સહિત સત્વર મોઢે૨ક તીર્થમાં ગુરુ પાસે હાજર થયા. ત્યાં ગુરુનું પ્રથમ દર્શન થતાં તેમનું વચન રુંધાઈ ગયું એટલે પોતામાં અત્યંત વાત્સલ્ય ધરાવનાર એવા બપ્પભટ્ટિને ગુરુ કહેવા લાગ્યા કે—‘હે વત્સ ! મારું શરીર તો વાકું વળી ગયું છે, શરીરને લાકડીના ટેકાની જરૂર પડે છે, દાંત બધા પડી ગયા. કાન સાંભળવાથી રહિત થયાં, ચક્ષુનું તેજ બધું ઉડી ગયું અને શ્યામતા આવી ગઈ, આટલું થયા છતાં મારું નિર્લજ્જ મન હજી વિષયને માટે તલસે છે, માટે સ્વચ્છમતિ અને પવિત્ર ગચ્છપર વાત્સલ્ય ધરાવનાર હે વત્સ ! અંતિમ વિધિ સાધતાં મારો સહાયક થઈને તું અનૃણી (ઋણમુક્ત) થા.' પછી આરાધના કરીને ગુરુ પરલોકે ગયા, એટલે રાજમાન્ય શ્રી બપ્પભટ્ટિસૂરિએ ગુરુનું શાસન ચલાવ્યું. ત્યાં શ્રીમાન્ ગોવિંદસૂરિ અને શ્રીનન્નસૂરિને ગચ્છનો ભાર સોંપી અને શ્રી સંઘની અનુમતિ લઈને તે નિગ્રંથનાયક રાજાના પ્રધાનો સાથે આદરપૂર્વક પાછા આમ રાજાની રાજધાનીમાં આવ્યા ત્યારે રાજાએ તેમનું બહુમાન કર્યું, પણ તેમના રાગને માટે રાજાને વિકલ્પ થયો.
એક વખતે રાજસભામાં નૃત્યાંગના નૃત્ય કરતી હતી તે અવસરે પુરુષરૂપધારી જાણે સાક્ષાત્ સરસ્વતી હોય એવા આચાર્ય હાથમાં પોથી લઈને બેઠા હતા, તેમની નિર્દોષ દષ્ટિ અક્ષર અને પદમાં હતી, એવામાં કોઈ રીતે અચાનક નૃત્યાંગનાના કંચુક પર તેમની નજર પડી, જેથી તેમના ચિત્તનો અભિપ્રાય અન્યથા કલ્પીને રાજાએ વિચાર કર્યો કે—‘સિદ્ધાંતના પારંગામી અને આવા પ્રકારના યોગથી યુક્ત છતાં એમના મનમાં પ્રમદા ૨મે છે માટે તેને એ પ્રમાણ કરશે.’ પછી આવા પ્રકારના કાર્યનો નિર્વાહ કરવામાં જ્ઞાનના હેતુરૂપ એવી તે ૨મણીને પુરુષના વેષમાં રાત્રે તેણે સ્નેહને લીધે ગુરુના ઉપાશ્રયમાં મોકલી એટલે પ્રથમ તો ઉપાશ્રયમાં આવીને છુપાઈ ગઈ, પછી શ્રાવકો જ્યારે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે આચાર્યનું ધૈર્ય ભેદવા માટે તે એકાંતમાં શુશ્રુષા કરવા લાગી. એવામાં સ્ત્રીના કરસ્પર્શથી ઉપસ્થિત થયેલ ઉપસર્ગ જાણવામાં આવતાં ગુરુએ વિચાર કર્યો કે—‘આ અવશ્ય રાજાની અજ્ઞાન-ચેષ્ટા લાગે છે', એમ ધારી ધૈર્યપૂર્વક અષ્ટાંગ યોગરૂપ સદ્ધર્મરૂપ બખ્તરથી સજ્જ થઈને તે કામદેવનો વિજય કરવાને તૈયાર થઈ ગયા. એટલે સંતોષરૂપ અક્ષત પલાણ માંડીને