________________
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
177
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
*
:
Dછે
. GJ
શ્રીમાનું બપ્પભટ્ટિસૂરિ તમારું કલ્યાણ કરો કે જેમના ચરિત્રરૂપ ગગનાંગણે રાજા (ચંદ્રમા) સૂર (શૂરવીર કે સૂર્ય), કવિ (શુક્રાચાર્ય) અને બુધ (પંડિત કે બુધ) ગમનાગમનથી રમ્યા કરે છે. વળી જેમના ગોરસ (વચન રસ)નું પાન કરીને અંતરમાં તૃપ્ત થયાં છતાં કવિરૂપ વાછરડાઓ ઇંગિપણા (સર્વોત્કૃષ્ટતા)ને ધારણ કરતા તે સુજ્ઞ ગોપાલો (પંડિતો)ને પણ દુર્દમ થઈ પડ્યા હતા. તેમનું યથાશ્રુત ચરિત્ર હું કંઈક કહીશ કે જે મારી પ્રજ્ઞારૂપ આરસીને પ્રકાશિત કરનાર અને પુરુષોના શૃંગારમાં ભૂષણ સમાન છે.
કલ્યાણના નિધાનરૂપ શ્રીગુર્જર નામે દેશ છે કે જ્યાં નિરભિમાની અને વિવેકી જનો વસે છે તથા અશોક વૃક્ષો અને પર્વતોથી જે શોભાયમાન છે. અંગનાઓ, શ્રીમંતો અને મુનિઓની બહુલતાથી જેનું એકાંશ પ્રતિબિંબ સ્વર્ગરૂપ આદર્શમાં રહેલ છે એવું પાટલ નામે નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા કે જે ગંભીરતામાં સમુદ્ર સમાન હતો અને બાહ્ય તથા અંદરના સમસ્ત શત્રવર્ગનો જેણે નાશ કર્યો હતો. વળી તે સ્થળે સિદ્ધસેન નામે આચાર્ય પ્રખ્યાત હતા કે જે વિચિત્ર પ્રકારના શાસ્ત્રોના રહસ્યરૂપ કંદને ઉત્પન્ન કરવામાં નવા મેઘ સમાન, પરમ બ્રહ્માનંદરૂપ અમૃતના સાગરમાં નિમગ્ન મોઢ નામના પ્રૌઢ ગચ્છના નાયક તથા જ્ઞાનના વિધાન હતા.
એકવાર રાજાઓને પણ માનનીય તથા સમસ્ત વિદ્યાઓથી શોભતા એવા તે આચાર્ય મોઢેર ગામ (તીર્થ)માં શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયા, ત્યાં વિધિપૂર્વક તીર્થને વંદન કરી તેઓ એક અલગ ઉપાશ્રયમાં રહ્યા. એવામાં રાત્રે યોગનિદ્રામાં તેમણે આવા પ્રકારનું સ્વપ્ન જોયું-લીલાપૂર્વક લોચનને વિકસિત કરતો અને સત્વથી શોભતો એવો બાળ કેશરી ફાળ મારીને ચૈત્ય શિખરના અગ્ર ભાગ પર આરૂઢ થયો.”
એ પ્રમાણે અદ્ભુત સ્વપ્ન જોતાં તે મુનીંદ્ર જાગ્યા અને પ્રભાતે તેમણે તે સ્વપ્ન બીજા મહામુનિઓને પ્રસન્નતાથી સંભળાવ્યું. એટલે કલ્યાણના મૂળ કારણ રૂપ અને વિનયના હેતુપણાને જણાવતા એવા તે વિનીત મુનિઓએ અર્થ પૂછતાં આચાર્ય તેમની આગળ તે સ્વપ્નનો અર્થ કહેવા લાગ્યા કે “આજે શ્રીસંઘના મહાભાગ્યથી અન્ય વાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળ ભેદવામાં સિંહ સમાન કોઈ મહામતિ શિષ્ય આવશે.' એટલે ભાવિ પ્રભાવને સૂચવનાર સ્વપ્નના આનંદથી ઓતપ્રોત થયેલા તે મુનિઓ સાથે આચાર્ય જિનમંદિરમાં ગયા. ત્યાં ત્રણ પ્રદક્ષિણા દઈને જેટલામાં તે ભગવંતને વંદન કરે છે, તેવામાં એક છ વરસનો બાળક તેમની આગળ આવીને ઉભો રહ્યો. ત્યારે ગુરુમહારાજે તેને પૂછ્યું કે હે વત્સ ! તું કોણ અને ક્યાંથી આવે છે?
એટલે તેણે કહ્યું કે–પંચાલ દેશના બપ્પ નામના ગૃહસ્થનો પુત્ર છું. મારી માતાનું નામ ભટ્ટિ છે. ‘પરાક્રમમાં અવસ્થા કાંઈ કારણરૂપ નથી' એ વાક્યને ન જાણતા સૂરપાલ પિતાએ મને શત્રુઓને મારતાં અટકાવ્યો, તેથી ભારે ખેદ પામતાં માતાને પણ પૂછ્યા વિના હું ચાલી નીકળ્યો અને સ્નેહપૂર્વક આપની પાસે આવ્યો.” એમ કહી પ્રેમથી તે ગુરુ આગળ બેઠો. ત્યારે “અહો ! આ બાળકનું અસાધારણ તેજ' એમ ચિંતવતા