________________
શ્રી પ્રભાવક ચરિત્ર
ભારે ભય અને લજ્જાના ભારથી દબાઈ જતાં તેનું હૃદય ફુટી પડ્યું અને તે મરણ પામ્યો. ત્યાં પ્રભાતે રાજાએ તેને હાથમાં ખડી સહિત મરેલો જોયો, તેનું મરણ સાંભળતાં મલ્લવાદી ગુરુને શોક થયો કે—અહા ! એ વાદી મરણ પામ્યો. કયા પ્રમાણથી એ પોતાની બુદ્ધિને પ્રગલ્ભ સમજતો હતો ? બાલ્યાવસ્થાના કારણથી તેણે અમારી અવજ્ઞા કરી અને પોતે આવો કાયર હતો.
176
પછી શ્રીમલ્લવાદી સૂરિએ સંઘને અભ્યર્થના કરીને પોતાના પૂજ્ય ગુરુ જિનાનંદ સૂરિને વલભીપુરથી બોલાવ્યા. ત્યાં ચારિત્રધારી દુર્લભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ. ત્યારે બંધુ એવા ગુરુ મહારાજે કહ્યું કે—‘હે ભદ્રે ! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે.
હવે ગુરુ મહારાજે ગચ્છનો ભાર એક યોગ્ય શિષ્યને સોંપ્યો, કારણ કે મલ્લવાદી પ્રભુ વિદ્યમાન છતાં કોણ પોતાની મર્યાદાને ઓળંગી શકે ? તે વખતે તેમણે પરવાદીરૂપ હસ્તીઓના કુંભસ્થળને ભેદવામાં કેશરી સમાન નયચક્ર મહાગ્રંથ પોતાના શિષ્યોને કહી સંભળાવ્યો, વળી પદ્મચિરત્ર નામે રામાયણ સંભળાવ્યું કે જેના ચોવીશ હજાર શ્લોક છે. એમ તીર્થની પ્રભાવના કરી તથા પોતાના શિષ્યોને વાદીંદ્ર અને નિર્મળ બનાવી, ગુરુ શિષ્ય બંને ભારે પ્રેમ સંબંધથી સ્વર્ગે ગયા.
એવામાં પેલો બુદ્ધાનંદ મરણ પામીને મિથ્યાત્વી વ્યંતર થયો. તે પ્રાંતકાળની વિપરીત મતિથી તે જિનશાસનનો દ્વેષી થયો. પૂર્વના વૈરભાવથી તેણે તેમના બે ગ્રંથ પોતાને તાબે કર્યા, તે પુસ્તકોમાંનું લખાણ પેલો વ્યંતર કોઈને વાંચવા દેતો ન હતો.
એ પ્રમાણે મારી ચેતનારૂપ લતાને નવા મેઘ સમાન આ શ્રીમલ્લવાદી પ્રભુનું ચરિત્ર, પ્રધાન કવિજનો વાંચો, સાંભળો અને પ્રસન્ન દૃષ્ટિથી અવલોકન કરો.
શ્રીચંદ્રપ્રભસૂરિના પદ્મરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીદેવીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં, શ્રીપ્રદ્યુમ્ન સૂરિએ સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીમલ્લવાદીસૂરિના અદ્ભુત ચરિત્રરૂપ આ દશમું શિખર થયું.