________________
164
શ્રી પ્રભાવક ચરિત્ર
પરનગરથી અહીં આવેલા વિદ્યાર્થીઓની મારે કદર્થના કરવી જ ન જોઇએ, તેમ કરવાથી મને ભારે અપયશ પ્રાપ્ત થાય. કુપરીક્ષાને લઈને પ્રતીકાર ન કરવો.’
એ પ્રમાણે આચાર્યનું વચન સાંભળતાં તથા ગુરુએ અટકાવ્યાથી તે બેસી રહ્યા. પછી તે બંને શિષ્યોના સુવાના ઘર ઉપર રહેલા બૌદ્ધોમાંના એકને ગુરુએ દરેક દિશામાં તપાસ રાખવાનું કામ સોંપ્યું.
પછી દેવગુરુનું શરણ લઈ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં રાત્રે તે બંને સુતા, એટલે માથે આપત્તિ હોવાથી નિદ્રા લેવાને ન ઇચ્છતાં પણ અસુલભ એવી નિદ્રા તેમને આવી ગઈ. એવામાં તેમની ઉપરની ભૂમિ પરથી ગુરુએ નાના ઘડાની શ્રેણિ નીચે છોડાવી. તેના ખડખડ અવાજથી વિરસ બોલતા તેમણે તરત શયાનો ત્યાગ કર્યો. ત્યાં બીજા પણ કેટલાક શિષ્યો સુતા હતા, તે બધા ઓચિંતા સંભ્રમથી જાગી ઉઠ્યા અને પોતપોતાના કુળદેવતાનું નામ બોલવા લાગ્યા. તેમાં તે બંનેએ જિનનામનો ઉચ્ચાર કર્યો, એટલે ત્યાં એવો શબ્દ થયો કે–“ઠીક, આ બે જૈનમતના લાગે છે.” ત્યારે મરણના ભયને લીધે સાહસથી એક ઉપાય તેમને હાથ લાગ્યો. ત્યાં નિરંતર કેટલાક આતપત્ર(છત્ર) પડેલા હતા, તેમાંથી બે છત્ર લઈને તેમણે પોતાના શરીરે બાંધ્યા અને ઉંચા મજલા પરથી જમીનપર પડતું મૂક્યું, એટલે જાણે કોમળ શયામાંથી ઉઠ્યા હોય, તેમ કુશાગ્રબુદ્ધિના પ્રભાવથી તે બંને કુશળપૂર્વક અક્ષત શરીરે ઉભા થયા, અને ઉતાવળે પગલે તરત તે નગરમાંથી બહાર નીકળી ગયા. બુદ્ધિબળના વશથી તેમના ગમનની ખબર ન પડી, કારણ કે સારી રીતે ચલાવેલ મતિ કોને ઠગતી નથી ?
એવામાં ‘મારો મારો” એમ બોલતા બૌદ્ધોના સુભટો તેમની પાછળ લાગ્યા. જ્યારે તે તેમની નજીકમાં આવી પહોંચ્યા, એટલે હંસ પોતાના કનિષ્ઠ બંધુને કહેવા લાગ્યો–“હે ભદ્ર ! તું સત્વર ગુરુ પાસે જા અને પ્રણામ પૂર્વક મારું મિથ્યા દુષ્કૃત કહે, વળી તમે નિષેધ કર્યા છતાં અવિનયથી જે મેં અપરાધ કર્યો, તે ક્ષમા કરો, એમ બોલજે. તેમજ અહીં પાસેના નગરમાં સૂરપાલ નામે રાજા છે જે શરણે આવેલાનું રક્ષણ કરે છે, અહીં નજીકમાંજ તેનું નગર નજરે દેખાય છે, માટે તેની પાસે સત્વર પહોંચી જા.” એમ કહી તેને સત્વર વિસર્જન કર્યા છતાં તે ક્ષણવાર ત્યાં ઉભો રહ્યો. એવામાં સહસ્રોધી (હજારોની સાથે યુદ્ધ કરનાર) હંસ તો પોતાના શરીરની પણ મમતા મૂકી દઈને તે ધનુર્ધારીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો પણ તેમની પાસે બાણોનો જથ્થો સારો હોવાથી હંસનું શરીર ચાલણી જેવું થઈ ગયું, એટલે બાણોના પ્રહારોથી શત્રુઓએ તેને જમીન પર પાડી નાખ્યો અને તરત લોહીલુહાણ થએલો તે પ્રાણરહિત થઈ ગયો. મોહથી તેને ન તજતો પરમહંસ કોઈ દયાળુ પુરુષના સમજાવવાથી તેને મૂકીને ઉતાવળે પગલે ચાલીને તે સૂરપાલ રાજા પાસે પહોંચી ગયો. પરમ હંસ તેના શરણે આવ્યો કે તરત પાછળ લાગેલા હજારો શત્રુ સુભટો ત્યાં આવી પહોંચ્યા અને રાજાને કહેવા લાગ્યા કે “હે રાજન્ ! અહીં આવેલ શત્રુ અમને સોંપી દે.’
એટલે રાજાએ જણાવ્યું કે મારા ભુજપંજરમાંથી એને બલાત્કારે કોણ લઈ જાય તેમ છે? આ તો ન્યાયી અને કળાવાનું છે, પરંતુ અન્યાયી હોય, તો પણ એ તમને ન સોપું.”
ત્યારે બૌદ્ધ સુભટો કહેવા લાગ્યા કે “અરે ! રાજન્ ! એક પરદેશી પુરુષની ખાતર કોપાયમાન થયેલ અમારા સ્વામીના હાથે પોતાના ધન, સુવર્ણ, રાજ્યાદિક શા માટે ગુમાવે છે ?'
રાજાએ કહ્યું-“મારા પૂર્વજો જે મહાન વ્રત આચરી ગયા છે, તે વ્રત આચરતાં મને મરણ મળે કે હું જીવતો રહું, તેની મને દરકાર નથી, પરંતુ શરણાગતના રક્ષણરૂપ વ્રતને તો હું કદિ મૂકનાર નથી. વળી