________________
શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર
163
નિરંતર અભ્યાસ કરાવતો હતો. એટલે અતિ સુખ પૂર્વક ભોજન મળવાથી અત્યંત વિષમ બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કરતાં, પરમતના વિદ્વાનોને દુર્ગમ્ય એવા અર્થતત્ત્વને પણ તેઓ પોતાની કુશળતાથી સુખે જાણી શકયા. જિનમતના શાસ્ત્ર પ્રત્યે બૌદ્ધાચાર્યની હીનમતિથી જે દૂષણો બતાવવામાં આવ્યાં, તેની પોતાના આગમ પ્રમાણોને લઈને બારીકાઈથી તુલના કરતાં તેનો ત્યાગ કરી અને જૈન તર્કની કુશળતાથી બૌદ્ધાગમનું ખંડન કરનારા શુદ્ધ હેતુઓ તેમણે બીજા પત્રો પર લખી લીધા, એમ જેટલામાં તેઓ એકાંતમાં લખતા હતા, તેવામાં સખ્ત પવન લાગવાથી તે પત્ર તેમના હાથમાંથી ઉડી ગયું ને તે બીજાઓને હાથ ચડ્યું, એટલે તેમણે તે બંને પત્રો ગુરુની આગળ જઈને મૂક્યા. ત્યાં પોતાના તર્કમાં ઉદગ્ર દૂષણો અને જૈન સંબંધી દૂષણોના પક્ષમાં અજેય એવી હેતુ દેઢતાને જોતાં તેને પોતાના મનમાં મોટો ભ્રમ થઈ પડ્યો. પછી ભારે વિસ્મય પામતાં બૌદ્ધાચાર્ય કહેવા લાગ્યો કે–અહીં કોઈ જિનમતનો ઉપાસક ભણવા આવેલ છે, નહિ તો મેં દૂષણ આપેલ શાસ્ત્રને ફરી અન્ય કોણ નિર્દોષ કરવાને સમર્થ થઈ શકે ? હવે એને શોધી કાઢવાનો શો ઉપાય લેવો ?' એમ તે વિચારમાં પડ્યો. કારણ કે કોઈ વાર આવા કાર્યમાં વિદ્વાનોની મતિ પણ સ્કૂલના પામે છે. એવામાં મિથ્યાઆગ્રહ રૂપ સમુદ્રને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તેને બુદ્ધિ પ્રગટ થઈ. એટલે તેણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું કે—‘દ્વાર આગળ રસ્તા પર એક જિનબિંબને સ્થાપન કરો. તેના શિર પર પોતાના પદયુગલ રાખીને દરેક વિદ્યાર્થીઓએ ત્યાંથી ગમન કરવું; આ મારું વચન જે પ્રમાણ ન કરે, તેણે મારી પાસે અભ્યાસ કરવો 'નહિ. ગુરુના એ વચન પ્રમાણે તે બધા ઉશ્રુંખલ બૌદ્ધોએ વર્તન કર્યું.
એવામાં તે હંસ અને પરમહંસ ખેદપૂર્વક વિચાર કરવા લાગ્યા કે–અહો ! આપણા પર મોટું વિકટ સંકટ આવી પડ્યું. જો એ બિંબના મસ્તક પર ભક્તિને લીધે આપણે પગ ન મૂકીએ, તો જાણવામાં આવી જઈશું, અને તેથી એ નિર્દય મનના પાઠક પાસે ફરી જીવવાની આશા રાખવી નકામી છે. સદ્દગુરુ શ્રી હરિભદ્ર સૂરિના ચરણમાં આપણે બલિદાન રૂપ થઈ જઈએ કે જેઓ પૂર્વે ભવિષ્યના અનિષ્ટનો વિચાર કરીને આપણા ગમનનો પ્રતિષેધ કરતા હતા. તે અવિનયનું આ ઉગ્ર ફળ અત્યારે અવશ્ય આપણને ઉપસ્થિત થયું; કારણ કે ભવિતવ્યતા કદિ ટળી ન શકે. એટલે હવે તો જન્મને કલંક્તિ કરવાનો અથવા તો મરણ પામવાનો અવસર આવ્યો છે; પરંતુ હવે ગમે તેમ થાય, પણ જિનબિંબના શિરે પગ સ્થાપીને નરકફળને તો આપણે ઉપાર્જન ન જ કરીએ. આપણા પગ સડી જાય કે ભેદાઈ જાય તો ભલે, પણ જિનબિંબને તો એ લાગવાના નથી જ. એટલે હવે કોઈ રીતે પણ અહીં મરણ ઉપસ્થિત થયું છે, તથાપિ સાહસ ધારણ કરી રહેવું, વળી આપણી એવી દઢ પ્રતિજ્ઞા છે કે કાર્ય ઉપસ્થિત થતાં પ્રતિકાર કરવો જ.'
એમ વિચારી હાથમાં ખડી લઈને સત્ત્વશાળી એવા તેમણે જિનબિંબના હૃદય પર ઉપવીત (જનોઈ)નું ચિન્હ કર્યું અને પછી તેના શિર પર પગ મૂકીને તે ચાલ્યા ગયા. પણ એ કામમાં લક્ષ્ય રાખતા કેટલાક બૌદ્ધોએ તેમને ઓળખી (જાણી) લીધા. એટલે ભારે કુશળ એવા તે ક્રોધના વશે રક્ત લોચનથી તેમને જોવા લાગ્યા.
ત્યારે બૌદ્ધાચાર્યે પુનઃ કહ્યું કે–અહો ! બૌદ્ધમતના દ્વેષીઓની હવે હું બીજી પરીક્ષા કરીશ. માટે તમે બધા શાંત થઈને બેસી રહો. કારણ કે અત્યારે એકદમ તેમની સામે વિરોધ કરવો ઉચિત નથી. વળી બુદ્ધિનિધાન પુરુષો દેવના શિરે પગ ન જ મૂકે, તેથી એમણે ઉપવીતનું ચિન્હ કર્યું અને એ કાર્ય પાર પાડ્યું. એ તેમની દઢતાનું લક્ષણ છે. અન્ય કોઈ દઢમતિ મનુષ્ય પણ કર્મથી ભય પામતાં આવું કામ કદાપિ ન જ કરે. વળી