________________
શ્રી પ્રભાવક ચરિત્ર
ચિત્ત લીન થવાથી તજેલ લક્ષ્મી અને પ્રિયજનના વિરહની વ્યથાથી હું વિમુક્ત થયો છું.'
ગુરુ મહારાજે, ધર્મશાસ્ત્રના અધ્યયનથી સર્વોપરી બનેલ તથા ધર્મોપદેશ આપવામાં કુશળ એવા હરિભદ્રમુનિને શુભ લગ્ને પોતાના પદે સ્થાપન કર્યા. એટલે પૂર્વે થયેલા પાદલિપ્તસૂરિ વગેરેની જેમ કળિકાળમાં યુગપ્રધાનરૂપ એવા શ્રીહરિભદ્રસૂરિ પોતાના વિહારથી પૃથ્વીને પાવન કરવા લાગ્યા.
162
એવામાં એક દિવસે સંબંધી જનોના કર્કશ વાક્યોથી વિરક્ત થયેલા, સેંકડો હથીયારોથી યુદ્ધ કરનારામાં કુશળ છતાં અત્યારે ચિંતાગ્રસ્ત એવા પોતાની બહેનના બે કુમાર પુત્રો બાહ્યભૂમિએ તેમના જોવામાં આવ્યા. એટલે ગુરુના ચરણ-યુગલને વંદન કરતાં તે કહેવા લાગ્યા કે—‘ઘરથી અમે વિરાગ પામ્યા છીએ.’
ત્યારે ગુરુ બોલ્યા—જો મારા પર તમે રાગ ધરાવતા હો, તો વિધિપૂર્વક વ્રત લઈ લ્યો.' પછી તેમની ભાવના જોઈને ગુરુએ હંસ અને પરમહંસને દીક્ષા આપી, અને પ્રમાણશાસ્ત્ર અને ઉપનિષદ્ સંબંધી શાસ્ત્ર પાઠમાં કુશળ બનાવ્યા.
પછી એકવાર બૌદ્ધના તર્કશાસ્ત્ર સંબંધી તત્ત્વને જાણવાની ઈચ્છાથી તેમણે ગુરુના ચરણે વિનયપૂર્વક મસ્તક નમાવીને નમ્રતાથી વિનંતિ કરી કે—‘હે ભગવન્ ! દુર્ગમ્ય બૌદ્ધનાં આગમો જાણવા માટે અમારે સતત ઉદ્યમ કરવાની ઈચ્છા છે, તો અમારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે અમને તેના નગરમાં જવાની અનુજ્ઞા આપો.
નિમિત્ત શાસ્ત્રના બળે હૃદયમાં ઉત્તર કાળ જાણવામાં આવતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે—‘હું જોઈ શકું છું કે તમારું ત્યાં ગમન હિતકારક નહિ થાય, માટે તમે એ વિચાર માંડી વાળો. વળી હે વત્સો ! તમે આજ દેશમાં કોઈ ગુણી આચાર્ય પાસે તે અભ્યાસ કરો. અહીં પણ કેટલાક આચાર્યો પર-આગમને જાણવામાં ભારે કુશળ છે, વળી ગુરુને વિરહમાં નાખીને કયો કુલીન શિષ્ય નિરુપદ્રવ માર્ગે પણ ગમન કરે ? તો પછી દુર્નિમિત્ત જાણવામાં આવતાં તો તે કેમ ગમન કરે ? માટે આ સોપદ્રવ કાર્યમાં અમે અનુમતિ આપતા
નથી.'
ત્યારે હંસ નામે શિષ્ય હસીને કહેવા લાગ્યો—‘આ આપનું વચન વાત્સલ્ય યુક્ત છે, પણ આપની કૃપાથી અમારામાં તેવું સામર્થ્ય છે. બાલ્યાવસ્થામાં પરિપાલન કરતાં શું તમે અમારું બળ જાણી શક્યા નથી ? વળી સમર્થજનોને માર્ગમાં કે પરનગરમાં જતાં અપશુકનો શું કરી શકવાના હતા ? ચિરકાળથી જપેલ આપના નામરૂપ મંત્ર ઉપદ્રવથી સદા અમારું રક્ષણ કરનાર છે. મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા દૂર દેશનાં શાસ્ત્રો મેળવવા માટે જવા અને આવવાથી કયો ગુણહીન કૃતજ્ઞતાની ક્ષતિ કરનાર બને ? માટે આ કામ તો કરવા લાયક જ છે.’
એટલે ગુરુએ તે બંને શિષ્યને કહ્યું કે—‘હવે તમને હિત કહેવું, તે ઉચિત નથી, જે થવાનું હશે તે થશે જ. માટે ઉત્તમ કે નિંદિત જે તમને ઈષ્ટ હોય, તે કરો.'
પછી ગુરુના ગૌરવ અને ઉપદેશની અવગણના કરી જૈન લિંગને અતિશય ગુપ્ત રાખીને તે બંને બૌદ્ધોના નગર તરફ ચાલ્યા, કારણ કે ભવિતવ્યતાનો નિયોગ ફરતો નથી. કેટલાક દિવસ પ્રયાણ કરતાં તે બંને યોગીના વેશે બૌદ્ધમતની રાજધાનીમાં પહોંચ્યા, અને અભ્યાસની ભારે ઉત્કંઠાથી તે બૌદ્ધ મઠમાં ગયા. ત્યાં ભણવા આવનારને ભોજનાદિકની સગવડ માટે એક મોટી દાનશાળા હતી, અને બૌદ્ધાચાર્ય ત્યાં શિષ્યોને ઈચ્છાનુસાર