________________
148
શ્રી પ્રભાવક ચરિત્ર
છે. તો જિનશાસનની રક્ષા માટે એક કામ તારે અવશ્ય કરવાનું છે.”
એ પ્રમાણે તે શિષ્યને શિક્ષા આપીને ગુરુમહારાજે પોતે પ્રત્યાખ્યાન કર્યું, તથા આરાધના પૂર્વક તે પરમેષ્ઠીના ધ્યાનમાં લીન થયા; પછી પવનનો નિરોધ કરી મસ્તક માર્ગે પ્રાણનો ત્યાગ કરતાં ગુણના નિધાનરૂપ તે આચાર્ય વૈમાનિક દેવની સમૃદ્ધિ પામ્યા. એટલે એક પ્રચંડ દંડ લઈને અવસરના જાણકાર તે શિષ્ય કપાળનું એવી રીતે ચૂર્ણ કરી નાખ્યું કે જેથી તેનો આકાર પણ જોવામાં ન આવી શકે. એવામાં લોકોનો શોકપૂર્વક હાહારવ થતાં ગીતાર્થ મુનિઓએ શિબિકામાં રહેલ ગુરુના શરીરને ઉપાડ્યું. એવામાં ડમરુના ધ્વનિથી ભયંકર ભાસતો તે યોગી ત્યાં આવ્યો અને તે લોકોને પૂછવા લાગ્યો કે “આ કયો પુરુષ મરણ પામ્યો ?'
ત્યારે અશ્રુથી પોતાની મુછને ભીંજાવતાં એક મુખ્ય બ્રાહ્મણ ગદ્દગદ અવાજથી તેની આગળ બોલ્યો કેજાણે વાયુદેવની બીજી મૂર્તિ હોય અને મહાસ્થાનરૂપ ધરા-પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહરૂપ એવા જીવદેવ મુનીશ્વર સ્વર્ગવાસી થયા.”
એ પ્રમાણે સાંભળતાં કપટથી શોક બતાવી છાતીને કૂટતાં મોટો પોકાર કરી અત્યંતે રૂદનપૂર્વક તે યોગી કહેવા લાગ્યો કે “અરે ! હવે મારા સ્વામીનું એક વાર તમે મને મુખ બતાવો નહિ તો પોતાનું શિર કૂટીને હું અવશ્ય પ્રાણત્યાગ કરીશ.'
ત્યારે પ્રવર્તક બોલ્યા–શિબિકાને પૃથ્વી પર મૂકો. આ યોગી સ્વામીનો મિત્ર છે, તેથી તેમનું મુખ જોઈને ભલે એ ચિરકાળ જીવતો રહે.' એટલે શિબિકા નીચે મૂકવામાં આવી અને ગુરુનું મુખ તેને બતાવવામાં આવ્યું, ત્યાં તે ચુર્ણિત થયેલ જોઈ હાથ ધસીને તે કહેવા લાગ્યો –‘વિક્રમાદિત્ય રાજાની એક ખંડ ખોપરી તો મને મળી, પણ આ મારા આચાર્યનું કપાળ પુણ્યવંત પુરુષના લક્ષણયુક્ત છે, તે જો મારા હાથમાં આવી એ અર્ધ કપાળ સાથે સંયુક્ત થાત, તો મારા બધા મનોરથ સિદ્ધ થઈ જાત; પણ શું કરીએ, નિર્ભાગીને આવું ક્યાંથી પ્રાપ્ત થાય ? તેથી જીવતા અને મરતા પણ એ મિત્રે મને હાથ ઘસતો કર્યો. મનુષ્યોમાં તે જ એક પુરુષ હતો, કે જેણે પોતાની મતિથી મને જીતી લીધો; તેમ છતાં આ લોકો એના દેહસંસ્કારને માટે મને અનુજ્ઞા આપે તો સારું; કારણ કે અસાધારણ મિત્રાઈથી આજે મને પણ પુણ્યનો વિભાગ પ્રાપ્ત થાઓ.’
પછી લોકોએ તેમ કરવાની તેને અનુજ્ઞા આપી, એટલે આકાશ માર્ગે જઈને તે યોગી મલયાચલથી ચંદનકાઇ ત્યાં લઈ આવ્યો, અને ગુરુના શરીરને તેણે અગ્નિસંસ્કાર કર્યો. તેના પ્રભાવથી અદ્યાપિ તેમના વંશમાં પોતાના તેજથી અમર સમાન અને કળાના નિધાન એવા પ્રભાવક આચાર્ય થાય છે.
એ પ્રમાણે મહાપ્રભાવ યુક્ત અને દુરિતને દૂર કરનાર એવું શ્રી જીવદેવ ગુરુનું ચરિત્ર જાણીને વિબુધ જનો સાવધાન થઈને નિરંતર તેનું સ્મરણ કરો. તથા આચાર્ય મહારાજનો મહિમા બતાવવામાં એક કારણરૂપ એ ચરિત્ર ચિરકાળ જયવંત રહો. '
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીદેવીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ વિચાર પર લાવતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, શ્રી પૂવર્ષિઓના ચરિત્રોરૂપ રોહણાચલને વિષે શ્રીજીવદેવસૂરિના સુચરિત્રરૂપ આ સાતમું શિખર થયું. શ્રીમાનું પ્રદ્યુમ્નસૂરિરૂપ કલ્પવૃક્ષ, તે વચનની દરિદ્રતાનું પ્રમથન કરનાર છે, મનની પ્રસન્નતારૂપ લતાના દેઢ આધાર અને સુજ્ઞ જનોરૂપ પુષ્પસમૂહને ઉલ્લાસ પમાડનાર છે.