________________
શ્રી જીવદેવસૂરિ ચરિત્ર
145
તારે રમણીય જિનમંદિર કરાવવું.'
એ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી સાંભળતાં શ્રેષ્ઠીએ તે વચન માન્ય કરીને બે વૃષભને છુટા મુક્યા, એટલે છુટા થયેલ તે પિપ્પલાનક નામના ગામમાં ગયા અને ત્યાં એક ઉકરડાના સ્થાનમાં ઉભા રહ્યા. ત્યાંથી તે આગળ ન ચાલ્યા. ત્યારે ગામના અધિપતિએ ગૌરવથી તે ભૂમિ શેઠને અર્પણ કરી. પછી ત્યાં એક કુશળ સુત્રધારને નિયુક્ત કરતાં પ્રાસાદ (ચ)ના શિખર અને મંડપ સંપૂર્ણ તૈયાર થયા.
એવામાં એક દિવસે ત્યાં કોઈ સંન્યાસી પુરુષ આવી ચઢ્યો. તેણે પ્રાસાદને જોતાં નાક મરડીને પ્રશંસા કરી. ત્યારે લોકોએ ત્યાંનું દુષણ પૂછતાં, તે પ્રગટ રીતે કહેવા લાગ્યો કે અહીં સ્ત્રીના અસ્થિરૂપ શલ્ય છે કે જે સમસ્ત દુષણોમાં મુખ્ય દુષણ ગણાય છે.'
ત્યારે લોકોએ એ વાત ગુરમહારાજને નિવેદન કરી. એટલે તેમણે લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું કે – “શલ્ય દૂર કરી પાયા ભરીને ફરી ચૈત્યનો પ્રારંભ કરો. વળી હે લલ્લ શેઠ ! તારે દ્રવ્યની ન્યૂનતા સંબંધી ચિંતા ન કરવી. કારણ કે તેની અધિષ્ઠાયક દેવીઓ તને પુષ્કળ દ્રવ્ય પૂરશે.' પછી શલ્ય કાઢી નાખવાનો પ્રયત્ન શરૂ કરતાં રાત્રે અવાજ સાંભળવામાં આવ્યો કે–“શલ્યને ઉખેડો નહિ.” એ અવાજની ઉપેક્ષા કરતાં ત્યાં પત્થર પડવા લાગ્યા. ત્યારે તેમણે પુનઃ ગુરુ મહારાજને તે હકીકત નિવેદન કરી, એટલે ગુરુએ ધ્યાન લગાવ્યું અને દેવતાને આહુવાન કરવામાં આવતાં ત્યાં સાક્ષાત દેવી આવીને કહેવા લાગી કે- કાન્યકુન્જના રાજાની હું માનિની પુત્રી હતી. મારા પિતાના ગુર્જર દેશમાં હું સુખે રહેતી હતી. એવામાં મ્લેચ્છ રાજા થકી ભંગનો ભય ઉપસ્થિત થતાં હુ અહીં કુવામાં પડી, એટલે મરણ પામીને હું આ ભૂમિની અધિષ્ઠાત્રી દેવી થઈ. મારી પાસે ધન પુષ્કળ છે, તો મારા પોતાના શરીરના અસ્થિશલ્યને ઉખેડવાની હું અનુમતિ આપીશ નહિ. કારણ કે મારી અનુમતિ વિના ધર્મ સ્થાનોમાં કોઈ કંઈ કરવાને સમર્થ નથી. તેથી હે પૂજય ! ધર્મસ્થાનોમાં હું તમને અટકાવું છું.”
ત્યારે ગુરુએ તેને મનાવી, તેથી તેમના વચનામૃતથી દેવી શાંત થઈને કહેવા લાગી કે–‘જો હવે તમે મને અહીં અધિષ્ઠાયિકા બનાવો, તો ધર્મસ્થાનને માટે તે દ્રવ્યસહિત ભૂમિ લઈ લ્યો.' એટલે આચાર્ય એ વાત કબુલ કરી : પછી શ્રેષ્ઠ ચૈત્ય તૈયાર થતાં ત્યાં તેમણે તે દેવીની એક જુદી દેરી તૈયાર કરાવી, અને ભવનદેવીના નામથી તેને ત્યાં સ્થાપન કરી. અચિંત્ય શક્તિશાળી તે દેવીને અદ્યાપિ ધાર્મિક પુરુષો પૂજે છે.
હવે લલ્લશેઠને જિનધર્મમાં આદરયુક્ત જોઈને પોતાના સ્વભાવને ન જાણતા બ્રાહ્મણો જૈનધર્મીઓ પર મત્સર કરવા લાગ્યા. એટલે પર્વતોને જેમ હાથીઓ તેમ ગોચરી વગેરેને માટે માર્ગે જતા મુનિઓને તે ઉદ્વેગ પમાડવા લાગ્યા. એ હકીકત તેમણે ગુરુને નિવેદન કરી. ત્યારે ગુરુ બોલ્યા-ક્ષમાં ધારણ કરવાથી ઉપસર્ગો નષ્ટ થશે. એ જ આપણું રહસ્ય (તત્ત્વ) છે.'
એવામાં એકવાર કટુવચન બોલનારા અને પાપરક્ત બ્રાહ્મણો લગભગ મરણાવસ્થાએ પહોંચેલી કોઈ કૃશ ગાયને રાત્રે પગે ઘસડી ઘસડીને બલાત્કારે મહાવીર ભ.નાં મંદિરમાં લઈ ગયા. પછી તેને મરણ પામેલ સમજી; પોતે બહાર બેસીને અતિ હર્ષથી કહેવા લાગ્યા કે—હવે જૈનોનું મોટું માહાભ્ય જાણવામાં આવી જશે, પ્રભાતે શ્વેતાંબરોને વિડંબના પમાડનાર આ વિનોદ આપણે જોઈ શકીશું.” એમ મનમાં કૌતુક લાવતા તે વિપ્રો દેવકુલાદિકમાં બેસી રહ્યા.