________________
144
શ્રી પ્રભાવક ચરિત્ર
કે મદ્યનું માહાભ્ય શાંત થતાં કોઈ પણ વિપરીત ચેષ્ટા ન કરે. પછી ત્યારથી તે શ્રેષ્ઠી સર્વ દર્શનોની તપાસ કરવા લાગ્યો.
એવામાં એકવાર બે શ્વેતાંબર મુનિઓ તે શેઠના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે શ્રેષ્ઠીએ પોતાના ઘરના માણસોને આદેશ કર્યો કે-“આ ચારિત્રપાત્ર મુનિઓને ભોજન તૈયાર કરીને અવશ્ય ભિક્ષા આપો.”
એટલે મુનિ બોલ્યા- તેવું ભોજન અમને ન કહ્યું. વળી જયાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સર્વ પ્રકારની વનસ્પતિ અને ત્રસ જીવનો વધ થતો હોય, તેવી ભિક્ષા અમારાથી ન લેવાય.’
એ પ્રમાણે સાંભળતાં શેઠ ચિંતવવા લાગ્યા કે—“અહો ! આ મુનિઓ તૃષ્ણારહિત હોવાથી નિર્મળ, નિરહંકાર અને સદા શાંત ચિત્તવાળા લાગે છે.' એમ ધારીને તે શ્રેષ્ઠી કહેવા લાગ્યો
હે ભગવનું ! મને સત્ય ધર્મ કહી બતાવો.”
ત્યારે મુનિ બોલ્યા- ચૈત્યમાં અમારા ગુરુ બિરાજે છે તે ધર્મ કહી સંભળાવશે.” એમ કહીને તે પોતાના સ્થાને ચાલ્યા ગયા. તે પછી બીજે દિવસે લલ્લશ્રેષ્ઠીએ ગુરુ પાસે જઈને ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે—‘દયા તે ધર્મ, સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ તથા આંતર શત્રુઓનો નાશ કરનાર અને મહાવ્રતધારી ધીર તે ગુરુ સમજવા. રાગાદિ ચિન્તયુક્ત દેવ, પરિગ્રહધારી ગુરુ અને પશુહિંસારૂપ ધર્મ, એ મહામિથ્યાભ્રમ છે. માટે હે ધાર્મિક ! પરીક્ષા કરીને ધર્મનો સ્વીકાર કર કારણ કે તમે તો ટકા વગેરે પણ પરીક્ષાપૂર્વક જ સ્વીકારો છો.'
એ પ્રમાણે સાંભળતાં લલ્લશ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત બાર વ્રતોનો સ્વીકાર કર્યો અને ચતુર્વિધ ધર્મ જાણીને તે અહર્નિશ આચરવા લાગ્યો.
એક વખતે શ્રેષ્ઠીએ ગુરુ પાસે આવીને કહ્યું કે “હે ભગવન્! મારી વાત લક્ષ્યપૂર્વક સાંભળો–મેં સૂર્યગ્રહણના દિવસે એક લાખ દ્રવ્ય વાપરવાનો સંકલ્પ કર્યો છે. તેમાંથી વેદ અને સ્મૃતિ (પુરાણોમાં બતાવેલ ધર્માભાસમાં અર્ધ દ્રવ્ય વપરાયું, હવે બાકીનું જે અર્ધ લક્ષ રહેલ છે, તેનો વ્યય મારે શી રીતે કરવો તે આપ ફરમાવો. મારો વિચાર એવો છે કે તે આપને આપવાથી બહુ ફળદાયક થશે. માટે તે દ્રવ્ય આપ ગ્રહણ કરો અને ઈચ્છાનુસાર આદરપૂર્વક તેનો ઉપયોગ કરો.”
ત્યારે ગુરુ કહેવા લાગ્યા - હે ભદ્ર ! અમે અકિંચન (નિઃપરિગ્રહ) છીએ. તેથી ધનાદિકનો સ્પર્શ પણ અમને ઉચિત નથી, તો પછી તેનો સંગ્રહ કરવાની તો વાત જ શી કરવી ? છતાં તમે એ બાબતની ચિંતા ન કરો. આવતી કાલે સંધ્યા સમયે એક પગ ધોતાં તને જે ભેટ મળે ત્યારે અમને ત્યાં લઈ જજે, એટલે તેનો ઉપાય તને કહી સંભળાવીશું.'
એમ સાંભળીને તે શેઠ પોતાના ઘરે ગયો પછી બીજે દિવસે ગુરુનું વચન યાદ કરતાં સંધ્યા સમયે કોઈ સુતાર એવો પલંગ તેની પાસે લઈ આવ્યો કે તેના જેવો રાજાની પાસે પણ નહિ હોય, એટલે ગુરુના કહ્યા પ્રમાણે શ્રેષ્ઠી તેની સાથે ઉપાશ્રયમાં આવ્યો અને આશ્ચર્ય પામતાં તેણે ગુરુની આગળ નિવેદન કર્યું. ત્યારે ગુરુ મહારાજ પોતે પાછા ત્યાં આવીને, બે વૃષભ પર વાસક્ષેપ નાખી, તેનાથી અધિવાસિત કરીને તે શ્રેષ્ઠીને પ્રગટ રીતે કહેવા લાગ્યા કે—હે શેઠ ! આ બે વૃષભ જતાં જતાં જ્યાં ઉભા રહી જાય, તે સ્થાને પેલા દ્રવ્યથી