________________
શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર
137
એકવાર શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રીસુધર્મસૂરિની આજ્ઞા લઈને નિર્મળ ચારિત્રધારી એવા બે મુનિ ભિક્ષાને માટે અંબાદેવીના આંગણે આવ્યા એટલે ભાવનાયુક્ત નિર્મળ મનથી હર્ષપૂર્વક તેણે મુનિને વિધિસહિત સમસ્ત શુદ્ધ આહાર વહોરાવ્યો, પછી પ્રણામ કરીને બંને સાધુને તેણે વિસર્જન કર્યા. એવામાં સોમભટ્ટ તેનો પતિ આવ્યો અને આક્રોશપૂર્વક કહેવા લાગ્યો કે- વિશ્વદેવ-મહાદેવ સંબંધી ક્રિયા કર્યા વિના તે રસવતીનો કેમ સ્પર્શ કર્યો ?' એ અપરાધને લઈને તેણે દુર્વચન કહેવામાં બાકી ન રાખી, એટલું જ નહિ પણ લેશ પણ મુખવિકાર ન બતાવતી અંબાદેવીને તેણે લપડાકોથી ખુબ મારી, એવામાં ઘરના માણસોએ અનુકંપાથી તેને છોડાવી; એ અપમાનથી મનમાં ખેદ પામતાં તે પોતાના બંને પુત્રોને લઈને ઘર થકી બહાર ચાલી નીકળી; એક નાના બાળકને તેણે કેડપર ઉપાડ્યો અને મોટાને આંગળીએ ચલાવતાં તે વિચાર કરવા લાગી કે ‘જૈનમુનિને દાન આપવાથી હું આવા પરાભવને પામી માટે જૈન વિધિથી નિર્મળ એવો તે જ માર્ગ મને શરણરૂપ થાઓ.’ એમ ધારી માનમાં આવી ગયેલ અંબાદેવી ત્વરિત પગલે રૈવતાચલ તીર્થ ભણી ચાલી. પછી ગિરિરાજ પાસે આવતાં તે ચિંતવવા લાગી કે–“અહો ! હું તૃષાતુર ક્ષુધાતુર, અને શ્રમિત છું અને પર્વત તો બહુ ઉન્નત છે.' એમ વિચારી સુકૃતની ભાવનાથી તેણે તીર્થપર આરોહણ કર્યું અને ત્યાં જઈને શ્રી અરિષ્ટનેમિને ભક્તિપૂર્વક વંદના કરી, પછી ચૈત્યમાંથી બહાર આવી તે આમ્રવૃક્ષ નીચે વિસામો લેવા બેઠી એવામાં ક્ષુધાતુર થયેલ બાળકે પાકેલ આમ્રફળની લુંબ માગી એટલે તેણે તે બાળકને આપી, શ્રી નેમિનાથનું સ્મરણ કરીને પુત્રો સહિત તે શિખર પરથી ઝંપાપાત કર્યો, ત્યારે શ્રી નેમિનાથના સ્મરણથી તે દિવ્ય ઋદ્ધિને પામી અર્થાતુ દેવી થઈ.
અહીં અંબાદેવી ગયા પછી વિપ્રનો કોપ ઉતરી ગયો અને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ત્યાં ઘરમાં કોઈને પણ જણાવ્યા વિના તે તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો. જતાં જતાં તે રૈવતાચલ પર આમ્રવૃક્ષ પાસે આવ્યો
ત્યાં ત્રણેને મરણ પામેલ જોઈને પોતાની નાસિકા મરડતાં અને પોતાના પ્રત્યે આંગળી કરતાં તે ચિંતવવા લાગ્યો કે—હત્યાના દોષથી લિપ્ત થયેલ હું હવે કેમ જીવતો રહું? માટે ભગવંતના ચરણથી પવિત્ર થયેલ આ પર્વત પર જ મરણ પામવું ઉચિત છે. જે એમની ગતિ તે જ મારી ગતિ થાઓ. અહીં વધારે પ્રલાપ કરવાથી શું ?' એમ ધારીને તે એક ભયાનક ખીણમાં પડ્યો. એટલે વ્યંતર થઈને તે દેવીના વાહનરૂપ સિંહપણાને પામ્યો. તે અંબાદેવી આજે પણ એ ગિરિપર શ્રી નેમિનાથના તીર્થમાં ભક્તજનોને સહાય કરે છે.
હવે શ્રી વિજયસિંહસૂરિ ત્યાં તીર્થનાથને અષ્ટાંગ પ્રણામ કરી તીર્થોપવાસપૂર્વક ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. એટલે અનુપમ ચારિત્રના નિધાનરૂપ તે ગુરુ મહારાજને જોતાં અંબિકાદેવીએ રાત્રે પ્રગટ થઈને તેમના ચરણમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે હે અંબા ! તું પૂર્વ ભવમાં બ્રાહ્મણ પત્ની હતી. ત્યાં પતિથી પરાભવ પામતાં, જિનેશ્વરના ચરણ-કમળનું સ્મરણ કરીને દેવી થઈ. એટલે તારી પાછળ તારા પતિની પણ તે જ દશા થઈ.”
એ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને હર્ષિત થયેલી દેવી કહેવા લાગી કે– હે ભગવન્! મને કંઈક આજ્ઞા કરો.”
ત્યારે ગુરુ બોલ્યા- હે ભદ્ર ! અમારે નિઃસ્પૃહને શું કામ હોય?